૧૨થી ૧૮ ફેબ્રુઆરીના આ બ્લૉક વખતે માઘી ગણેશોત્સવની ઉજવણી થવાની હોવાથી પ્રવાસીઓને અગવડ પડશે
સેન્ટ્રલ રેલવેમાં ચાલી રહેલું કામ
સેન્ટ્રલ રેલવેએ લોકમાન્ય ટિળક ટર્મિનસ (એલટીટી) ખાતે ૧૨થી ૧૮ ફેબ્રુઆરી દરમિયાન મિડનાઇટ બ્લૉક અને પાવર બ્લૉકની જાહેરાત કરી છે. એલટીટી ખાતે કોચિંગ સુવિધા વધારવાનો ઉદ્દેશ આ કાર્ય પાછળ રહેલો છે.
આગામી માઘી ગણેશ ચતુર્થી સાથોસાથ આ બ્લૉક અંગે રેલ પૅસેન્જર્સ અસોસિએશન અને પ્રવાસીઓએ મિશ્ર પ્રત્યઘાત આપ્યા છે. તહેવાર માટે પ્રવાસીઓએ ટિકિટ અગાઉથી બુક કરી છે. આથી બ્લૉકની કસમયની જાહેરાતથી પ્રવાસીઓને ખાસ્સી અગવડ પડશે.
ADVERTISEMENT
પોતાની સેવાઓમાં વિલંબ થશે એમ કહીને મુંબઈ ડબ્બાવાલા અસોસિએશને બ્લૉક અંગે ચિંતા વ્યક્ત કરી હતી. બહારગામની કુલ ૪૮ ટ્રેનોને રીશિડ્યુલ કરવામાં આવશે અથવા તો વિવિધ સ્ટેશનોએ રદ કરવામાં આવશે.
રેલ યાત્રી સંઘ, મુંબઈના સુભાષ ગુપ્તાએ જણાવ્યું હતું કે ‘અમે બ્લૉક્સ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની વિરુદ્ધ નથી, પરંતુ મોટો તહેવાર આવી રહ્યો છે એ હકીકતને રેલવેએ ધ્યાનમાં લેવી જોઈએ. પોતપોતાના ગામમાં જવા માટે લોકોએ ઍડ્વાન્સમાં ટિકિટ બુક કરી છે. મેજર બ્લૉકની જાહેરાત પહેલાં લોકોની ચિંતાને સેન્ટ્રલ રેલવેએ ગણતરીમાં લીધી નથી. તદુપરાંત બ્લૉક રાત્રે ૧૦.૩૦થી શરૂ થશે. આથી રાતની લોકલ ટ્રેનોની કામગીરી અવરોધાશે અને એની અસર સવારની ટ્રેનો પર પણ પડશે.’
ફેડરેશન ઑફ સબર્બન પૅસેન્જર્સ અસોસિએશના પ્રમુખ નંદકુમાર દેશમુખે જણાવ્યું હતું કે બ્લૉકની જાહેરાત કરવા દરમિયાન રેલવેએ પૅસેન્જર્સ અસોસિએશનોને ક્યારેય વિશ્વાસમાં લીધાં નથી.