યુવતીના પિતાએ કહ્યું હતું કે તે કૉલેજમાં હતી ત્યારે મિત્રો સાથે અવારનવાર આ મંદિરમાં આવતી હતી
શિળફાટા પાસે આવેલા ગણપતિ મંદિર
બેલાપુરમાં રહેતી ૩૦ વર્ષની યુવતી ઘરકંકાસથી કંટાળીને ૬ જુલાઈએ કલ્યાણના શિળફાટા પાસે આવેલા ગણપતિના મંદિરમાં શાંતિ મળશે એમ ધારીને ગઈ હતી. જોકે તેની એકલતાનો લાભ લઈને મંદિરનું ટેમ્પરરી કામકાજ જોતા ત્રણ પૂજારીઓએ તેના પર બળાત્કાર કર્યો હતો અને પછી પકડાઈ જવાના ડરે તેને મારી નાખી હતી.
રેપ અને મર્ડરના આ ચોંકાવનારા કેસની માહિતી આપતાં શિળ-ડાયઘર પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર એસ. એન. શિંદેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તે યુવતી પરિણીત છે અને પતિ તથા સાસુ-સસરા સાથે બેલાપુરમાં રહેતી હતી. યુવતીનાં માતા-પિતા કોપરખૈરણેમાં રહે છે. યુવતી અને તેના પતિ વચ્ચે ઘરમાં નાના-મોટા ઝઘડા થતા રહેતા હતા. એથી ઘરના કંકાસથી કંટાળેલી યુવતી ૬ જુલાઈએ સવારના ૧૦ વાગ્યે શિળફાટા પાસેના ગણપતિના મંદિરે ગઈ હતી અને પછી ત્યાં જ બેસી રહી હતી. ગણપતિ મંદિરના મૂળ પૂજારી તેમના ઉત્તર પ્રદેશના ગામમાં ગયા છે. ત્યાં મંદિર સહિત ગૌશાળા પણ છે એટલે કામ વધારે રહેતું હોવાથી તેમણે તેમના જાણીતા રાજસ્થાનના ૬૫ વર્ષના શ્યામસુંદર શર્માને અને ઉત્તર પ્રદેશના ૪૫ વર્ષના સંતોષ મિશ્રા અને રાજકુમાર પાંડેને મંદિરની ટેમ્પરરી જવાબદારી સોંપી હતી.’
ADVERTISEMENT
સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર એસ. એન. શિંદેએ વધુમાં કહ્યું હતું કે ‘ઘણા સમય સુધી એકલી બેસેલી યુવતીને જોઈને પૂજારીઓએ થોડી પૂછપરછ કરીને તેને બપોરનું જમવાનું આપ્યું હતું. ત્યાર બાદ તે યુવતીએ થોડો આરામ કર્યો હતો અને પછી સાંજે ચા આપતી વખતે એ ત્રણે જણે ષડયંત્ર રચીને તેને ચામાં ભાંગ પીવડાવી દીધી હતી. એને કારણે થોડી વારમાં યુવતી બેહોશ થઈ ગઈ હતી. એ પછી ત્રણે જણે તેના પર વારફરતી બળાત્કાર કર્યો હતો. બીજા દિવસે સવારે યુવતી હોશમાં આવી ત્યારે તેની સાથે ખોટું થયું હોવાની જાણ થતાં બૂમાબૂમ કરવા માંડી હતી. તેને ચૂપ કરવા પૂજારી આરોપીઓએ તેનું માથું ફરસ સાથે અફાડતાં તે મૃત્યુ પામી હતી. એ પછી તેના મૃતદહેને તેમણે મંદિરની નજીકના જંગલમાં નાખી દીધો હતો. ૯ જુલાઈએ વાશીનો એક ડૉક્ટર તેની પત્ની સાથે મંદિરે આવ્યો હતો. તેઓ મંદિર પાસેના એ વિસ્તારમાં ફરી રહ્યા હતા ત્યારે તેમણે તે યુવતીનો મૃતદેહ જોઈને પોલીસને જાણ કરી હતી. અમે પંચનામું કરીને મૃતદેહનો તાબો લીધો હતો. વરસાદ અને ત્યાં ઝાડપાનનો છાંયડો હોવાથી ઠંડક હતી એટલે મૃતદેહ કોહવાયો નહોતો. અમે તપાસ કરીને પૂજારીઓ સંતોષ મિશ્રા અને રાજકુમાર પાંડેની પૂછપરછ કરતાં તેઓ ભાંગી પડ્યા હતા અને ગુનો કબૂલી લીધો હતો. પોતાના માનખુર્દમાં રહેતા દીકરા પાસે ચાલ્યા ગયેલા પૂજારી શ્યામસુંદરની પણ અમે ધરપકડ કરી હતી. તેમને ત્રણેને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેમને ૧૬ જુલાઈ સુધીની પોલીસ-કસ્ટડી આપી હતી. યુવતીના પિતાએ કહ્યું હતું કે તે કૉલેજમાં હતી ત્યારે મિત્રો સાથે અવારનવાર આ મંદિરમાં આવતી હતી એટલે તેને અહીં આવીને શાંતિ મળશે એવું લાગતાં તે આવી હોવી જોઈએ.

