ગુજરાતના સુરતની અદાલત દ્વારા રાહુલને બદનક્ષીના કેસમાં દોષી ગણાવવામાં આવ્યાને લગભગ ૨૪ કલાક બાદ શુક્રવારે તેમને લોકસભામાંથી ડિસક્વૉલિફાય કરવામાં આવ્યા હતા

નવી દિલ્હીમાં ગઈ કાલે કૉન્ગ્રેસના મુખ્યાલય ખાતે રાહુલ ગાંધીના માસ્ક પહેરીને વિરોધ કરી રહેલા કૉન્ગ્રેસના કાર્યકરો.
અમેરિકામાં ભારતીય મૂળના પ્રભાવશાળી સંસદસભ્ય રો ખન્નાએ શુક્રવારે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે કૉન્ગ્રેસના સિનિયર નેતા રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ રદ કરવાનો નિર્ણય એ ગાંધીવાદી ફિલોસૉફીની સાથે ઊંડો વિશ્વાસઘાત છે. ગુજરાતના સુરતની અદાલત દ્વારા રાહુલને બદનક્ષીના કેસમાં દોષી ગણાવવામાં આવ્યાને લગભગ ૨૪ કલાક બાદ શુક્રવારે તેમને લોકસભામાંથી ડિસક્વૉલિફાય કરવામાં આવ્યા હતા. હવે રો ખન્નાએ એક ટ્વીટમાં લખ્યું હતું કે ‘રાહુલ ગાંધીનું સંસદસભ્યપદ રદ કરવામાં આવ્યું છે એ ગાંધીવાદી ફિલોસૉફી અને ભારતનાં ઊંડાં મૂલ્યોની સાથે ઊંડો વિશ્વાસઘાત છે. આ એવી સ્થિતિ નથી કે જેના માટે મારા દાદાએ પોતાની જિંદગીનાં અનેક વર્ષનું જેલવાસ ભોગવીને બલિદાન આપ્યું હતું.’ એક અન્ય ટ્વીટમાં ખન્નાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ મામલે હસ્તક્ષેપ કરવાની માગણી કરી હતી.