ઓહિયોમાં યંગ્સટાઉનમાં બે સ્થાનિક સ્ટોર્સ ચલાવતા કેતનકુમાર પટેલ અને પીયૂષકુમાર પટેલની વિરુદ્ધ મહોનિંગ કાઉન્ટી ગ્રૅન્ડ જ્યુરી દ્વારા ચોરાયેલો બિયર ખરીદવાના આરોપસર કેસ ચલાવવામાં આવ્યો હતો.

પ્રતિકાત્મક ફાઇલ તસવીર
અમેરિકાના સ્ટેટ ઓહિયોમાં બે મૂળ ગુજરાતી વિરુદ્ધ ૨૦,૦૦૦ ડૉલર (૧૬.૫૦ લાખ રૂપિયા) મૂલ્યનો ચોરાયેલો બિયર ખરીદવા અને વેચવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઓહિયોમાં યંગ્સટાઉનમાં બે સ્થાનિક સ્ટોર્સ ચલાવતા કેતનકુમાર પટેલ અને પીયૂષકુમાર પટેલની વિરુદ્ધ મહોનિંગ કાઉન્ટી ગ્રૅન્ડ જ્યુરી દ્વારા ચોરાયેલો બિયર ખરીદવાના આરોપસર કેસ ચલાવવામાં આવ્યો હતો.
ફરિયાદપક્ષ અનુસાર આર. એલ. લિપ્ટન ડિસ્ટ્રિબ્યુટર્સના કર્મચારી ૩૭ વર્ષના રોનાલ્ડ પેઝુઓલોએ ગયા વર્ષે ઑગસ્ટ અને ઑક્ટોબરની વચ્ચે બિયરની ચોરી કરી હતી અને એ આ બે મૂળ ગુજરાતીઓને વેચી દીધો હતો. બિયરનો અમુક જથ્થો મિસિંગ હોવાનું ડિસ્ટ્રિબ્યુટરના ઑપરેટર્સના ધ્યાનમાં આવ્યું ત્યારે તેમણે પોલીસનો કૉન્ટૅક્ટ કર્યો હતો. જેના પછી બિયરને ટ્રૅક કરવા માટે તપાસ શરૂ કરવામાં આવી હતી. પેઝુઓલોએ ચોરીના આરોપનો સામનો કરવો પડશે, જ્યારે પીયૂષકુમાર અને કેતનકુમારે ચોરીની પ્રૉપર્ટી મેળવવાના આરોપનો સામનો કરવો પડશે.