તેમણે કહ્યું હતું કે ‘ભારતમાં ૨૦૦૮માં મુંબઈમાં થયેલા હુમલા બાદ આ આતંકવાદી હુમલામાં સૌથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે`
ગઈ કાલે ન્યુ યૉર્કમાં બોલતાં યોજના પટેલ.
યુનાઇટેડ નેશન્સમાં ભારતનાં નાયબ કાયમી પ્રતિનિધિ રાજદૂત યોજના પટેલે પાકિસ્તાનની પોલ ખોલતાં કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદીઓને ફન્ડિંગ કરનારો દુષ્ટ દેશ છે. તેમણે પહલગામ આતંકવાદી હુમલાને ૨૦૦૮ના મુંબઈ હુમલા પછીનો સૌથી ઘાતક ગણાવ્યો હતો. તેમણે પાકિસ્તાનને આતંકને આશરો આપનારું દુષ્ટ રાષ્ટ્ર ગણાવ્યું છે જે આખા ક્ષેત્રને અસ્થિર કરે છે. તેમણે આ હુમલાના મુદ્દે વૈશ્વિક સમુદાયના મજબૂત, સ્પષ્ટ સમર્થન માટે ઊંડી પ્રશંસા વ્યક્ત કરી હતી.
યોજના પટેલે પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફના એ ઇન્ટરવ્યુનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તેમણે પાકિસ્તાનમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાની વાત સ્વીકારી છે. તેમણે કહ્યું કે જો પ્રધાન જ આ વાતને કબૂલ કરે છે એથી એ જણાવવાની જરૂર નથી કે ત્યાં શું થઈ રહ્યું છે.
ADVERTISEMENT
યુનાઇટેડ નેશન્સ ઑફિસ ઑફ કાઉન્ટર ટેરરિઝમની એક બેઠકમાં યોજના પટેલે પહલગામ આતંકવાદી હુમલાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘ભારતમાં ૨૦૦૮માં મુંબઈમાં થયેલા હુમલા બાદ આ આતંકવાદી હુમલામાં સૌથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. ભારત સીમા પારના આતંકવાદનો શિકાર બન્યું છે, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન આતંકવાદીઓને ટ્રેઇનિંગ આપવાની કબૂલાત કરે છે.’
યોજના પટેલ ન્યુ યૉર્કમાં વિક્ટિમ્સ ઑફ ટેરરિઝમ અસોસિએશન નેટવર્ક (VoTAN) નામના સંગઠનના લૉન્ચિંગના કાર્યક્રમમાં બોલી રહ્યાં હતાં.


