મીરા-ભાઇંદરના મુખ્ય રસ્તાઓ અંદાજે ૧૮૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સિમેન્ટ કૉન્ક્રીટના કરવા માટે રાજ્ય સરકારે પરવાનગી આપી છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈને અડીને જ આવેલા મીરા–ભાઇંદરના રસ્તાઓ હવે સિમેન્ટ કૉન્ક્રીટના થવાના છે. જોકે એનું કામ મૉન્સૂન પછી ચાલુ કરાશે, સાથે જ સૂર્યા પ્રોજેક્ટથી મીરા-ભાઇંદરને જે પાણીની સપ્લાય થવાની છે એ માટે મીરા-ભાઇંદરની અંદરના શહેરી વિસ્તારમાં જે પાણીની પાઇપલાઇન નાખવાની છે એ પણ સાથે-સાથે નાખી દેવાશે, જેથી એક વાર રોડ બની ગયા બાદ ફરી-ફરી એ ખોદવા ન પડે.
મીરા-ભાઇંદરના મુખ્ય રસ્તાઓ અંદાજે ૧૮૦૦ કરોડ રૂપિયાના ખર્ચે સિમેન્ટ કૉન્ક્રીટના કરવા માટે રાજ્ય સરકારે પરવાનગી આપી છે, એથી મૉન્સૂન બાદ એ રસ્તાઓનું કામ હાથ ધરાવાનું છે. જોકે એ સાથે જ સૂર્યા પ્રોજેક્ટથી જે પાણીની સપ્લાય થવાની છે એની પાઇપલાઇન નાખવાનું પણ વિચારાઈ રહ્યું છે. મીરા-ભાઇંદર વિસ્તારના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકે આ બાબતે રજૂઆત કરી હતી અને હાલના મીરા-ભાઇંદર મ્યુનિસિપલ કૉર્પોરેશનના કમિશનર અને ઍડ્મિનિસ્ટ્રેટર સંજય કાટકર અને એમબીએમસીના અધિકારીઓ સાથે આ બાબતે બેઠક કરી હતી.
ADVERTISEMENT
મીરા-ભાઇંદરનો છેલ્લાં થોડાં વર્ષોમાં બહુ જ વિકાસ થયો છે અને ભાઇંદર ખાડીની મુંબઈ તરફ હોવાથી અનેક લોકો ત્યાં વસવાટ કરવા જઈ રહ્યા છે. નવા-નવા પ્રોજેક્ટસ પણ આવી રહ્યા છે. ત્યારે ત્યાંના નાગરિકોને પૂરતી સુવિધા મળી રહે એ માટે એમબીએમસી દ્વારા પ્રયાસ કરાઈ રહ્યા છે, જેમાં સૂર્યા પ્રોજેક્ટમાંથી પાણી સપ્લાય કરવાનો પ્રશ્ન લાંબા સમયથી પ્રલંબિત છે. જો એ પ્રોજેક્ટમાંથી પાણી સપ્લાય કરાય તો મીરા-ભાઇંદરવાસીઓની પાણીની ખેંચની સમસ્યાનો કાયમી અંત આવે અને તેમને ઍટ લીસ્ટ દરરોજ પાણીનો પુરવઠો મળી શકે એમ છે. એથી એ પ્રોજેક્ટની પાઇપલાઇન નાખવાનું કામ પણ આ કૉન્ક્રીટના રસ્તાઓ સાથે જ કરવાનો નિર્ણય લેવાયો છે, એમ વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકે જણાવ્યું છે.