પ્રૉપર્ટી માટે વિવાદ થવાથી પપ્પાએ બાળક પાછું માગ્યું, પણ બાળકનાં દાદી અદાલતમાં ગયાં : કોર્ટે દાદીને કહ્યું કે બાળક સાથે ઇમોશનલ બૉન્ડ હોવા માત્રથી કસ્ટડી ન મળી શકે
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મમ્મી-પપ્પા પાસેથી બાળકની કસ્ટડી લેવા માટે દાદા-દાદી સાથે બાળકનો ઇમોશનલ બૉન્ડ સારો હોવો એ કારણ પૂરતું નથી એમ જણાવીને બૉમ્બે હાઈ કોર્ટે દાદી પાસેથી પાંચ વર્ષના પૌત્રની કસ્ટડી પાછી લેવાનો આદેશ આપ્યો હતો.
આ કેસમાં જે બાળકની વાત છે તે તેનાં દાદી પાસે રહેતું હતું. બાળકના જોડિયા ભાઈને સેરિબ્રલ પૉલ્ઝી નામની બીમારી હોવાથી તેનું ધ્યાન રાખી શકે એ માટે આ બાળકને ૭૪ વર્ષનાં દાદી સાચવતાં હતાં. દરમ્યાન પ્રૉપર્ટી માટે વિવાદ થતાં બાળકના પપ્પાએ દાદી પાસેથી બાળક પાછું માગ્યું હતું. દાદીએ બાળક પાછું આપવાની ના પાડતાં પપ્પાએ બાળકની કસ્ટડી મેળવવા માટે અદાલતમાં અરજી કરી હતી.
ADVERTISEMENT
ન્યાયાધીશ રવીન્દ્ર ઘુગે અને ગૌતમ અણખડની ખંડપીઠે નોંધ્યું હતું કે ‘દાદી પૌત્ર સાથે સારો ઇમોશનલ બૉન્ડ ધરાવતાં હોવાથી તેના બાયોલૉજિકલ પેરન્ટ્સ પાસેથી બાળકની કસ્ટડી મેળવવાનો અધિકાર મળી જતો નથી. બાળકનાં માતા-પિતા પાસે રહેવાથી બાળકને કોઈ નુકસાન થતું હોય એ જ પરિસ્થિતિમાં બાળકની કસ્ટડી માતા-પિતા પાસેથી પાછી લઈ શકાય છે. આ કેસમાં બાળકનાં માતા-પિતા વચ્ચે કોઈ વિવાદ નથી. પિતાની સરકારી નોકરી છે એટલે તે બાળકનો ખર્ચ ઉપાડવા પણ સક્ષમ છે. માત્ર પ્રૉપર્ટીના વિવાદને લીધે પેરન્ટ્સને તેમના બાળકથી દૂર ન રાખી શકાય.’
બે અઠવાડિયામાં મમ્મી-પપ્પાને બાળકની કસ્ટડી સોંપવાનો આદેશ અદાલતે આપ્યો હતો તેમ જ દાદીને બાળકને મળવા દેવામાં આવે એવી પરવાનગી આપવાનો નિર્દેશ પણ કર્યો હતો.


