સાંતાક્રુઝમાં ચોર બારીમાંથી ઘરમાં ઘૂસીને ત્રણ લાખના દાગીના અને રોકડ ચોરી ગયો

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)
સાંતાક્રુઝમાં રહેતા અને ગાર્મેન્ટ્સનો વ્યવસાય કરતા એક વેપારીના પરિવારના સભ્યો સાથે સૂતા હતા ત્યારે એક ચોરે બીજા માળે બારીમાંથી ઘરમાં ઘૂસીને બેડરૂમમાં રાખેલા કબાટમાંથી આશરે ત્રણ લાખ રૂપિયાના રોકડ અને દાગીનાની ચોરી કરી હોવાની ફરિયાદ વાકોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે તપાસ શરૂ કરી છે.
સાંતાક્રુઝ-ઈસ્ટમાં ગોળીબાર રોડ પર ન્યુ ગાર્ડન બિલ્ડિંગમાં બીજા માળે રહેતાં અને ગાર્મેન્ટ્સનો વ્યવસાય કરતાં ૫૩ વર્ષનાં આશા અનિલ શાહે કરેલી ફરિયાદ અનુસાર ૨૨ માર્ચે રાતે અગિયાર વાગ્યે તેઓ અને તેમના પતિ અનિલભાઈ બેડરૂમમાં સૂવા ગયાં હતાં અને બહાર હૉલમાં તેમનાં સાસુ સાકરબહેન સૂતાં હતાં. બીજા દિવસે સવારે એટલે કે ૨૩ માર્ચે તેઓ ઊઠીને કિચનમાં ગયાં ત્યારે બીજા બેડરૂમની બારી ખુલ્લી દેખાઈ હતી. એટલે અંદર જઈને તપાસ કરતાં બેડરૂમમાં રાખેલા લાકડાના કબાટમાંથી આશરે ત્રણ લાખ રૂપિયાના દાગીના અને રોકડની ચોરી થઈ હતી. એ પછી આ ઘટનાની જાણ વાકોલા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. પોલીસે અજ્ઞાત ચોર વિરુદ્ધમાં ફરિયાદ નોંધી હતી.
વાકોલા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર પ્રદીપ મોરેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ચોરી કરનાર આરોપી જાણભેદુ હોવાની આ કેસમાં શંકા છે, કારણ કે આરોપી ડેરિંગ કરીને બિલ્ડિંગની બહારથી બીજા માળની બારી સુધી ગયો હતો અને ત્યાંથી તેણે અંદર પ્રવેશ્યા પછી બેડરૂમમાં ચોરીને અંજામ આપ્યો હતો. મહત્ત્વની વાત એ છે કે જ્યારે ચોરી થઈ ત્યારે ફરિયાદીનો પરિવાર એ ઘરમાં સૂતો હતો. આ કેસમાં અમે આસપાસના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ તપાસી રહ્યા છીએ.’