બેઠકોની સમજૂતી અને ઉમેદવારોની યાદીમાં વિલંબ થવાથી તાલમેલ ન હોવાની અટકળો વિશે ચંદ્રશેખર બાવનકુળેએ કહ્યું...
અજીત પવાર
રાજ્યના સત્તાધારી પક્ષો ભારતીય જનતા પાર્ટી (BJP), મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથની શિવસેના અને અજિત પવાર જૂથની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) વચ્ચે કોઈ તાલમેલ નથી એટલે મહાયુતિમાં બેઠકોની સમજૂતી અને ઉમેદવારોની યાદી ખોરંભે ચડી હોવાની અટકળો થઈ રહી છે. એક જ મતદારક્ષેત્રમાં મહાયુતિના સાથી પક્ષો પણ દાવો કરી રહ્યા હોવાના સમાચાર છેલ્લા કેટલાક સમયથી આવી રહ્યા છે. આથી સત્તાધારી પક્ષોમાં તાલમેલ ન હોવાની પણ ચર્ચા છે. આ વિશે BJPના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ ગઈ કાલે કહ્યું હતું કે ‘મહાયુતિના મુખ્ય નેતા એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર રાજ્યની પ્રત્યેક લોકસભા બેઠકમાં વિજય મેળવવા માટે એકત્રિત રીતે કામ કરી રહ્યા છે. તેમની વચ્ચે કોઈ મતભેદ નથી. વિરોધીઓ નાની-નાની વાતોને ચગાવીને જનતાને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. જોકે હકીકત એ છે કે મહાયુતિ દ્વારા રાજ્યને વિકાસના માર્ગે લઈ જવાની વિચારધારા રાખતા નેતા-પક્ષને સામેલ કરીને બધાને માન્ય હોય એવો માર્ગ કાઢવામાં આવી રહ્યો છે. આને લીધે થોડો બેઠકોની સમજૂતીમાં વિલંબ થઈ રહ્યો છે. જોકે હવે બધું નક્કી થઈ ગયું છે.’

