જિતેન્દ્ર આવ્હાડ અને ગોપીચંદ પડળકરના સમર્થકો વચ્ચે દે ધનાધન થયા પછી સ્પીકરનો નિર્ણય
પોલીસ ગઈ કાલે NCP-SPના નીતિન દેશમુખ (ડાબે)ને તથા BJPના હૃષીકેશ ટકલેને એસ્પ્લેનેડ કોર્ટમાં રજૂ કરવા લઈ ગઈ હતી
રાજ્ય સરકારના હાલ ચાલી રહેલા વિધાનસભાના મૉન્સૂન સેશનમાં ગુરુવારે નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના મુંબ્રા-કલવાના વિધાનસભ્ય જિતેન્દ્ર આવ્હાડ અને ભારતીય જનતા પાર્ટીના સાંગલી જિલ્લાના જત મતદારક્ષેત્રના વિધાનસભ્ય ગોપીચંદ પડળકરના સમર્થકો વચ્ચે વિધાનસભાના કૉમ્પ્લેક્સમાં જ થયેલી છુટ્ટા હાથની મારામારીને કારણે હવે સ્પીકર રાહુલ નાર્વેકરે ગઈ કાલે કહ્યું હતું કે ‘હવે પછી જ્યારે વિધાનસભાનું સત્ર ચાલુ હોય ત્યારે સામાન્ય મુલાકાતીઓને વિધાનસભા કૉમ્પ્લેક્સમાં પ્રવેશ નહીં મળી શકે. પ્રધાનો, વિધાનસભ્યો, તેમના સેક્રેટરી અને વિધાનસભાના સ્ટાફને જ માત્ર એન્ટ્રી મળી શકશે. સત્ર દરમ્યાન વિધાનભવનમાં ઑફિશ્યલ મીટિંગ કરવા કે મુલાકાતીઓને મળવા પર પ્રધાનો માટે પણ પ્રતિબંધ મુકાઈ ગયો છે. જો તેમને મીટિંગ ગોઠવવી જ હોય તો તેઓ મંત્રાલયમાં બેઠક ગોઠવી શકે છે. વિધાનસભ્યની સાથે જે પણ વ્યક્તિ હશે તેના વર્તનની જવાબદારી પણ વિધાનસભ્યની જ ગણાશે.’
ગોપીચંદ પડળકર અને જિતેન્દ્ર આવ્હાડ બન્નેએ તેમના કાર્યકરો વચ્ચે થયેલી મારામારી સંદર્ભે દિલગીરી વ્યક્ત કરી હતી. સ્પીકર રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે ‘આ ઘટનામાં સંડોવાયેલા જિતેન્દ્ર આવ્હાડના સમર્થક નીતિન દેશમુખ અને ગોપીચંદ પડળકરના પિતરાઈ ભાઈ અને સરજેરાવ ઉર્ફે હૃષીકેશ ટકલે બન્નેને વિધાનભવનના સિક્યૉરિટી સ્ટાફે પકડી લીધા હતા. હવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. તેમની ધરપકડ કરીને તેમની સામે અને અન્ય ૬-૭ જણ સામે ક્રિમિનલ કેસ કરવામાં આવ્યો છે. તે બન્ને જણ વિધાનસભ્યો સાથે જ વિધાનસભામાં આવ્યા હતા. તેમની પાસે એ માટેના ઑથોરાઇઝ્ડ પાસ પણ નહોતા. વળી આ બાબતે જે રીતે લોકસભામાં એથિક્સ કમિટી છે એવી કમિટી અહીં પણ બનાવવામાં આવશે, જે વિધાનસભ્યને ડિસક્વૉલિફાય પણ કરી શકશે.’
ADVERTISEMENT
પોલીસ-સ્ટેશનની બહાર જિતેન્દ્ર આવ્હાડનો મિડનાઇટ ડ્રામા ચાલ્યો

વિધાનસભામાં થયેલી છુટ્ટા હાથની મારામારીના સંદર્ભે મરીન ડ્રાઇવ પોલીસે કાર્યવાહી કરીને બન્ને પક્ષના કાર્યકરોને તાબામાં લીધા હતા અને તેમની સામે કાર્યવાહી શરૂ કરી હતી. જિતેન્દ્ર આવ્હાડે તેમના કાર્યકર નીતિન દેશમુખને પોલીસે તાબામાં લેતાં એ બાબતનો વિરોધ કર્યો હતો અને મધરાત બાદ બે વાગ્યે પોલીસ-સ્ટેશન સામે અન્ય કાર્યકરો સાથે ધરણાં પર બેસી ગયા હતા. તેમણે પોલીસના વાહનને પણ રોક્યું હતું. તેમણે પોલીસને કહ્યું હતું કે ‘મારો સપોર્ટર નીતિન તો વિક્ટિમ છે. તેને માર પડ્યો છે. તેની સામે શું કામ કાર્યવાહી કરો છો? તેને છોડી દો. પોલીસની કાર્યવાહી પક્ષપાતી છે. મારા સમર્થકની ધરપકડ કરવામાં આવી છે અને ગોપીચંદ પડળકરના પાંચ કાર્યકરોને પોલીસ જ પ્રોટેક્ટ કરી રહી છે. સ્પીકરે કહ્યું હતું કે સેશન પતશે એ પછી તેઓ પોલીસને બન્ને પક્ષના કાર્યકરોને છોડી દેવા કહેશે, પણ એવું થયું નથી.’


