Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સોશ્યલ મીડિયામાં શૅરબજારમાં સારી કમાણી કરવાની પોસ્ટથી સાવધાન

સોશ્યલ મીડિયામાં શૅરબજારમાં સારી કમાણી કરવાની પોસ્ટથી સાવધાન

07 February, 2024 07:42 AM IST | Mumbai
Prakash Bambhroliya | prakash.bambhroliya@mid-day.com

મુંબઈની મહિલાએ ૪૯ લાખ રૂપિયા ગુમાવ્યા : દેશભરમાં ૨૫ કરોડ રૂપિયાની ઉચાપત કરવાના આરોપસર પોલીસે સુરતમાંથી બે ગુજરાતીની ધરપકડ કરી : મુંબઈના એક ગુજરાતી સહિત બે મુખ્ય આરોપી ફરાર

બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ

બોમ્બે સ્ટોક એક્સ્ચેન્જ


છેલ્લા કેટલાક સમયથી ભારતનું શૅરબજાર નવી ઑલટાઇમ ટોચ બનાવી રહ્યું છે ત્યારે લોકોમાં શૅરબજારમાં રોકાણ કરીને ઝટપટ લખપતિ કે કરોડપતિ બનવાના અરમાન જાગ્યા છે. શૅરબજારમાં ઝડપથી સારું રિટર્ન મેળવવાની લોકોની માનસિકતાનો કેટલીક વખત ફ્રૉડ કરનારાઓ લાભ ઉઠાવીને પોતાનું ભલું કરી લે છે. માટુંગામાં રહેતી એક મહિલાએ વૉટ્સઍપમાં શૅરબજારમાં સારું રિટર્ન મેળવવાની પોસ્ટમાં રસ દાખવ્યા બાદ ૪૯ લાખ રૂપિયા ગુમાવ્યા છે. આ મામલામાં પોલીસે માટુંગામાં રહેતા એક ગુજરાતી સહિત બે લોકો સામે ફરિયાદ નોંધી છે અને સુરતમાંથી બે ગુજરાતીની ધરપકડ કરી છે.

પોલીસના જણાવ્યા મુજબ માટુંગામાં રહેતી ૪૬ વર્ષની દક્ષિણ ભારતીય મહિલા જે એક પ્રાઇવેટ કંપનીમાં જૉબ કરે છે તેને ગયા વર્ષે ૧૩ નવેમ્બરે વૉટ્સઍપ પર એક મેસેજ આવ્યો હતો, જેમાં શૅરબજારમાં રોકાણ કરીને સારું રિટર્ન મેળવવાની વિગતો લખવામાં આવી હતી. આ મહિલાએ પહેલાં તો એના પર ધ્યાન નહોતું આપ્યું, પરંતુ દસેક દિવસ બાદ તેણે તેને સતત આવી રહેલા વૉટ્સઍપ મેસેજ વાંચવાની શરૂઆત કરી હતી. તેના ધ્યાનમાં આવ્યું હતું કે શૅરબજારમાં રોકાણ કરવા માટે સે​મિનારનું આયોજન કરવામાં આવે છે. આથી તેણે જે નંબર પરથી મેસેજ આવ્યો હતો એમાં સંપર્ક કરતાં કોઈ અનિલ ઝા શર્માએ મહિલાને અપર સરકિટ સ્ટૉકનું લિસ્ટ મોકલવાની શરૂઆત કરી હતી. લિસ્ટના મોટા ભાગના શૅરમાં સારોએવો નફો દેખાવા લાગતાં મહિલાએ પણ શૅરબજારમાં રોકાણ કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં તેને એક લિન્ક ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ લિન્ક દ્વારા બનાવટી ડીમૅટ અકાઉન્ટ ઓપન કરવાથી લઈને બૅન્ક અકાઉન્ટ એની સાથે લિન્ક કરવા સહિતની તમામ માહિતી હતી.ફરિયાદી મહિલાએ તેને કહેવામાં આવ્યા પ્રમાણે પોતાનું ડીમૅટ અકાઉન્ટ ખોલીને એની ઍપ પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરી હતી. https://chcses-dll.com નામની લિન્ક અને એની https://www.chc-ses.com વેબસાઇટ વગેરેની તપાસ કરતાં એ રિયલ લાગ્યાં હતાં એટલે તેણે પહેલાં ૨૫ હજાર રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ રોકાણમાંથી થોડા જ સમયમાં પચાસ ટકાથી વધુ રિટર્ન મળ્યું હતું. આથી ફરિયાદી મહિલાએ ૨૦ હજાર રૂપિયા ​વિધડ્રૉ પણ કર્યા હતા. બધું જેન્યુઇન લાગતાં મહિલાએ એક મહિનામાં ૧૬ વખત ટ્રાન્ઝૅક્શન કરીને ૪૯,૩૫,૦૦૦ રૂપિયા શૅરબજારમાં રોક્યા હતા.


મહિલા આર્થિક મુશ્કેલીમાં મુકાઈ

શૅરબજારમાં રોકાણ કરવા માટે સૌથી પહેલા ડીમૅટ અકાઉન્ટ ખોલવું પડે અને એની સાથે બૅન્કનું અકાઉન્ટ લિન્ક કરીને શૅરબજારમાં ટ્રેડિંગ કરતી કંપની દ્વારા જ કામકાજ થઈ શકે છે એ વાત જાણતી હોવા છતાં પોતે બોગસ ટ્રેડિંગ કંપનીની જાળમાં ફસાઈ હતી. એ વિશે માટુંગામાં રહેતી ૪૬ વર્ષની દક્ષિણ ભારતીય મહિલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શૅરબજારમાં સારી આવક કરવાની લાલચમાં અજાણ્યા લોકોના મેસેજ પર આંધળો વિશ્વાસ કરવાનું મને ભારે પડ્યું. ૪૯.૩૫ લાખ રૂપિયા ગુમાવ્યા છે એમાંથી મારી પાસે માત્ર ૧૦ લાખ રૂપિયા જ હતા. બાકીના મેં બીજા પાસેથી ઉધાર લઈને રોકાણ કર્યું હતું. કોઈ બોગસ કંપનીઓ ખોલીને એના થકી ટ્રેડિંગ કરવામાં આવી રહ્યું હોવાનું દર્શાવીને લોકોને છેતરી શકે એ મારા માનવામાં નથી આવતું. તેમના મેસેજ જોઈને લોકો લાખો જ નહીં, કરોડો રૂપિયા કમાય છે એ જોઈને હું ફસાઈ. જીવનની આ મારી સૌથી મોટી ભૂલ હતી. એક મહિનામાં ૪૯.૩૫ લાખ રૂપિયાના રોકાણ સામે મને ૧.૭૯ કરોડ રૂપિયા મળી રહ્યા હોવાનું ઍપમાં દેખાતું હતું. જોકે તેમણે આ રકમ મેળવવા માટે વધુ રોકાણ કરવાની માગણી કરી હતી. મારી પાસે વધુ રકમ નહોતી અને તેમની વાતમાં મને શંકા જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.’


લાભ લેનારા પકડાયા, મુખ્ય સૂત્રધાર ફરાર

માટુંગા પોલીસે ૨૮ જાન્યુઆરીએ ઑનલાઇન ટ્રેડિંગમાં ફ્રૉડ કરવાની અનિલ ઝા અને આ​શિષ શાહ સામે ફરિયાદ નોંધ્યા બાદ તપાસ શરૂ કરીને સુરતમાંથી આશિષ ઘંટાલા અને સંજય પટેલ નામના આરોપીઓની ધરપકડ કરી હતી. આ વિશે માટુંગા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ. પગારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓએ માટુંગા જ નહીં ઘાટકોપર, વિક્રોલી, વાશી, બેલાપુર, ઓડિશા, દિલ્હી અને ગુજરાતના ૧૦૦ જેટલા લોકો સાથે ચીટિંગ કરી હોવાનું તપાસમાં જણાયું છે. અમે આશિષ ઘંટાલા અને સંજય પટેલની સુરતમાંથી ધરપકડ કરી છે. ફ્રૉડ કરીને મેળવવામાં આવેલા રૂપિયા આ આરોપીઓના અકાઉન્ટમાં જમા થયા હોવાનું જણાયું છે. સ્કૅમના મુખ્ય સૂત્રધાર અનિલ ઝા અને આશિષ શાહ પલાયન થઈ ગયા છે. તેમને પકડવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. વૉટસઍપ ગ્રુપમાં શૅરબજારમાં રોકાણ કરીને સારું રિટર્ન મેળવવાના સેમિનાર આયોજિત કરવાના નામે આ લોકોએ ૨૮ કરોડથી વધુ રકમની ચીટિંગ કરી હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું છે.’

Whatsapp-channel Whatsapp-channel

07 February, 2024 07:42 AM IST | Mumbai | Prakash Bambhroliya

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK