રાજ્ય સરકારની ૨૦૨૧માં જાહેર થયેલી ઈવી પૉલિસી મુજબ તમામ સરકારી ઑફિસોમાં ઇલેક્ટ્રિક વેહિકલનો જ ઉપયોગ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું, પણ પરિસ્થિતિ એવી છે કે બીએમસીને એક પણ ઈવી કાર ન મળતાં એણે સીએનજી કાર કૉન્ટ્રૅક્ટ પર લેવા ટેન્ડર બહાર પાડ્યાં
તાતા મોટર્સે ૨૦૨૧માં બીએમસીને પહેલી ઈવી કાર નેઝોન ઈવી આપી હતી
બીએમસીએ પ્રદૂષણ ઓછું કરવા માટે ધૂળ ઘટાડવાનું નક્કી કર્યું છે. એ માટે એણે ટાસ્ક ફોર્સની રચના કરી છે. એમ છતાં કૉન્ટ્રૅક્ટના આધારે ઇલેક્ટ્રિક વેહિકલ (ઈવી) કાર ખરીદવામાં નિષ્ફળ રહ્યું છે. રાષ્ટ્રની સૌથી ધનિક આ મહાનગરપાલિકાએ એને બદલે ૯૮ સીએનજી કાર સાથે સેટલ કરવાનું નક્કી કર્યું છે!
રાજ્ય સરકારની ૨૦૨૧માં જાહેર થયેલી ઈવી પૉલિસી મુજબ રાજ્યમાં ઈવીને વેગ આપવા માટે સરકારી વિભાગો તથા લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ બૉડીમાં તમામ ટ્રેડિશનલ ફ્યુઅલ કાર્સને ઈવીમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો હતો. પૉલિસી મુજબ ૨૦૨૨ના એપ્રિલ પછી સરકારી સંસ્થાઓમાં માત્ર ઈવી વાહનોની ખરીદી કરવી જ ફરજિયાત છે, પછી ભલે એ કૉન્ટ્રૅક્ટ-બેઝ્ડ હોય કે ખરીદવામાં આવી હોય.
ADVERTISEMENT
મે ૨૦૨૩માં બીએમસીએ ૨૯૯ સીએનજી કાર આપવા માટે કૉન્ટ્રૅક્ટરો સાથે કૉન્ટ્રૅક્ટ પર હસ્તાક્ષર કર્યા હતા અને હવે બીએમસીએ સાત મહિનાના સમયગાળા માટે કરારના આધારે ૯૮ કાર માટે ટેન્ડર બહાર પાડ્યાં હતાં. બીએમસી આ કાર માટે ૩.૩૬ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
બીએમસીના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘મોટા ભાગની ઈવી કાર ઍપ-બેઝ્ડ ટૅક્સી-સર્વિસ અને અન્ય ટૅક્સી-સર્વિસ અંતર્ગત છે. અમે ઈવી કારનો સોર્સ મેળવવા માટે મુંબઈ અને મેટ્રોપૉલિટનમાં રીજનલ ટ્રાન્સપોર્ટ ઑફિસને પૂછપરછ કરી અને જાણવા મળ્યું કે ત્યાં ઈવી કાર્સ નથી. અમે હવે એકથી ત્રણ વર્ષના કૉન્ટ્રૅક્ટને બદલે સાત મહિના માટે ટૂંકા ગાળાના કૉન્ટ્રૅક્ટ કર્યા છે. એક વાર અમને ઈવી વેહિકલ્સ મળવાનું શરૂ થઈ જાય પછી અમે સીએનજી કારને તબક્કાવાર બંધ કરવાનો ઇરાદો ધરાવીએ છીએ.
બીએમસી ૩૫ ઈવી વેહિકલ ખરીદશે
બીએમસીએ એના અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતાં ૩૫ ઈવી ખરીદવાનો નિર્ણય લીધો છે. દરેક કાર ૧૮ લાખથી ૧૯ લાખની કિંમતની આવે છે અને આ એક્વિઝિશન માટે એ સાત કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

