આવી અપીલ કરી છે મુંબઈ પોલીસે : વિલે પાર્લેના ગુજરાતીનો મોબાઇલ તફડાવીને તેના બૅન્ક ખાતામાંથી ૧.૦૪ લાખ રૂપિયા સેરવી લેનારા બે આરોપીની ક્રાઇમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરી : આરોપીઓ મોબાઇલનું સિમ કાર્ડ વાપરીને નવું UPI જનરેટ કરતા હતા
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વિલે પાર્લેના એસ. વી. રોડ પર રહેતા ૫૯ વર્ષના જનક મેહતાલિયાનો સૅમસંગ કંપનીનો મોબાઇલ તડફાવીને તેમના બૅન્ક-ખાતામાંથી ૧.૦૪ લાખ રૂપિયા સેરવી લેનારા ફિરોઝ ખાન અને શાહ આલમની ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)ની દાદર ક્રાઇમ બ્રાન્ચે પશ્ચિમ બંગાળમાંથી ધરપકડ કરી હતી. પાંચમી જાન્યુઆરીએ જનકભાઈનો વિલે પાર્લે સ્ટેશન નજીકથી મોબાઇલ ચોરીને એ જ મોબાઇલના સિમ કાર્ડની મદદથી યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) નવું જનરેટ કરીને પૈસા સેરવી લેવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ચોરો પહેલાં મોબાઇલ ચોરીને બીજાને વેચી દેતા હતા અથવા મોબાઇલના અમુક પાર્ટ કાઢીને વેચી નાખતા હતા. જોકે હાલમાં સામે આવેલી ઘટના ખૂબ જ ચોંકાવનારી છે, કારણ કે ચોરાયેલા મોબાઇલનું સિમ કાર્ડ ઍક્ટિવ રાખીને પૈસા સેરવી લેવામાં આવી રહ્યા છે એ જોતાં અમે નાગરિકોને અપીલ કરીએ છીએ કે તમારા ચોરાયેલા મોબાઇલનું સિમ કાર્ડ તાત્કાલિક બંધ કરાવી દો જેથી આગળ તમારા પૈસા જતા બચી શકે એમ જણાવતાં GRP ક્રાઇમ બ્રાન્ચના પોલીસ-ઇન્સ્પેક્ટર રોહિત સાવંતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘વિલે પાર્લેમાંથી ચોરાયેલા મોબાઇલની સ્ક્રીન લૉક હોવા છતાં મોબાઇલના UPIનો ઉપયોગ કરીને પૈસા સેરવી લેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સ્થાનિક પોલીસ દ્વારા બે મહિલાની સતત તપાસ કરવામાં આવી હતી. જોકે તેમને કઈ રીતે આ થયું એની માહિતી મળી નહોતી. અંતે તપાસ અમારી પાસે આવતાં અમે ટેક્નિકલ ટીમની મદદ લીધી હતી જેના માધ્યમથી અમે પશ્ચિમ બંગાળના આરોપી સુધી પહોંચ્યા હતા. તેમની ધરપકડ કરતાં તેમણે માહિતી આપી હતી કે મોબાઇલ ચોરીને એનું સિમ કાર્ડ બીજા આરોપીને પાસ કરવામાં આવતું હતું, જેઓ એક પ્રકારે હૅકરનું કામ કરતા હતા. ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને ચોરાયેલી વ્યક્તિના નામે નવું UPI જનરેટ કરવામાં આવતું અને એના માધ્યમથી ગૂગલ-પે, ફોન-પે જેવી ઍપ્લિકેશન દ્વારા પૈસા ટ્રાન્સફર કરવામાં આવતા હોવાની માહિતી આપવામાં આવી છે. જનકભાઈના કેસમાં અમે ૪૦,૦૦૦ રૂપિયાની રિકવરી કરી છે.’
ADVERTISEMENT
તમારો ચોરાયેલો મોબાઇલ અને સિમ કાર્ડ તમે જ બંધ કરાવી શકો છો
જો તમારો મોબાઇલ ખોવાઈ ગયો છે કે ચોરી થયો છે તો પોલીસ પોતાની કાર્યવાહી કરે એ પહેલાં તમે પોતે જ ગવર્નમેન્ટની વેબસાઇટ www.ceir.gov.in પર જરૂરી માહિતી ભરીને તાત્કાલિક તમારો મોબાઇલ લૉક કરાવી શકો છો. એ સાથે જ તમારું સિમ કાર્ડ પણ બંધ કરાવી શકો છો. જો આ મોબાઇલ તમને પાછો મળી ગયો તો તમે જ વેબસાઇટ પર એને અનલૉક કરી શકો છો.


