કહ્યું કે સ્ટુડન્ટ્સની સલામતી અને આરોગ્ય અગત્યનાં છે અને ગુણવત્તા જાળવવા માટે નિયમો આવશ્યક છે.

બોમ્બે હાઈકોર્ટ
મુંબઈ (પી.ટી.આઇ.) : બૉમ્બે હાઈ કોર્ટે સરકારી સ્કૂલોમાં છોકરીઓ માટે સૅનિટરી નૅપ્કિન્સ મેળવવા માટેના મહારાષ્ટ્ર સરકારના ટેન્ડરની અમુક શરતો સામે વાંધો ઉઠાવતી યાચિકા શુક્રવારે ઠુકરાવી દીધી હતી અને નોંધ્યું હતું કે સ્ટુડન્ટ્સની સલામતી અને આરોગ્ય અગત્યનાં છે અને ગુણવત્તા જાળવવા માટે નિયમો આવશ્યક છે. ચીફ જસ્ટિસ એસ. વી. ગંગાપુરવાલા અને જસ્ટિસ સંદીપ માર્નેની ડિવિઝન બેન્ચે ૯,૯૪૦ સરકારી સ્કૂલોમાં સૅનિટરી નૅપ્કિન્સ પૂરાં પાડવા માટેના રાજ્યના ટેન્ડરમાં લાગુ કરાયેલી શરતોને પડકારતી ૬૯ વર્ષની વ્યક્તિની માલિકીના સ્ટાર્ટ-અપ દ્વારા દાખલ કરાયેલી યાચિકાને ફગાવી દીધી હતી. કોર્ટે ઉમેર્યું હતું કે ‘સ્કૂલની છોકરીઓની સલામતી અને આરોગ્ય જરૂરી છે અને એ માટે ગુણવત્તા જાળવવી જરૂરી છે. ટેન્ડરની શરતોમાં અમને કોઈ ગેરકાયદેસરતા દેખાતી નથી.’
શરતો એ હતી કે બિડર્સને સૅનિટરી નૅપ્કિન્સની સપ્લાયનો ત્રણ વર્ષનો અનુભવ હોવો જોઈએ અને બિડર્સનું વાર્ષિક ટર્નઓવર ૧૨ કરોડ રૂપિયા હોવું જોઈએ. અદાલતે નોંધ્યું હતું કે રાજ્યએ સૅનિટરી નૅપ્કિન્સની ગુણવત્તા ધ્યાનમાં રાખવી જરૂરી છે અને એ હેતુથી ભૂતકાળનો અનુભવ અત્યંત જરૂરી છે. વળી રાજ્યની ૯,૯૪૦ સ્કૂલોને સૅનિટરી નૅપ્કિન્સ સપ્લાય કરવાના હોવાથી ભૂતકાળનું ટર્નઓવર અને અનુભવ આવશ્યક બની રહે છે.