આ ગોલ્ડન ડોમ મિસાઇલ શીલ્ડ સિસ્ટમ તમામ પ્રકારના હુમલાઓથી બચાવશે
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાએ ઇઝરાયલના આયર્ન ડોમની જેમ ગોલ્ડન ડોમ મિસાઇલ શીલ્ડ સિસ્ટમ બનાવવાની યોજના બનાવી છે. આ સિસ્ટમ તમામ પ્રકારના હુમલાઓથી અમેરિકાને બચાવી શકશે. આ સિસ્ટમ તૈયાર કરવા માટે ૧૭૫ અબજ ડૉલર (આશરે ૧૪,૯૮,૨૧૮ કરોડ રૂપિયા)નો ખર્ચ થશે અને એ ૨૦૨૯ સુધીમાં તૈયાર થશે. આ યોજના માટે પહેલા તબક્કા માટે ૨૫ અબજ ડૉલર (આશરે ૨,૧૪,૧૧૭ કરોડ રૂપિયા) ફાળવવામાં આવ્યા છે.
આ સંદર્ભમાં ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘ચૂંટણીપ્રચાર દરમ્યાન મેં અમેરિકાના લોકોને વચન આપ્યું હતું કે હું આપણા દેશને વિદેશી મિસાઇલ-હુમલાના ખતરાથી બચાવવા માટે એક અત્યાધુનિક મિસાઇલ સંરક્ષણ-કવચ બનાવીશ. અમે ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ કવચ વિશે એક ઐતિહાસિક જાહેરાત કરી રહ્યા છીએ. આ એવી વસ્તુ છે જે આપણે ઇચ્છીએ છીએ. અમેરિકાના ૪૦મા પ્રેસિડન્ટ રોનાલ્ડ રેગન ઘણાં વર્ષો પહેલા એ ઇચ્છતા હતા, પરંતુ તેમની પાસે ટેક્નૉલૉજી નહોતી. આપણી પાસે આ ટેક્નૉલૉજી છે.’
ADVERTISEMENT
ગોલ્ડન ડોમ મિસાઇલ શીલ્ડ સિસ્ટમ વિશે જાણકારી આપતાં ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ‘આ સંરક્ષણ-પ્રણાલી લગભગ ૩ વર્ષમાં સક્રિય થઈ શકે છે. આપણા દેશની સફળતા અને અસ્તિત્વ માટે આ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. એક વાર સંપૂર્ણ રીતે બની ગયા પછી એ મિસાઇલોને રોકવામાં સક્ષમ બનશે, પછી ભલે એ વિશ્વના અન્ય ભાગોમાંથી અથવા અવકાશમાંથી છોડવામાં આવે. અમેરિકન સ્પેસ ફોર્સના જનરલ માઇકલ ગુઇટલિન આ યોજનાનું નેતૃત્વ કરશે. કૅનેડાએ એનો ભાગ બનવામાં રસ દર્શાવ્યો છે.’
આ મિસાઇલ-સુરક્ષામાં શું સામેલ હશે?
ગોલ્ડન ડોમ અમેરિકાને હાઇપરસોનિક, બૅલિસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો તેમ જ અન્ય હવાઈ ખતરાથી બચાવવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ મિસાઇલ શીલ્ડ સિસ્ટમ અવકાશ-આધારિત સેન્સર અને ઇન્ટરસેપ્ટરથી સજ્જ છે. એનો હેતુ કોઈ પણ વિદેશી હવાઈ હુમલાને રોકવાનો અને બદલો લેવાની ક્ષમતા વધારવાનો છે. ગોલ્ડન ડોમમાં ગ્રાઉન્ડ-બેઝ્ડ મિડકોર્સ ડિફેન્સ (GMD), એજિસ બૅલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ (Aegis BMD), ટર્મિનલ હાઈ અલ્ટિટ્યુડ એરિયા ડિફેન્સ (THAAD) અને પેટ્રિયટ ઍડ્વાન્સ્ડ કૅપેબિલિટી-3 (PAC-3) મિસાઇલ-સુરક્ષાનો સમાવેશ થશે. ગોલ્ડન ડોમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ જમીન અને અવકાશ બન્ને પર આધારિત હશે. એ ફ્લાઇટના વિવિધ તબક્કામાં મિસાઇલોને શોધવા, ટ્રૅક કરવા અને તોડી પાડવા માટે ડિઝાઇન કરવામાં આવશે. સંભવિત રીતે ટેક-ઑફ પહેલાં એનો નાશ કરી શકે છે અથવા એમને હવામાં અટકાવી શકે છે.’


