Morocco earthquake : શુક્રવારે રાત્રે 6.8ની તીવ્રતા સાથે ધરતી કંપી હતી. જેના પરિણામે લગભગ 300 લોકોનું મોત નીપજ્યું છે. મોટાભાગની ઇમારતો ભૂકંપને કારણે ધરાશાયી થવાની ઘટનાઓ મારાકેશમાં બની હતી.
ફાઈલ તસવીર
તુર્કસ્તાન પછી ઉત્તર આફ્રિકન દેશ મોરોક્કોમાં ધરતીકંપ (Morocco Earthquake) થયો છે. અહીં થયેલા ભૂકંપને કારણે આ મોટો વિસ્તાર તમામ રીતે હચમચી ગયો છે. આ ધરતીકંપને (Morocco Earthquake) કારણે 300 જેટલા લોકોના મૃત્યુ થઈ ગયા છે. વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. અને કાટમાળ નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે.
શુક્રવારે રાત્રે મોરોક્કોમાં 6.8ની તીવ્રતા સાથેનો ભૂકંપ (Morocco Earthquake) આવ્યો હતો. જેના પરિણામે લગભગ 300 લોકોનું મોત નીપજ્યું છે. આ સાથે જ અનેક રહેવાસીઓને બહાર રસ્તા ઉપર જ આખી રાત વિતાવવી પડી હતી. યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) એ અહેવાલ આપ્યો છે કે આ ભૂકંપ ઉત્તર આફ્રિકાના આ પ્રદેશને નષ્ટ કરી નાખે તેટલો શક્તિશાળી છે.
ADVERTISEMENT
મોરોક્કોની ઉચ્ચ એટલાસ પર્વતમાળામાં રાત્રે 11 વાગ્યાના સમયે ભૂકંપ આવ્યો હતો. મળતી માહિતી અનુસાર ભૂકંપનું કેન્દ્ર લગભગ 840,000ની વસ્તી ધરાવતું શહેર અને પ્રખ્યાત પ્રવાસન સ્થળ મારાકેશથી લગભગ 72 કિલોમીટર (44.7 માઇલ) દક્ષિણપશ્ચિમમાં આવેલું હતું.
મોરોક્કોમાં ભારતીય સમય પ્રમાણે જોઈએ તો વહેલી સવારે 3:41 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર ઉત્તર આફ્રિકામાં છેલ્લા 120 વર્ષમાં આવેલો આ સૌથી શક્તિશાળી ભૂકંપ છે. યુએસજીએસ કહે છે કે 1900થી 500 કિમીની અંદર M6 અથવા તેનાથી વધુનો કોઈ ભૂકંપ આવ્યો નથી. અહીં M-5 સ્તરના માત્ર 9 ભૂકંપ નોંધાયા છે.
અહીંના રહેવાસીઓ જણાવી રહ્યા છે કે ભૂકંપના કારણે ઘણી જૂની ઈમારતો ધરાશાયી થઈ ગઈ છે. લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. અને જ્યારે ભૂકંપ થયો ત્યારે લોકો ડરના માર્યા આસપાસ ભાગવા લાગ્યા હતા. અને અહીં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભૂકંપની તીવ્રતા બતાવતા અનેક ફોટા અને વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને શૅર કરવામાં આવી રહ્યા છે.
મોટાભાગની ઇમારતો ભૂકંપને (Morocco Earthquake) કારણે ધરાશાયી થવાની ઘટનાઓ મારાકેશમાં બની હતી. વહીવટીતંત્રની સાથે નાગરિકોએ પણ ધરાશાયી થયેલી ઈમારતોનો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી દીધી છે. શહેરની પ્રખ્યાત લાલ દિવાલના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવ્યા છે. જેમાં એક ભાગમાં મોટી તિરાડો અને તેના કેટલાક ભાગો તૂટી પડતા અને તેનો કાટમાળ રસ્તા પર પડેલો જોવા મળી રહ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મોરોક્કોમાં થયેલા ભૂકંપ (Morocco Earthquake)માં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું હતું કે, "મોરોક્કોમાં ભૂકંપના કારણે મોટી જાનહાનિ થઈ છે. આ સમાચાર સાંભળીને અમને ખૂબ જ દુઃખ થયું છે. અમે આ દુઃખદ અવસર પર મોરોક્કોમાં પોતાના પરિવારોને ગુમાવનારા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. આ મુશ્કેલ સમયમાં મોરોક્કોને તેની શ્રેષ્ઠ શક્ય રીતે મદદ કરવા માટે ભારત તૈયાર છે.”


