બાંદરાની લીલાવતી હૉસ્પિટલમાં ઍન્જિયોપ્લાસ્ટી કરાયા બાદ તબિયત સ્થિર
શાહનવાઝ હુસૈન
ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અને બીજેપીના પ્રવક્તા શાહનવાઝ હુસૈનને ગઈ કાલે સવારે કોલાબામાં આવેલી તાજ હોટેલમાં એક કાર્યક્રમ દરમ્યાન હાર્ટ-અટૅક આવ્યા બાદ તેમને બાંદરામાં આવેલી લીલાવતી હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યા હતા. મોડી સાંજે તેમની સર્જરી કરવામાં આવ્યા બાદ તેમની તબિયત સ્થિર હોવાનું ડૉક્ટરોએ જણાવ્યું હતું. ગયા અઠવાડિયે બિહારના પટનામાં તેમની તબિયત અચાનક ખરાબ થઈ ગયા બાદ તાત્કાલિક તેમને દિલ્હી લાવીને એઇમ્સ હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવા પડ્યા હતા. તેમને એ સમયે નિમોનિયા થયો હતો. થોડા દિવસ બાદ તેમની તબિયતમાં સુધારો થયો હતો.
હાર્ટ-અટૅક આવ્યા બાદ શાહનવાઝ હુસૈનને લીલાવતી હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. છાતીમાં દુખાવાની તેમણે ફરિયાદ કરી હતી એટલે તેમનો ઈસીજી કરાયો ત્યારે ડૉક્ટરોને ખ્યાલ આવ્યો હતો કે તેમને હાર્ટ-અટૅક આવ્યો છે. આથી ડૉ. જલીલ પારકરના માર્ગદર્શનમાં શાહનવાઝ હુસૈનની તાત્કાલિક ઍન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું.
ADVERTISEMENT
ગયા અઠવાડિયાથી જ શાહનવાઝ હુસૈનની તબિયત સારી નથી. તેમને દિલ્હીની એઇમ્સ હૉસ્પિટલમાં થોડા દિવસ સારવાર અપાઈ હતી. સ્વાસ્થ્ય સારું ન હોવાથી ડૉક્ટરોએ તેમને એ સમયે આરામ કરવાની સલાહ આપી હતી.


