જોકે ૨૦૧૧માં પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યાના કેસમાં આજીવન કેદ થઈ હોવાથી જેલની બહાર નહીં આવી શકે
છોટા રાજન
દક્ષિણ મુંબઈના ગામદેવી વિસ્તારમાં આવેલી હોટેલ ગોલ્ડન ક્રાઉનના માલિક જયા શેટ્ટીની ૨૦૦૧માં હત્યા કરવાના મામલામાં આજીવન કેદની સજા કાપી રહેલા અન્ડરવર્લ્ડ ડૉન છોટા રાજનના ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટે જામીન મંજૂર કરવાની સાથે સજા પણ રદ કરી હતી. બૉમ્બે હાઈ કોર્ટનાં જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવાણની ખંડપીઠે છોટા રાજનને એક લાખ રૂપિયાના બૉન્ડ પર જામીન મંજૂર કર્યા હતા. જોકે ૬૪ વર્ષના છોટા રાજનને ૨૦૧૧માં પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યા કરી હતી એ મામલામાં આજીવન કેદની સજા કરવામાં આવી છે એટલે હોટેલમાલિકની હત્યાના કેસમાં જામીન મળ્યા હોવા છતાં તેણે જેલમાં જ રહેવું પડશે. ઉલ્લેખનીય છે કે હત્યા, દાણચોરી અને ખંડણીના મામલા નોંધાયા બાદ છોટા રાજન ૧૯૮૯માં ભારત છોડીને દુબઈ અને બાદમાં ઇન્ડોનેશિયામાં સ્થાયી થયો હતો. ૨૭ વર્ષ બાદ છોટા રાજનને ભારત લાવવામાં આવ્યો હતો અને અત્યારે તે દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.

