દેવેન્દ્ર ફડણવીસ ભલે કહી ચૂક્યા હોય કે આવું નહીં ચલાવી લેવાય, પણ...આ વખતે અમરાવતીની અચલપુર નગરપાલિકામાં બન્ને પક્ષોએ કરી પરિણામો પછીની યુતિ
BJP, AIMIM અને NCPના નગરસેવકો એકસાથે.
રાજકારણમાં કોઈ કોઈનો કાયમી દુશ્મન હોતો નથી એ ઉક્તિ ફરી એક વાર જોવા મળી છે. અમરાવતી જિલ્લાની અચલપુર નગરપાલિકામાં કટ્ટર હિન્દુત્વવાદી ભારતીય જનતા પાર્ટી (BJP) અને ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) એમ બે પરસ્પરવિરોધી વિચારધારાના પક્ષોએ સત્તા પર આવવા યુતિ કરી છે. અકોલાના અકોટ પછી આવું આ બીજી વાર બન્યું છે.
અચલપુર નગરપરિષદમાં સભાપતિની પસંદગીમાં BJPએ બહુ જ જોખમી એવી રણનીતિ ઘડી હતી. નગરપરિષદમાં સત્તા પર આવવા BJPએ AIMIMના ૩ નગરસેવકોને સાથે લીધા છે, જ્યારે અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના બે નગરસેવક અને અપક્ષ નગરસેવકોના એક જૂથે BJPને સપોર્ટ કર્યો છે. આ યુતિનો મોટો ફાયદો AIMIMને થયો છે. BJPના સપોર્ટને લીધે AIMIMના નગરસેવકને એજ્યુકેશન ઍન્ડ સ્પોર્ટ્સ કમિટીના સભાપતિનું પદ મળ્યું છે. એના બદલામાં AIMIMના નગરસેવકોએ અન્ય સમિતિઓમાં BJPના ઉમેદવારોને મતદાન કરીને સાથ આપ્યો છે. બન્ને પક્ષો દ્વારા આ લેતીદેતીના રાજકારણને કારણે હવે આ નવી યુતિનું વર્ચસ સ્થાપિત થયું છે.
નવાઈની વાત એ છે કે ચૂંટણીપ્રચાર વખતે BJP અને AIMIM બન્ને પક્ષોના નેતાઓએ એકબીજાની બહુ જ ટીકા કરી હતી. BJPએ હંમેશાં AIMIM પર કટ્ટર હોવાનો આરોપ કર્યો હતો, જ્યારે સામે પક્ષે AIMIMએ પણ હિન્દુત્વના મુદ્દે BJPનો વિરોધ કર્યો હતો. જોકે હવે અચલપુરમાં સભાપતિના પદની ખુરસી અને સત્તા માટે આ બન્ને એકબીજાના વિરોધી પક્ષો એકબીજા સાથે ખભેખભા જોડીને ઊભા છે.
ADVERTISEMENT
BJPની હિન્દુત્વવાદી પક્ષ તરીકેની ઓળખ છે. આવી પરિસ્થિતિમાં AIMIM સાથે કરેલી યુતિને લઈને BJPના નિષ્ઠાવાન કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. BJPના નિષ્ઠાવાન કાર્યકરો અને મતદારોમાં પણ આને લઈને ચર્ચાઓ થઈ રહી છે. આ યુતિ સ્થાનિક વિકાસ માટે છે કે પછી માત્ર સત્તા પર આવવા કરાઈ છે એવો સવાલ જનતા કરી રહી છે.


