Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકા પરમાણુ બૉમ્બ વાપરશે?

ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકા પરમાણુ બૉમ્બ વાપરશે?

Published : 04 March, 2026 10:03 AM | Modified : 04 March, 2026 10:09 AM | IST | United States Of America
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમેરિકાના નેવાડામાં સતત નાના-નાના ધરતીકંપોની વણજારથી જન્મી આશંકા : આ રાજ્યમાં અમેરિકા ગુપ્ત પરમાણુ પરીક્ષણ કરી રહ્યું હોવાની શક્યતા, અહીં રિક્ટર સ્કેલ પર લગભગ ૨.૫ની તીવ્રતાના ૧૬ રહસ્યમય ભૂકંપ આવ્યા

ડોનલ્ડ ટ્રમ્પ

ડોનલ્ડ ટ્રમ્પ


અમેરિકાના નેવાડા રાજ્યમાં ગુપ્ત પરમાણુ પરીક્ષણ ટેસ્ટ-સેન્ટર છે અને ત્યાં હાલના દિવસોમાં રિક્ટર સ્કેલ પર ૨.૫ની તીવ્રતાના નાના-નાના ભૂકંપોની નોંધ થઈ છે. એથી એ સવાલ થઈ રહ્યો છે કે શું ઈરાન સાથેના યુદ્ધમાં અમેરિકા પરમાણુ બૉમ્બ વાપરશે? શિયા રાષ્ટ્ર ઈરાન પર હુમલો કરવાનું એક મુખ્ય કારણ ઈરાનને પરમાણુ શસ્ત્રો બનાવતાં અટકાવવાનું છે. જોકે અમેરિકા પરમાણુ શસ્ત્રો ધરાવતો પહેલો અને વિશ્વનો એકમાત્ર દેશ હતો. આમ પણ અમેરિકાએ બીજા વિશ્વયુદ્ધમાં જપાન સામે ઍટમ બૉમ્બનો ઉપયોગ કર્યો હતો.

નેવાડા ન્યુક્લિયર ટેસ્ટ-રેન્જ



યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલૉજિકલ સર્વે (USGS)એ નેવાડામાં ‘એરિયા 52’ તરીકે વધુ જાણીતી ટોનોપાહ ટેસ્ટ-રેન્જ નજીક ૧૬ મધ્યમ આંચકા શોધી કાઢ્યા છે. આ બધા આંચકા રિક્ટર સ્કેલ પર ૨.૫ની તીવ્રતા કરતાં વધુ મજબૂત હોવાનું નોંધાયું છે. ‘એરિયા 52’ એ ‘એરિયા 51’ની નજીક સ્થિત છે જે લાસ વેગસની ઉત્તરે સ્થિત વિશાળ સંકુલનો ભાગ છે. એને નેવાડા ટેસ્ટ ઍન્ડ ટ્રેઇનિંગ રેન્જ (NTTR) તરીકે ઓળખવામાં આવે છે. ગયા અઠવાડિયામાં ટોનોપાહ ટેસ્ટ-રેન્જના ૫૦ માઇલની અંદર ૧૦૦થી વધુ ભૂકંપની ઘટનાઓ નોંધાઈ છે. આ ભૂકંપ કુદરતી લાગતા નથી, કારણ કે એ ૧.૦થી ૧.૯ની તીવ્રતાના ખૂબ નાના શૉકવેવ્સ હતા. બીજું એક અઠવાડિયામાં આટલી મોટી સંખ્યામાં શૉકવેવ્સ આવવાથી પણ શંકાઓ ઊભી થાય છે.


યુદ્ધ વચ્ચે પરમાણુ પરીક્ષણ

એક અહેવાલ મુજબ આ ભૂકંપોમાં સૌથી શક્તિશાળી આંચકો રવિવારે સવારે ૧૧.૩૭ વાગ્યે આવ્યો હતો અને એની તીવ્રતા ૪.૩ માપવામાં આવી હતી. એ નેવાડા રણના એક દૂરના બિંદુ પર ટોનોપાહથી લગભગ ૪૮ માઇલ નૉર્થઈસ્ટમાં થયો હતો. વૉશિંગ્ટને તાજેતરમાં પરમાણુ પરીક્ષણો કરવાની સત્તાવાર જાહેરાત કરી નથી. એનો અર્થ એ છે કે આ ભૂકંપ આ પ્રદેશમાં સામાન્ય ભૂસ્તરશાસ્ત્રીય પ્રવૃત્તિનો લાંબો સમય હોઈ શકે છે. જોકે સ્થળ અને સમય પર પ્રશ્નો ઊભા થયા છે.


અમેરિકાની પોતાના નાગરિકો અપીલ મિડલ ઈસ્ટના ૧૫ દેશોમાંથી તાત્કાલિક બહાર નીકળો

ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની લડાઈ વધુ તીવ્ર બનતી જાય છે એમ-એમ ગંભીર સલામતી જોખમોની ચેતવણી આપીને અમેરિકાએ એના નાગરિકોને મિડલ ઈસ્ટના એક ડઝનથી વધુ દેશોમાંથી તાત્કાલિક રવાના થવાની અપીલ કરી છે. ઑનલાઇન પોસ્ટ કરાયેલા એક નિવેદનમાં અમેરિકાના વિદેશ-વિભાગના સહાયક પ્રધાન મોરા નામદારે જણાવ્યું હતું કે ‘અમેરિકાના વિદેશ મંત્રાલયે અમેરિકનોને ઉપલબ્ધ કમર્શિયલ ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને ત્યાંથી નીકળી જવાની સલાહ આપી છે. જેમને સહાયની જરૂર હોય તેમને ઇમર્જન્સી કૉન્સ્યુલર લાઇન પર કૉલ કરવા અથવા નજીકના અમેરિકન દૂતાવાસ તેમ જ કૉન્સ્યુલેટમાંથી અપડેટ્સ મેળવવા માટે સ્માર્ટ ટ્રાવેલર પ્રોગ્રામમાં નોંધણી કરાવવાનું કહેવામાં આવ્યું છે. આ ચેતવણી બાહરિન, ઇજિપ્ત, ઈરાન, ઇરાક, ઇઝરાયલ, વેસ્ટ બૅન્ક, ગાઝા, જૉર્ડન, કુવૈત, લેબૅનન, ઓમાન, કતર, સાઉદી અરેબિયા, સિરિયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE) અને યમનને આવરી લે છે. આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ઈરાન સામે લશ્કરી કાર્યવાહી ચારથી પાંચ અઠવાડિયાં અને સંભવતઃ લાંબા સમય સુધી ચાલી શકે છે. વૉશિંગ્ટન અને ઇઝરાયલે ઈરાની લશ્કરી અને પરમાણુ-સંબંધિત સુવિધાઓ પર સતત હુમલા શરૂ કર્યા છે, જ્યારે તેહરાન અને એના પ્રાદેશિક સાથીઓએ ઇઝરાયલ અને ગલ્ફ રાજ્યોને નિશાન બનાવીને મિસાઇલો અને ડ્રોનથી બદલો લીધો છે. બીજી તરફ વિદેશપ્રધાન માર્કો રુબિયોએ પત્રકારોને જણાવ્યું હતું કે યુદ્ધમાં સૌથી ખતરનાક મોડ હજી આવવાનો બાકી છે અને આ તબક્કો ઈરાન પર ઉગ્ર હશે. 

કુવૈતે અમેરિકાનાં ૩ ફાઇટર જેટ ભૂલથી તોડી પાડ્યાં

ઈરાન સામે અમેરિકા અને ઇઝરાયલી સૈન્યના સંયુક્ત આક્રમણ વચ્ચે કુવૈતે અમેરિકાના ૩ F-15 ફાઇટર જેટ ભૂલથી તોડી પાડ્યાં હતાં. આના કારણે અમેરિકાને આશરે ૨૯૧ મિલ્યન ડૉલર (આશરે ૨૬૮૪ કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. ત્રણેય વિમાનમાં સવાર ૬ ઍર-ક્રૂ સમયસર બહાર નીકળી ગયા હતા. બધાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. કુવૈતે આ ઘટનાનો સ્વીકાર કર્યો છે. આ સંદર્ભમાં તપાસ ચાલી રહી છે અને તપાસ પૂર્ણ થયા પછી વધુ માહિતી આપવામાં આવશે. 

Whatsapp-channel Whatsapp-channel

04 March, 2026 10:09 AM IST | United States Of America | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK