ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવાણે રાજીનામું આપવાની સાથે કૉન્ગ્રેસના બે ભૂતપૂર્વ નગરસેવકો બીજેપીમાં જોડાયા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું: શિવસેના અને એનસીપી બાદ હવે બીજેપીનું ઑપરેશન કૉન્ગ્રેસ શરૂ
ગઈ કાલે ચર્ચગેટમાં પોતાના ઘરની બહાર પત્રકારોને સંબોધી રહેલા ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ચવાણ.
રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કૉન્ગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવાણે ગઈ કાલે પહેલા સ્પીકરને પોતાનું વિધાનસભ્યપદનું રાજીનામું સોંપ્યું હતું અને બાદમાં કૉન્ગ્રેસનાં તમામ પદેથી રાજીનામું આપતો પત્ર પ્રદેશાધ્યક્ષ નાના પટોલેને લખ્યો હતો. આ જ સમયે કૉન્ગ્રેસના બે ભૂતપૂર્વ નગરસેવકોએ બીજેપીમાં દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં પ્રવેશ કર્યો હતો. કૉન્ગ્રેસના કેટલા વિધાનસભ્યો સહિતના બીજા નેતાઓ બીજેપીમાં જોડાઈ રહ્યા છે એવા સવાલના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે આગે આગે દેખિયે હોતા હૈ ક્યા. અશોક ચવાણે કૉન્ગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ કહ્યું છે કે એક-બે દિવસમાં તેઓ તેમની રાજકીય કારકિર્દીનો નિર્ણય લેશે. ૧૫ ફેબ્રુઆરીએ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મહારાષ્ટ્રની મુલાકાતે આવવાના છે ત્યારે અશોક ચવાણ સહિત કૉન્ગ્રેસના ૧૫ વિધાનસભ્ય અને નેતાઓ બીજેપીમાં પક્ષપ્રવેશ કરશે એવી ચર્ચા છે. આ વિધાનસભ્યોમાં મુંબઈના કૉન્ગ્રેસના વિધાનસભ્યો પણ સામેલ હોવાનું કહેવાય છે.
શનિવારે કૉન્ગ્રેસના ભૂતપૂર્વ પ્રધાન અને વિધાનસભ્ય બાબા સિદ્દીકીએ અજિત પવાર જૂથમાં પ્રવેશ કર્યા બાદ રાજ્યમાં ફરી પક્ષપલટાની મોસમ શરૂ થઈ છે. શનિવારે જ ઉદ્ધવ ઠાકરે જૂથના ઘાટકોપરના વૉર્ડ ૧૨૫નાં ભૂતપૂર્વ નગરસેવિકા રુપાલી આવળે અને તેના પતિ સુરેશ આવળે સહિતના પદાધિકારી અને શિવસૈનિકોએ એકનાથ શિંદે જૂથમાં પ્રવેશ કર્યો હતો. આવી જ રીતે ગઈ કાલે ખેતવાડી વિસ્તારના વૉર્ડ ૨૧૬ના કૉન્ગ્રેસના ભૂતપૂર્વ નગરસેવક રાજેન્દ્ર નરવણકર અને અંધેરીના ૮૨ નંબર વૉર્ડના ભૂતપૂર્વ નગરસેવક જગદીશ અમીન કુટ્ટીએ દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં બીજેપીમાં પ્રવેશ કર્યો હતો. આ સાથે જ બીજેપીએ શિવસેના અને એનસીપી બાદ હવે કૉન્ગ્રેસમાં પક્ષપલટો કરવાનું ઑપરેશન લોટસ શરૂ કર્યું હોવાની ચર્ચા શરૂ થઈ છે.
ADVERTISEMENT
બીજેપીમાં ઇનકમિંગ પુરજોશમાં
નાયબ મુખ્ય પ્રધાન અને બીજેપીના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘જનતા સાથે જોડાયેલા નેતાઓ કૉન્ગ્રેસની નીતિને લીધે ગૂંગળામણ અનુભવી રહ્યા છે. રાજેન્દ્ર નરવણકર અને જગદીશ અમીન કુટ્ટી દેશના મુખ્ય પ્રવાહમાં કામ કરવા માગે છે એટલે તેમણે બીજેપીમાં આવવાનો નિર્ણય લીધો છે. અશોક ચવાણે વિધાનસભ્યપદ અને કૉન્ગ્રેસનાં તમામ પદેથી રાજીનામું આપ્યું હોવાનું મેં સાંભળ્યું છે, પણ તેઓ બીજેપીમાં જોડાય છે એની ખબર નથી. જોકે અહીં એક વાત કહેવા માગું છું કે કૉન્ગ્રેસની નીતિથી જનતા સાથે જોડાયેલા નેતાઓ કંટાળ્યા છે. રામમંદિરથી લઈને બીજા અનેક મુદ્દે કૉન્ગ્રેસ સતત નેગેટિવ રાજકારણ કરી રહી છે એને લીધે જનતાની સેવા કરનારા કૉન્ગ્રેસના નેતાઓને પીડા થઈ રહી છે. કૉન્ગ્રેસના કયા અને કેટલા નેતા બીજેપીમાં જોડાઈ રહ્યા છે એ વિશે કંઈ નહીં કહું, પણ નજીકના સમયમાં મોટી સંખ્યામાં બીજેપીમાં જોડાઈ રહ્યા છે.’
એક-બે દિવસમાં નિર્ણય
અશોક ચવાણે વિધાનસભ્ય અને કૉન્ગ્રેસના પદેથી રાજીનામું આપ્યા બાદ કહ્યું હતું કે રાજકીય ભવિષ્ય માટે એક-બે દિવસમાં નિર્ણય લઈશ. કૉન્ગ્રેસમાં મેં લાંબા સમય સુધી પ્રામાણિકતાથી કામ કર્યું છે. મારી આગામી રાજકીય કારકિર્દીમાં પણ હું આવી જ રીતે કામ કરતો રહીશ. બીજેપીમાં જવાનો અત્યારે કોઈ નિર્ણય નથી લીધો. અશોક ચવાણ હજી બીજેપીમાં જોડાયા નથી ત્યાં બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ તેમનું પક્ષમાં આવવા માટે સ્વાગત કરું છું એવું નિવેદન આપ્યું હતું.
૧૫ ફેબ્રુઆરીએ પ્રવેશની શક્યતા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ૧૫ ફેબ્રુઆરીએ મહારાષ્ટ્રના સંભાજીનગરની મુલાકાતે આવવાના છે ત્યારે અશોક ચવાણ બીજેપીમાં પ્રવેશ કરી શકે છે. ચર્ચા છે કે બે દિવસ પહેલાં અશોક ચવાણે દિલ્હીમાં અમિત શાહ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાની મુલાકાત લીધી હતી. એ સમયે જ તેમનો બીજેપીમાં પ્રવેશનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કહેવાય છે. શિવસેના અને એનસીપીમાં ઐતિહાસિક બળવા બાદ કૉન્ગ્રેસમાં પણ મોટી ફૂટ પડવાની શક્યતા ગયા એક વર્ષથી વ્યક્ત કરાતી હતી અને અશોક ચવાણ સહિતના મોટા નેતાઓ ગમે ત્યારે પક્ષ બદલે એવી શક્યતા હતી.
રાજ્યસભામાં મોકલવાની શક્યતા
મહારાષ્ટ્રમાં અશોક ચવાણને પ્રધાનપદ આપવા સામે બીજેપીના નેતાઓનો વિરોધ હોવાનું કહેવાય છે. આથી તેને રાજ્યસભામાં મોકલવાની શક્યતા છે. બીજેપી મહારાષ્ટ્રમાં રાજ્યસભા માટે ચોથો ઉમેદવાર આપવાની તૈયારીમાં છે એટલે અશોક ચવાણને ઉમેદવારી આપી શકે છે. બીજેપી રાજ્યસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસમાં તોડફોડ કરી શકે છે એવો ડર કૉન્ગ્રેસને સતાવી રહ્યો હતો એટલે કૉન્ગ્રેસે રાજ્યસભાની ચૂંટણી બિનહરીફ કરવા માટેના પ્રયાસ શરૂ કર્યા હતા. જોકે હવે બીજેપી અશોક ચવાણને બીજેપીના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારે તો અશોક ચવાણના નજીકના ગણાતા ૧૫ જેટલા કૉન્ગ્રેસના વિધાનસભ્યો તેમની સાથે જવાની શક્યતા વધી ગઈ છે એટલે તેઓ આરામથી રાજ્યસભામાં પહોંચી શકશે.
બે વર્ષ પહેલાંનું પુનરાવર્તન
૨૦૦૨માં રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણી વખતે બીજેપીએ પડદાની પાછળ કૉન્ગ્રેસના વિધાનસભ્યોને ફોડીને પોતાના ઉમેદવારને વિજયી બનાવ્યા હતા. રાજ્યસભાની ૨૭ ફેબ્રુઆરીએ ચૂંટણી છે ત્યારે કૉન્ગ્રેસને એક પણ બેઠક ન મળે એ માટેના પ્રયાસ શરૂ કર્યા છે. જોકે આ વખતે પડદાની પાછળ નહીં, પણ કૉન્ગ્રેસમાં ફૂટ પડાવીને પોતાના વધુ એક ઉમેદવારને રાજ્યસભામાં મોકલવાની ગણતરી કરી હોવાનું કહેવાય છે.
કૉન્ગ્રેસમાં ભૂકંપ
અશોક ચવાણે રાજીનામું આપવાની સાથે બીજા પંદર જેટલા વિધાનસભ્યો પણ કૉન્ગ્રેસને રામ રામ કરવાની તૈયારીમાં હોવાની ચર્ચા શરૂ થતાં કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ નાના પટોલે ડેમેજ કન્ટ્રોલ કરવા માટે ઝારખંડમાં રાહુલ ગાંધી અને દિલ્હીમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેને મળવા દોડી ગયા હતા તો પક્ષના વરિષ્ઠ નેતાઓ બાળાસાહેબ થોરાત અને પૃથ્વીરાજ ચવાણે પક્ષના વિધાનસભ્યોની બેઠક બોલાવી હતી. અશોક ચવાણની સાથે વિજય વડેટ્ટીવાર, વિશ્વજિત કદમ, અમિત અને ધીરજ દેશમુખ, પ્રણિતી શિંદે, અસલમ શેખ, જિતેશ અંતાપુરકર, સુરેશ વરપૂડકર, વિકાસ ઠાકરે, કૈલાસ ગૌરંટ્યલ, સંજય જગતાપ, ભાસ્કરરાવ પાટીલ ખતગાંવકર, ડી. પી. સાવંત, રમેશ બાગવે, હનુમંત બેટગોરેકર, અમીન પટેલ, હિરામણ ખોસકર, સુલભા ખોડક, અમિત ઝનક, મોહન હંબર્ડે, માધવ જવળગાવકર વગેરે નેતાઓ કૉન્ગ્રેસનો હાથ છોડી શકે છે.
મુસ્લિમ વિધાનસભ્યો એનસીપીમાં
અસલમ શેખ અને અમીન પટેલ જેવા મુસ્લિમ વિધાનસભ્યો બીજેપીને બદલે એનસીપી અજિત પવાર જૂથમાં સામેલ થવાની ચર્ચા છે. તેમની સાથે કૉન્ગ્રેસના કુલ ૬ વિધાનસભ્ય એનસીપીમાં જવાની શક્યતા છે. અસલમ શેખ અને અમીન પટેલે કૉન્ગ્રેસમાંથી ક્યાંય ન જઈ રહ્યા હોવાનું કહ્યું છે, પણ ટૂંક સમયમાં તેઓ પક્ષ બદલી શકે છે.