આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા મુન્નાનું બાદમાં મૃત્યુ થયું હતું
મુન્ના ઉર્ફે મોહમ્મદ અલી ખાન ઉર્ફે મનોજકુમાર ભંવરલાલ ગુપ્તા
મુંબઈમાં ૧૯૯૩માં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બધડાકામાં દોષી ઠેરવ્યા બાદ કોલ્હાપુરની કળંબા જેલમાં સજા કાપી રહેલા ૭૦ વર્ષના મુન્ના ઉર્ફે મોહમ્મદ અલી ખાન ઉર્ફે મનોજકુમાર ભંવરલાલ ગુપ્તાની ગઈ કાલે સવારે હત્યા કરવામાં આવી હતી. જેલના પ્રતીક ઉર્ફે પિલ્યા સુરેશ પાટીલ, દીપક નેતાજી ખોત, સંદીપ શંકર ચવાણ, ઋતુરાજ વિનાયક ઇનામદાર અને સૌરભ વિકાસ નામના પાંચ કેદીઓએ મુન્નાની ડ્રેનેજલાઇનના લોખંડના ઢાંકણાથી મારપીટ કર્યા બાદ તે બેભાન થઈ ગયો હતો. તપાસમાં જણાઈ આવ્યું હતું કે કેદી મુન્ના સવારના સાડાસાત વાગ્યે નાહવા ગયો ત્યારે તેનો પાંચ કેદી સાથે કોઈક બાબતે ઝઘડો થયા બાદ તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા મુન્નાનું બાદમાં મૃત્યુ થયું હતું. ઉલ્લેખનીય છે કે બૉમ્બધડાકાનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો હતો ત્યારે આ કેદી પલાયન થઈ ગયો હતો. તેની બાદમાં કેરલામાંથી ધરપકડ કરવામાં આવી હતી અને ૨૦૦૬ની ૧૭ ઑક્ટોબરે તેને ટાડા ટેરરિસ્ટ ઍન્ડ ડિસરપ્ટિવ ઍક્ટિવિટીઝ (પ્રિવેન્શન) ઍક્ટ કોર્ટે આજીવન કારાવાસની સજા સંભળાવી હતી.


