આવી હાજરી બતાવીને આશરે ૩૦ ટકા કર્મચારીઓના પગાર હડપી લેતા ત્રણ લોકો સામે રેલવે પોલીસે ફરિયાદ નોંધી : આવી રીતે કરવામાં આવી ૪૩ લાખ રૂપિયાની છેતરપિંડી
રેલ્વે સ્ટેશનની તસવીર
મુંબઈ : સીએસએમટીથી દાદર સુધીનાં રેલવે સ્ટેશનો પર સફાઈ માટે રાખેલા કર્મચારીઓમાંથી આશરે ૩૦ ટકા કર્મચારીઓની બોગસ હાજરી બતાવીને સાઇટ ઇન્ચાર્જ સહિત દેખરેખ માટે રાખેલા ત્રણ અધિકારીઓએ છેલ્લાં ચાર વર્ષમાં ૪૩.૨૪ લાખ રૂપિયા હડપી લીધા હતા. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે રેલવે સ્ટેશનો પર સફાઈનું કામ કરતા બીજા કર્મચારીઓએ કાર્યક્ષમતા કરતાં વધુ કામ કરવું પડતું હોવાથી તેમણે સ્ટાફની અછતની ફરિયાદ કરી હતી. ત્યાર બાદ સીએસએમટી રેલવે પોલીસે આ ત્રણ લોકો વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી.
પ્રાઇવેટ લિમિટેડ કંપનીના અધિકારી ૪૩ વર્ષના રાજેશ ચૌહાણે કરેલી ફરિયાદ અનુસાર થોડા વખત પહેલાં કંપનીના ઑપરેશન મૅનેજર યોગેશ નાયડુને સીએસએમટી રેલવે સ્ટેશન પર બે સફાઈ-કામદારોએ માહિતી આપી હતી કે સીએસએમટી રેલવે સ્ટેશન પર ૭૦ કામદારોને ૧૦૦ કામદારોનું કામ કરવાનું હોય છે એટલે તેમને કામમાં તકલીફ પડી રહી છે. આ માહિતી મળતાં યોગેશે ફરજ પરના તમામ સફાઈ-કામદારો સાથે સાઇટ ઇન્ચાર્જ ગણેશ તારી, રાઉન્ડર વસીમ શેખ અને ઇન્દ્રજિત જાધવ સાથે કેટલાક સફાઈ-કર્મચારીઓ સાથે પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે કેટલાક કામદારો જેઓ કામ પર આવતા નથી, પરંતુ માસિક હાજરી ધરાવે છે અને ઘરે બેસીને પગાર મેળવે છે સાથે તેઓ ખોટી હાજરી આપી રહ્યા છે. છેતરપિંડી કરનારાઓને પકડવા માટે સીએસએમટી, માઝગાવ, દાદર ખાતે કંપનીના સફાઈ-કામદારોને ઑક્ટોબર ૨૦૨૩ મહિનાનો પગાર ચેક દ્વારા ચૂકવવાનું નક્કી કર્યું અને કંપનીના ઑપરેશન મૅનેજરને સીએસએમટી રેલવે સ્ટેશન સાઇટ ઑફિસ ખાતે તમામ કામદારોના ચેક તૈયાર કરવા અને એનું વિતરણ કરવા માટે નિયુક્ત કર્યા હતા. કંપનીના ૨૮૫ કર્મચારીઓને ચેકનું વિતરણ કરતી વખતે જાણવા મળ્યું કે યોગેશ ઠાકરે નામના એક કામદારને જુલાઈ ૨૦૨૩માં નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો છતાં તે પણ ચેક લેવા આવ્યો હતો. તેને ઓળખી કાઢ્યા બાદ પૂછ્યું કે તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવા છતાં ચેક લેવા કેવી રીતે આવ્યો છે? ત્યારે યોગેશ ઠાકરેએ અસ્પષ્ટ જવાબો આપ્યા હતા. એ સમયે સાઇટ ઇન્ચાર્જ ગણેશ તારી પણ ત્યાં હાજર હતો, પરંતુ તેણે કોઈ વાંધો ઉઠાવ્યો નહોતો. આથી યોગેશ નાયડુને ત્યાં કંઈક ખોટું થઈ રહ્યું હોવાની શંકા જતાં તેણે બાયોમૅટ્રિક હાજરીવાળા કંપનીના કામદારો સાથે મળીને પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે ગણેશ તારી અને વસીમ શેખ કામદારોની બળજબરીથી હાજરી બતાવવા માટે બાયોમૅટ્રિક કરી લેતા હતા. ઉપરોક્ત ઘટનાને વ્યક્તિગત રીતે ચકાસવા માટે વ્યક્તિગત રીતે બાયોમૅટ્રિક અટેન્ડન્સ રજિસ્ટર, અસિસ્ટન્ટ અટેન્ડન્સ રજિસ્ટર અને મસ્ટર રજિસ્ટર તપાસ્યાં ત્યારે આશરે ૩૦ ટકા લોકો કામ પર ન હોવા છતાં તેમની હાજરી ભરવામાં આવી હતી. આવું કરવા માટે ગણેશ તારી, વસીમ શેખ અને ઇન્દ્રજિત જાધવ દ્વારા ધમકી આપવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. આ છેતરપિંડી છેલ્લાં ચાર વર્ષથી ચાલી રહી હતી. વધુમાં જાણવા મળ્યું હતું કે ઉપરોક્ત કામદારો અગાઉ કૉન્ટ્રૅક્ટ પર કામ કરતા હતા. સમય જતાં આમાંના કેટલાકને કાઢી મૂકવામાં આવ્યા હતા અથવા તેઓ નોકરી છોડીને અન્યત્ર કામ કરે છે. તેમના નામે આખા મહિનાનો પગાર લેવામાં આવતો હતો. સીએસએમટી રેલવે પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ કેસમાં રેલવે પાસેથી કૉન્ટ્રૅક્ટ લેનાર કંપની સાથે પણ છેતરપિંડી કરવામાં આવી છે, કારણ કે કૉન્ટ્રૅક્ટ લેનાર કંપનીના કર્મચારીઓએ હાજરી લેવાના નામે લાખો રૂપિયા પડાવી લીધા હતા.


