બ્રિજ ઢાળ પર હોવાથી ડ્રાઇવરો ગાડી ન્યુટ્રલમાં નાખી દેતાં કન્ટ્રોલ ગુમાવે છે

રવિવારે પુણેમાં થયેલા અકસ્માત બાદ ઘટનાસ્થળે પહોંચેલાં રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસનાં નેતા સુપ્રિયા સુળે
પુણેના નવલે બ્રિજ પર રવિવારે રાતે ૮.૩૦ વાગ્યે એક ટ્રકના ડ્રાઇવરે કાબુ ગુમાવતા એ ટ્રક આગળ જઈ રહેલી કાર અને બાઇકો સાથે અથડાઇ હતી. જેના કારણે એ વાહનો પણ તેમની આગળ જઈ રહેલા વાહનો સાથે અથડાયા હતા અને આમ અંદાજે ૪૮ જેટલા વાહનોને આ અકસ્માતમાં નુકસાન થયું હતું. જેમાં ટ્રકથી લઈને સ્કુટી સુધીના બધા જ વાહનોનો સમાવેશ હતો. આટલા મોટા પ્રમાણમાં વાહનો અથડાતા આખી રાત એ વાહનો બાજુ પર કરવાની કાર્યવાહી ચાલી રહી હતી. ગઈ કાલે સવારે એ રોડ પર ધીમે ધીમે વાહન વ્યવહાર પૂર્વવત કરાયો હતો.
નવલે બ્રિજ એ સાતારા પુણે હાઇ વે પર આવેલો હોવાથી એ નેશનલ હાઇ વે ઑથોરિટી હેઠળ આવે છે. ભૂતકાળમા પણ નવલે બ્રિજ પર બહુ જ અકસ્માત થતા હતા જેને ગંભીરતાથી લઇ ગયા વર્ષે જ ઑથોરિટી દ્વારા સેવલાઇફ ફાઉન્ડેશન નામની સંસ્થાને તેના કારણોની તપાસ કરવા કહ્યું હતું. એક ઓફિસરના જણાવ્યા અનુસાર સેવલાઇફ ફાઉન્ડેશન દ્વારા જે ભલામણો કરાઈ હતી એમાં ઘણી બધી ભલામણોને લાગુ કરાઈ હતી જોકે એમ છતા અકસ્માત થયો હતો. છેલ્લા ૬ મહિનામાં થયેલા અકસ્માતોમાં આવો આ અનેક વાહનોની અથડામણનો પહેલો જ અકસ્માત છે.
ADVERTISEMENT
ફાઉન્ડેશન દ્વારા કહેવાયું હતું કે રેગ્યુલર મેઇન્ટેનન્સ સિવાય પણ આ બ્રિજ પર સુધારા કરવાનો અવકાશ છે.
નવલે બ્રિજના ઑડિટ રિપોર્ટમાં કહેવામાં આવ્યા મુજબ ત્યાં રોડની કન્ડીશન તો ખરાબ છે જ પણ એ સિવાય ટ્રાફિક ધીમે ધીમે મુવ થાય એ માટે જે પગલા લેવા જોઇએ એ નથી લેવાયા, ત્યા અસરકાર એવા ક્રેશ બૅરિયર લગાડવા જોઇતા હતા જે નથી. એ જગ્યાએ વધુ પડતા ઝાડ રોપી દેવાયા છે જેના કારણે વિઝન બ્લૉક થાય છે. સુચના આપતા સાઇન બૉર્ડ નથી અને જે છે એ તુટેલા, ફુટેલા છે. એ સિવાય જે સર્વિસ રોડ પરની એન્ટ્રી-એક્ઝિટ છે એ પણ જોખમી છે. એ ઉપરાંત પૂલનું જે બાંધકામ છે એનું પણ મેઇન્ટેનન્સ યોગ્ય રીતે નથી થયેલું એ બાંધકામ ઘણી જગ્યાએ ખુલી ગયું છે. ફુટપાથ પણ તુટેલી ફુટેલી છે.
એક અન્ય બાબત એ ચર્ચાઇ રહી છે કે નવલે બ્રિજ ઢાળ પર બનાવવામાં આવ્યો હોવાથી અનેક વાહનોના ડ્રાઇવર તેના પરથી વાહન ઉતારતી વખતે એન્જિન બંધ કરીને માત્ર ન્યુટ્રલ ગીયરમાં ગાડી નીચે સુધી ફુલ સ્પીડમાં લઇ આવે છે. આમ કરવાથી પેટ્રોલ ડીઝલની બચત થાય છે, પણ એ અતિશય જોખમી હોય છે કારણ કે એ વખતે માત્ર વાહન બ્રેક પર જ કન્ટ્રોલ થતું હોય છે અને જો બ્રેક બરોબર ન લાગી તો અકસ્માતની શક્યતાઓ અનેક ગણી વધી જતી હોય છે. પૂણેના ડિસ્ટ્રિક કલેકટર રાજેશ દેશમુખે આ બાબતે કહ્યું હતું કે આ વીશે અમે કાંઇ ન કહી શકીએ એ વીશે હાઇ વે ઑથોરિટી જ યોગ્ય માહિતી આપી શકે. જ્યારે કે એ હાઇ વે મેઇન્ટેઇન કરતી રીલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જણાવ્યા અનુસાર પ્રાથમિક માહિતી મુજબ રવિવારે થયેલા અકસ્માત વખતે પણ ટ્રક ડ્રાઇવરે એન્જિન બંધ કરી ટ્રક ન્યુટ્રલ ગીયરમાં જ ટ્રક નીચે ઉતારી હતી અને તેનાથી એ વખતે કાબુ નહોતો રહ્યો અને અકસ્માત થયો હતો.

