ગણતરીના દિવસોમાં જ બીજા ભારતીય વિદ્યાર્થીના મોતથી આઘાત: વિવેક સૈનીની જ્યૉર્જિયામાં ડ્રગ્સના બંધાણીએ હથોડી વડે હુમલો કરીને હત્યા કરી હતી
પ્રતીકાત્મક તસવીર
વૉશિંગ્ટન : અમેરિકામાં બે ભારતીય વિદ્યાર્થીનાં મોતના સમાચારથી ભારતીય સમુદાયમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. અમેરિકાના જ્યૉર્જિયામાં હથોડીના ઘા મારીને એક ડ્રગ્સના બંધાણીએ વિવેક સૈની નામના ભારતીય વિદ્યાર્થીની હત્યા કરી હતી. આ વાતના આઘાતમાંથી ભારતીય સમુદાય હજી બહાર નહોતો આવ્યો ત્યાં જ વધુ એક વિદ્યાર્થીના મોતના સમાચાર આવ્યા છે. યુએસની પર્ડ્યુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા નીલ આચાર્ય નામના વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે.
પર્ડ્યુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો ભારતીય વિદ્યાર્થી નીલ આચાર્ય ગુમ હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેના થોડા કલાકો બાદ ટિપ્પેકેનો કાઉન્ટી કૉરોનરની ઑફિસ દ્વારા નીલ આચાર્યના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. રવિવારે સવારે ૧૧.૩૦ વાગ્યે કૉલેજના ઑથોરિટીઝને જાણ કરવામાં આવી કે વેસ્ટ લાફાયેટના ૫૦૦, એલિસન રોડ પર એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. અધિકારીઓએ મૃત વિદ્યાર્થીની ઓળખ નીલ આચાર્ય તરીકે કરી છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે આ ઘટના પહેલાં જ વિવેક સૈની નામના ભારતીય વિદ્યાર્થીની પણ હત્યા થઈ હતી. જ્યૉર્જિયાના લિથોનિયામાં પચીસ વર્ષના એમબીએ ગ્રૅજ્યુએટ વિવેક સૈનીની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ડ્રગ ઍડિક્ટ જુલિયન ફોકનરે કુહાડીના ઘા મારી વિવેકની હત્યા કરી હતી. આ ઘટનાથી અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. વિવેક સૈની એક સ્ટોરમાં પાર્ટ-ટાઇમ ક્લાર્ક તરીકે નોકરી કરતો હતો. તેણે જુલિયનને આશરો આપીને મદદ કરી હતી, પરંતુ તેણે કુહાડીના ઘા મારીને વિવેકને મારી નાખ્યો હતો. આ કાળજું કંપાવી નાખતી ઘટના કૅમેરામાં કેદ થઈ હતી.
ટૂંકા ગાળામાં બે ભારતીય વિદ્યાર્થીઓનાં મોત થઈ જતાં અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયમાં નિરાશા અને ભયનાં વાદળ ઘેરી વળ્યાં છે. તેઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સુરક્ષા વધારવાની અને વધુ સહાય પૂરી પાડવાની માગ કરી રહ્યા છે. કૉન્સ્યુલેટ તરફથી કરવામાં આવેલી મદદ અને ઑથોરિટીઝે લીધેલાં તાત્કાલિક પગલાં પરિસ્થિતિની ગંભીરતા સમજાવે છે. એમ છતાં મૃતકોના પરિવાર અને સમુદાય પર જે અસર થઈ છે એ શબ્દોમાં વર્ણવી શકાય એવી નથી.

