કાંદિવલી પોલીસે અંતે દસ વર્ષ પહેલાંની બહુચર્ચિત એટીએમ કૅશ-વૅન લૂંટની ઘટનાનો કેસ ઉકેલવામાં સફળતા મેળવી છે. નોટોથી ભરેલી એટીએમ કૅશ-વૅન લૂંટ એ વખતની ચકચારભરી લૂંટની ઘટના હતી.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈઃ કાંદિવલી પોલીસે અંતે દસ વર્ષ પહેલાંની બહુચર્ચિત એટીએમ કૅશ-વૅન લૂંટની ઘટનાનો કેસ ઉકેલવામાં સફળતા મેળવી છે. નોટોથી ભરેલી એટીએમ કૅશ-વૅન લૂંટ એ વખતની ચકચારભરી લૂંટની ઘટના હતી.
કાંદિવલી પોલીસે એટીએમ કૅશ-વૅન લૂંટ કેસમાં દસ વર્ષથી ફરાર બે આરોપીઓની ધરપકડ કરી છે. જે વર્ષ ૨૦૧૨માં એટીએમ કૅશ-વૅનમાંથી ૪૬ લાખ રૂપિયાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ કેસ દસ વર્ષ પહેલાં પુરાવાને અભાવે બંધ કરી દેવાયો હતો, પરંતુ કાંદિવલી પોલીસની સતર્કતાથી લૂંટારાઓ વિશે માહિતી મળી અને પોલીસે દસ વર્ષ પછી તેમની ધરપકડ કરી છે.
કાંદિવલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરના દીપશિખા વારેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ કેસમાં વર્ષો સુધી કોઈ પુરાવા હાથ લાગ્યા ન હોવાથી કેસ બંધ થયો હતો, પરંતુ કેસના એક સાક્ષીદાર દ્વારા મળેલી માહિતી પ્રમાણે અમે એના પર કામ કરીને તપાસ કરી હતી. આ માહિતી પર કામ કરીને વેરિફિકેશન કરાયું અને ધરપકડ કરી હતી. ૩૮ વર્ષના અરુણ સહદેવ વાઘમારે નામના પ્રથમ આરોપીની મહારાષ્ટ્રના સાંગલી વિશ્રામબાગમાંથી ધરપકડ કરવામાં આવી હતી અને ૩૮ વર્ષના બીજા આરોપી સતીશ સંભાજી આગડેને પોલીસે લાતુરના સાંઈ ગામમાંથી ધરપકડ કરી હતી. આ બન્ને આરોપીઓ મુંબઈના દહિસર-વેસ્ટ કાંદરપાડામાં રહેતા હતા. આ બન્ને આરોપીઓ એટીએમ કૅશ ડિપોજિટ વૅનમાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા. બન્ને આરોપીઓ ૨૦૧૨માં કૅશ-વૅનને કાંદિવલી-વેસ્ટના એમ.જી રોડ પર મૂકીને ફરાર થઈ ગયા હતા. હાલમાં કાંદિવલી પોલીસે બન્ને આરોપીઓની ધરપકડ કરી છે અને તેઓ લૂંટના પૈસા ક્યાં રાખ્યા છે અને તેમની સાથે અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે એની તપાસ કરી રહી છે.’