પુણેની અદાલતે બુધવારે જયેન્દ્ર ઉર્ફે ભાઈ ઠાકુર અને અન્ય ત્રણને ટેરરિસ્ટ ઍન્ડ ડિસરપ્ટિવ ઍક્ટિવિટીઝ (નિવારણ) અથવા ‘ટાડા’ હેઠળ નોંધાયેલા કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે.

પ્રતીકાત્મક તસવીર
મુંબઈ : પુણેની અદાલતે બુધવારે જયેન્દ્ર ઉર્ફે ભાઈ ઠાકુર અને અન્ય ત્રણને ટેરરિસ્ટ ઍન્ડ ડિસરપ્ટિવ ઍક્ટિવિટીઝ (નિવારણ) અથવા ‘ટાડા’ હેઠળ નોંધાયેલા કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે. ૧૯૮૯ના ઑક્ટોબરમાં બિલ્ડર સુરેશ દુબેની હત્યાના કેસમાં ભાઈ ઠાકુર ઉપર આતંકવાદી કૃત્ય કરવાનું કાવતરું ઘડવાનો આરોપ હતો. દુબેની નાલાસોપારા રેલવે સ્ટેશને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
ફરિયાદ પક્ષનો આરોપ હતો કે હુમલાખોરો ભાઈ ઠાકુરની ટોળકી સાથે જોડાયેલા હતા, જે વસઈ-વિરાર વિસ્તારમાં કાર્યરત હતા. સુપ્રીમ કોર્ટે દુબે હત્યાકેસમાં ધરપકડ કરાયેલા ૧૭માંથી ૬ વ્યક્તિઓની સજા યથાવત્ રાખી હતી. ટાડા હેઠળ ભાઈ ઠાકુર, દીપક ઠાકુર, ગજાનન પાટીલ અને ભાસ્કર પાટીલ સામે આતંકવાદી કૃત્યોનું કાવતરું ઘડવાના આરોપની ટ્રાયલ પુણે કોર્ટમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. ગઈ કાલે ઍડિશનલ સેશન્સ જજ એસ. આર. નાવંદરે પુરાવાના અભાવે આ ચારેય આરોપીઓને દોષમુક્ત જાહેર કર્યા હતા.

