વૈજ્ઞાનિકોએ એ પણ શોધી કાઢ્યું છે કે ચંદ્રનો આંતરિક ભાગ એટલે કે ઇનર કોર લગભગ ૫૦૦ કિમી ત્રિજ્યા ધરાવે છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય - AI)
ચંદ્રની લાક્ષણિકતાઓ વિશે વાત કરીએ ત્યારે હવે કદાચ એવું પણ ઉમેરવું પડશે કે એ ધીમે-ધીમે સંકોચાઈ રહ્યો છે. અમેરિકન સ્પેસ એજન્સી નાસાના વૈજ્ઞાનિકોએ એક રિસર્ચના આધારે એવી પુષ્ટિ કરી છે કે ભૂકંપની ગતિવિધિઓને કારણે ચંદ્રની ત્રિજ્યા કરોડો વર્ષોથી સંકોચાઈ રહી છે. વૈજ્ઞાનિકોએ ચંદ્રની સપાટી પર થ્રસ્ટ ફૉલ્ટના ફોટોનો અભ્યાસ કરીને આ તારણ કાઢ્યું હતું. આ ફોટો અપોલોના અવકાશયાત્રીઓ અને તાજેતરમાં નાસાના લુનર રેકોનેસન્સ ઑર્બિટર દ્વારા લેવામાં આવ્યા હતા. હાલમાં ચંદ્રનો અંદરનો ભાગ ૫૦ મીટર એટલે કે ૧૬૪ ફુટ સંકોચાઈ ગયો છે.
વૈજ્ઞાનિકોએ એ પણ શોધી કાઢ્યું છે કે ચંદ્રનો આંતરિક ભાગ એટલે કે ઇનર કોર લગભગ ૫૦૦ કિમી ત્રિજ્યા ધરાવે છે. આ ભાગ બહુ ઠંડો છે અને આજે પણ એમાં દબાણની પ્રક્રિયા ચાલુ છે. આમાં પૃથ્વીના ગુરુત્વાકર્ષણને કારણે ચંદ્ર પર વધતો તણાવ પણ ભાગ ભજવે છે. જોકે આ બાબત ચિંતાજનક નથી એવું વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે. સંકોચનની પ્રક્રિયા અત્યંત ધીમી હોવાથી હાલમાં ચંદ્રના દેખીતા કદમાં કોઈ ફેરફાર નહીં થાય. આ ઉપરાંત પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ સમાન જ રહેશે એટલે પૃથ્વી પર એની નકારાત્મક અસર નહીં થાય.

