રિક્ષા યુનિયનનું કહેવું છે કે CNGના ભાવ વધી ગયા છે એની સાથે મોંઘવારી વધવાને કારણે તેમણે ભાડું વધારી આપવા સરકારને રજૂઆત કરી હતી
ફાઇલ તસવીર
મુંબઈમાં છેલ્લાં બે વર્ષથી રિક્ષાનાં ભાડાં વધ્યાં નથી અને હાલમાં ફરી એક વાર કૉમ્પ્રેસ્ડ નૅચરલ ગૅસ (CNG)ના ભાવ વધારવામાં આવતાં રિક્ષા યુનિયને હવે ફરી એક વાર તેમનું મિનિમમ ભાડું જે હાલ ૨૩ રૂપિયા છે એ વધારીને પચીસ રૂપિયા કરવામાં આવે એવી માગણી કરી છે. જો સરકાર તેમની માગણી પર ધ્યાન નહીં આપે તો કોર્ટમાં એ બાબતે રજૂઆત કરવાની તેમણે તૈયારી બતાવી છે.
રિક્ષા યુનિયનનું કહેવું છે કે CNGના ભાવ વધી ગયા છે એની સાથે મોંઘવારી વધવાને કારણે તેમણે ભાડું વધારી આપવા સરકારને રજૂઆત કરી હતી. એ વખતે સરકાર તરફથી એવું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે લોકસભાની ચૂંટણી પછી એના પર વિચારીશું. રિક્ષા અને ટૅક્સીનાં ભાડાં નક્કી કરતી ખટુઆ પૅનલે પણ કહ્યું છે કે ભાડામાં બે રૂપિયા કરતાં વધુનો વધારો થવો જોઈએ, પણ યુનિયન બે રૂપિયાનો વધારો સ્વીકારવા તૈયાર છે. યુનિયનનું કહેવું છે કે છેલ્લે ઑક્ટોબર ૨૦૨૨માં ભાડામાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને મિનિમમ ભાડું જે ૨૧ રૂપિયા હતું એ ૨૩ રૂપિયા કરવામાં આવ્યું હતું, એ પછી કોઈ ભાડાવધારો કરવામાં આવ્યો નથી જે હવે જરૂરી છે.