સરકારને ૧૭ નવેમ્બર સુધી કામકાજ કરવા માટે ભંડોળ પૂરું પાડવા માટેના બિલની તરફેણમાં સેનેટમાં ૮૮ સભ્યોએ મત આપ્યો, જ્યારે નવ સભ્યોએ એની વિરુદ્ધ વોટ આપ્યો

ફાઇલ તસવીર
અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડને શનિવાર રાતની ડેડલાઇનના કલાકો પહેલાં જ સરકારના શટડાઉનને ટાળવા માટે કૉન્ગ્રેસ દ્વારા પસાર કરવામાં આવેલા ટેમ્પરરી બિલ પર મંજૂરીની મહોર મારી હતી. ફેડરલ એજન્સીઓ માટેના ભંડોળને અટકી જવાનો ખતરો હવે ટળી ગયો છે.
સેનેટમાં શનિવારે સાંજે ઓચિંતાં પરિવર્તન જોવા મળ્યું અને શટડાઉનને ટાળવાને લઈને દિવસો સુધી અનિશ્ચિતતા બાદ સરકારને ભંડોળ પૂરું પાડવા માટેના દ્વિપક્ષીય બિલને પસાર કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT
સરકારને ૧૭મી નવેમ્બર સુધી જ કામકાજ કરવા માટે ભંડોળ પૂરું પાડવા માટેના આ બિલની તરફેણમાં સેનેટમાં ૮૮ સભ્યોએ મત આપ્યો હતો, જ્યારે નવ સભ્યોએ એની વિરુદ્ધ વોટ આપ્યો હતો. આ બિલમાં કુદરતી હોનારતોમાં સહાય આપવાની જોગવાઈ સામેલ છે, પરંતુ યુક્રેન માટે વધારાનું ભંડોળ કે બૉર્ડર સિક્યૉરિટી માટેના ભંડોળની જોગવાઈ નથી. એમાં ફેડરલ એવિયેશન ઍડ્મિનિસ્ટ્રેશન કામ કરતું રહે એના માટે પણ ફન્ડની જોગવાઈ છે.
મોટા ભાગના સંસદસભ્યો શટડાઉનને ટાળવા ઇચ્છતા હતા. જોકે અનેક સંસદસભ્યોની મુખ્ય માગણી હતી કે રશિયાના આક્રમણ સામે હવે યુક્રેનને અમેરિકા તરફથી વધુ ભંડોળ ન આપવામાં આવે.
આ પ્રકારની સ્થિતિ જ ન સર્જાવી જોઈએઃ બાઇડન
બાઇડને શનિવારે એક સ્ટેટમેન્ટમાં જણાવ્યું હતું કે ‘સરકાર અને એના વિભાગો સતત કામ કરતા રહે એના માટે અને બિનજરૂરી કટોકટીને નિવારવા માટે હાઉસ અને સેનેટમાં શનિવારે રાતે દ્વિપક્ષીય બહુમતીએ મતદાન કર્યું હતું. આ કટોકટીથી કરોડો મહેનતુ અમેરિકનોને બિનજરૂરી પીડા થઈ શકી હોત.’ છેલ્લી ઘડીએ અધ્ધરશ્વાસે પ્રયાસો કરવા પડ્યા એ બદલ તેમણે હાઉસ રિપબ્લિકન્સની ટીકા કરતાં કહ્યું હતું કે પહેલાં તો આ પ્રકારની સ્થિતિ જ ન સર્જાવી જોઈએ.

