નવું ક્રેડિટ કાર્ડ ખોલ્યું ન હોવા છતાં ૧.૮૬ લાખ રૂપિયા બીજા અકાઉન્ટમાં ટ્રાન્સફર થયા : આરોપીએ મલાડના ગુજરાતી યુવાનનાં બૅન્ક-અકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડમાંથી ૯.૭૧ લાખ રૂપિયા ઉપાડી લીધા

પ્રતીકાત્મક તસવીર
મલાડમાં રહેતા ગુજરાતી યુવાનનાં બૅન્ક-અકાઉન્ટ અને ક્રેડિટ કાર્ડ મળીને કુલ પાંચ ખાતાંમાંથી એકાએક ૯.૭૧ લાખ રૂપિયા કપાઈ જતાં યુવકે મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી હતી જ્યારે યુવાનને બૅન્ક અને ક્રેડિટ કાર્ડનાં સ્ટેટમેન્ટ ઈ-મેઇલ પર આવ્યાં હતાં. તેણે ઘટનાની જાણ થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
મલાડ-વેસ્ટમાં ઝકરિયા રોડ પરની એક સોસાયટીમાં રહેતા રાજેશ શાહે કરેલી ફરિયાદ અનુસાર જુલાઈ મહિનામાં આઇડીએફસી ફર્સ્ટ બૅન્કનું સ્ટેટમેન્ટ તપાસતાં મોબિક્વિક સિસ્ટમ ગુડગાંવ પેટીએમ નોએડામાં ૭૬,૮૫૨ રૂપિયા કપાયા હોવાની માહિતી મળતાં આઇડીએફસી ફર્સ્ટ બૅન્કના ઈ-મેઇલ આઇડી પર આ વિશે ફરિયાદ કર્યા પછી બૅન્ક દ્વારા ક્રેડિટ કાર્ડ બ્લૉક કરવામાં આવ્યું હતું. ૧૨ ઑગસ્ટે બૅન્ક દ્વારા નવું ક્રેડિટ કાર્ડ મોકલવામાં આવ્યું, જેને ખોલ્યું પણ ન હોવા છતાં ૧૨થી ૧૫ ઑગસ્ટ સુધીમાં ૧,૮૬,૪૧૯ રૂપિયા પેટીએમના એક અકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હોવાની તેને જાણ થઈ હતી. આવી રીતે અન્ય ત્રણ બૅન્કોનાં ક્રેડિટ કાર્ડ અને એક સેવિંગ્સ અકાઉન્ટમાંથી સાઇબર ગઠિયાએ ૯.૭૧ લાખ રૂપિયા ધીરે-ધીરે કરીને ઑગસ્ટ મહિનાના અંત સુધીમાં ઉપાડી લેવાની જાણ થતાં તેણે મલાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મલાડ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે તપાસ શરૂ કરી છે. આ ઘટનામાં ફરિયાદીનાં તમામ બૅન્ક-અકાઉન્ટને સાઇબર ગઠિયાએ ટાર્ગેટ કર્યાં છે જે એક ગંભીર વિષય છે. અમે તમામ બૅન્ક-સ્ટેટમેન્ટની માહિતી કાઢીને તપાસ કરી રહ્યા છીએ.’