હૉલીવુડ ઍક્ટ્રેસ મેરિલ સ્ટ્રીપે યુનાઇટેડ નેશન્સની એક ઇવેન્ટમાં કહ્યું હતું કે ‘અફઘાનિસ્તાનમાં એક છોકરીને ખિસકોલી કરતાં અને એક બિલાડીને મહિલા કરતાં વધારે આઝાદી મળે છે
હૉલીવુડ ઍક્ટ્રેસ મેરિલ સ્ટ્રીપ
૭૫ વર્ષની હૉલીવુડ ઍક્ટ્રેસ મેરિલ સ્ટ્રીપે યુનાઇટેડ નેશન્સની એક ઇવેન્ટમાં કહ્યું હતું કે ‘અફઘાનિસ્તાનમાં એક છોકરીને ખિસકોલી કરતાં અને એક બિલાડીને મહિલા કરતાં વધારે આઝાદી મળે છે. તાલિબાનના શાસનમાં મહિલાઓની બદતર સ્થિતિમાંથી બહાર કાઢવા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયે પગલાં લેવાની જરૂર છે.’
અફઘાનિસ્તાનની મહિલાઓના અધિકારો માટે કામ કરવા નાણાં એકઠાં કરવાની ઇવેન્ટમાં બોલતાં મેરિલ સ્ટ્રીપે કહ્યું હતું કે ‘એક પક્ષી કાબુલમાં ગાઈ શકે છે, પણ મહિલાઓ અને છોકરીઓ આમ કરી શકતી નથી. આ આઘાતમાં મૂકે એવી બાબત છે. કાબુલમાં બિલાડી ક્યાંય પણ જઈ શકે છે, ચાહે ત્યાં બેસી શકે છે અને સૂરજનાં કિરણોમાં એના ચહેરાને ખુલ્લો મૂકી શકે છે, બગીચામાં ખિસકોલી પાછળ દોડી શકે છે. છોકરીઓ કરતાં એક ખિસકોલીને અફઘાનિસ્તાનમાં વધારે સ્વતંત્રતા છે, કારણ કે જાહેર બગીચા મહિલાઓ અને છોકરીઓ માટે બંધ કરી દેવામાં આવ્યા છે.’
ગયા મહિને તાલિબાન શાસને મહિલાઓ માટે નૈતિકતાના નવા નિયમો જાહેર કર્યા છે. એમાં મહિલા કે છોકરીઓ જાહેરમાં જઈ શકતી નથી, વાત કરી શકતી નથી, સગાં સિવાય કોઈ પુરુષ સાથે આંખ મિલાવીને વાત કરી શકતી નથી. મહિલાઓએ આખો ચહેરો ઢાંકીને રાખવો પડે છે. તેમને સ્કૂલ, પાર્ક, જિમ્નેશિયમ કે કેટલાંક સ્થળે કામ કરવા જવાની છૂટ નથી.
તાલિબાને આપ્યો જવાબ
અફઘાનિસ્તાનની મહિલાઓની બિલાડી સાથે સરખામણીના મુદ્દે તાલિબાન પ્રવક્તા સુહેલ શાહીને જવાબ આપતાં કહ્યું હતું કે ‘અમે મહિલાઓને માતા, બહેન અને પત્ની તરીકેની ભૂમિકામાં ખૂબ માન આપીએ છીએ, પણ અમે તેમની સરખામણી બિલાડી સાથે કરી શકતા નથી. હાલમાં અનેક મહિલાઓ બિઝનેસ કરે છે કે અમારી સરકારમાં કામ કરે છે. મહિલાઓ પર મૂકવામાં આવેલા પ્રતિબંધ ઇસ્લામિક શરિયા કાયદાના આધારે છે.’