સમીર વાનખેડે અને તેમની પત્ની ધમકીભર્યા ફોન આવતા હોવાથી મુંબઈ પોલીસ પાસે પ્રોટેક્શન માગશે

સમીર વાનખેડે
એનસીબીના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને આપવામાં આવેલી વચગાળાની રાહત ગઈ કાલે બૉમ્બે હાઈ કોર્ટે ૮ જૂન સુધી લંબાવી હતી. કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસના આરોપી આર્યન ખાનને છોડી મૂકવા તેના પપ્પા અને ફિલ્મઅભિનેતા શાહરુખ ખાન પાસેથી ૨૫ કરોડ રૂપિયાની લાંચ માગવાનો આરોપ સમીર વાનખેડે પર મૂકવામાં આવ્યો છે અને એ કેસની તપાસ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ) કરી રહી છે.
બીજી બાજુ સમીર વાનખેડેએ કહ્યું કે ‘મને અને મારી પત્ની ક્રાન્તિ રેડકરને છેલ્લા ચાર દિવસથી ધમકીભર્યા ફોન આવી રહ્યા છે અને સોશ્યલ મીડિયા પર અબ્યુઝિવ મેસેજિસ મળી રહ્યા છે.
હું આ બાબતે મુંબઈના પોલીસ કમિશનરને પત્ર લખી વિનંતી કરીશ કે અમને જીવનું જોખમ હોવાથી સ્પેશ્યલ પ્રોટેક્શન આપવામાં આવે.’
સમીર વાનખેડે અને અન્ય ચાર અધિકારીઓ સામે લાંચની ફરિયાદ નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરોના તત્કાલીન ડેપ્યુટી ડિરેક્ટર જ્ઞાનેશ્વર સિંહે આપેલા રિપોર્ટ બાદ નોંધવામાં આવી હતી. સમીર વાનખેડેએ કહ્યું કે મારી સામે આ એફઆરઆઇ કરવાનું કારણ એ છે કે મેં જ્ઞાનેશ્વર સિંહની નૅશનલ કમિશન ફૉર શેડ્યુલ્ડ કાસ્ટ્સમાં ફરિયાદ કરી હતી. સમીર વાનખેડેએ આક્ષેપ કર્યો છે કે જ્ઞાનેશ્વર સિંહે એ તપાસ દરમ્યાન તેઓ બૅકવર્ડ ક્લાસમાંથી આવતા હોવાથી તેમનું હ્યુમિલેશન કર્યું હતું અને હેરાન કર્યા હતા.
સમીર વાનખેડેએ બૉમ્બે હાઈ કોર્ટમાં તેમની સામે કરાયેલો એફઆઇઆર રદ કરવા માટે અરજી પણ કરી છે. કોર્ટે હાલમાં તેમને વચગાળાની રાહત આપી છે અને એ લંબાવીને ૮ જૂન સુધી તેમની ધરપકડ ન કરવા સીબીઆઇને જણાવ્યું છે. સાથે જ સમીર વાનખેડેને પણ કહ્યું છે કે તે અન્ડરટેકિંગ આપે કે મીડિયા સમક્ષ કેસ સંદર્ભની કોઈ વાત નહીં કરે. જ્યારે પણ સીબીઆઇ તેને તપાસ માટે બોલાવશે ત્યારે જવું પડશે અને તપાસમાં સહકાર આપવો પડશે અને પુરાવા સાથે કોઈ ચેડાં નહીં કરે.
ગઈ કાલે કોર્ટમાં શું થયું?
સમીર વાનખેડેએ અરજી સાથે શાહરુખ ખાન સાથે થયેલી વાતચીતની ચૅટ પણ જોડી હતી અને કહ્યું હતું કે શાહરુખ ખાનને મારી સામે કોઈ ફરિયાદ નહોતી અને તેણે આર્યન સાથે દયાળુ ભાવ રાખી વર્તવા માટે વિનંતી કરી હતી અને સાથે એ મૅટરને જે રીતે રાજકીય રંગ અપાઈ રહ્યો હતો એ બદલ નારાજગી વ્યક્ત કરી હતી. સમીર વાનખેડેએ કહ્યું કે જો મેં આર્યન ખાનને છોડાવવા માટે પૈસા માગ્યા હોત તો શાહરુખ ખાને મારી સાથે આ રીતે વર્તન કર્યું જ ન હોત. ત્યારે સામા પક્ષે સીબીઆઇ તરફથી રજૂઆત કરતાં કુલદીપ પાટીલે શાહરુખ ખાન અને સમીર વાનેખેડે વચ્ચે થયેલા એ મેસેજ બાબતે કહ્યું હતું કે એ મેસેજ એક પિતા દ્વારા તેના દીકરાની કાળજી માટે કરાયા હતા. જ્યારે સમીર વાનખેડે મેસેજ દ્વારા પોતાને પ્રામાણિકતાનું સર્ટિફિકેટ મળી ગયું હોય એ રીતે એને રજૂ કરી રહ્યા છે.
કુલદીપ પાટીલે સમીર વાનખેડેની વચગાળાની રાહત લંબાવવવાનો પણ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે જ્યારે કેસની તપાસ ચાલુ હોય ત્યારે આપવામાં આવેલી વચગાળાની રાહત એ ઇન્ડેફિનેટ ન બનવી જોઈએ.
સમીર વાનખેડે તરફથી રજૂઆત કરતાં આબાદ પોંદાએ કહ્યું કે સમીર વાનખેડે એક મહત્ત્વના કેસ (કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ કેસ) પર કામ કરી રહ્યા હતા અને સિસ્ટમને ક્લીન કરી રહ્યા હતા. વળી કેસની તપાસ વખતે દરેક તબક્કે એનસીબીના ડેપ્યુટી ડિરેક્ટર જ્ઞાનેશ્વર સિંહને માહિતગાર પણ કરવામાં આવતા હતા. સમીર વાનખેડે સામે જે એફઆઇઆર કરવામાં આવ્યો છે એનો આધારસ્તંભ ખોટો છે. કારણ કે એ કાયદા દ્વારા જે નિયમ બનાવ્યા છે એને અનુસરતી નથી. એથી આ કેસ ગેરકાયદે ગણાવો જોઈએ.
કોર્ટે બન્ને પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ વચગાળની રાહત લંબાવી હતી અને સાથે જ સીબીઆઇને ૩ જૂન સુધી એનો જવાબ નોંધાવવા કહ્યું છે. કાર્ટે હવે પછીની સુનાવણી ૮ જૂન પર ઠેલી છે.