અમેરિકન પ્રેસિડન્ટે કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ નજીકના ભવિષ્યમાં બંધ થશે
યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કી ફ્લોરિડામાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને મળ્યા હતા
યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કી ફ્લોરિડામાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પને મળ્યા હતા અને આ બેઠક બાદ ટ્રમ્પે જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન યુદ્ધ બંધ થવાની ખૂબ નજીક છે. બીજી તરફ ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે સુરક્ષા-ગૅરન્ટી પર ડીલ ફાઇનલ થઈ છે.
ફ્લોરિડામાં ડોનલ્ડ ટ્રમ્પના માર-અ-લાગો રિસૉર્ટમાં બન્ને નેતાઓ વચ્ચે રવિવારે ૩ કલાકની બેઠક યોજાઈ હતી. બેઠક બાદ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે યુક્રેનના પ્રેસિડન્ટ વોલોદિમીર ઝેલેન્સ્કી સાથે કરાર પર પહોંચવાની ખૂબ નજીક છે; કેટલાક મુદ્દાઓ પર ચર્ચા થવાની બાકી છે, વાતચીત સફળ થશે કે નહીં એ થોડાં અઠવાડિયાંમાં જાણી શકાશે.
ટ્રમ્પ અને ઝેલેન્સ્કીએ યુક્રેન માટે સુરક્ષા-ગૅરન્ટી અને ડોનબાસ ક્ષેત્રના વિભાજન પર પ્રગતિ વિશે વાત કરી હતી, પરંતુ કરાર માટે કોઈ નક્કર વિગતો અથવા સમયમર્યાદા આપી નહોતી. પૂર્વીય યુક્રેનમાં વિવાદિત ડોનબાસ ક્ષેત્રનું ભવિષ્ય એક મુખ્ય વણઉકેલાયેલો મુદ્દો છે.
ADVERTISEMENT
બીજી તરફ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે યુક્રેન માટે સુરક્ષા-ગૅરન્ટી પર કરાર થઈ ગયો છે. જોકે ટ્રમ્પે ઉમેર્યું હતું કે કરાર પર લગભગ ૯૫ ટકા સહમતી બની ગઈ છે અને યુરોપિયન દેશો એનો મોટો ભાગ સંભાળશે અને એમાં અમેરિકાનું સમર્થન રહેશે.
ટ્રમ્પના હાથ પર લાગેલા મેકઅપે ફરી તેમની બીમારી વિશે ચર્ચા જગાવી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીની મુલાકાત આ વખતે ટ્રમ્પના ફ્લોરિડાના ઘરે થઈ હતી. બેઠક પછી બન્ને નેતાઓ જ્યારે સાથે બહાર આવ્યા એ વખતે ટ્રમ્પના હાથ પર ફરીથી મોટો મેકઅપનો પૅચ જોવા મળ્યો હતો. એવું લાગતું હતું કે હાથના ઘા કે ડાઘ છુપાવવા માટે મોટી માત્રામાં કન્સીલર વાપરવામાં આવ્યું હોય. એ તસવીરો પછી ટ્રમ્પ પોતાની બીમારી છુપાવી રહ્યા હોવાનો ગણગણાટ શરૂ થતાં ફરીથી વાઇટ હાઉસે એ જ જૂનો ચવાયેલો જવાબ આપ્યો હતો કે રાષ્ટ્રપતિ લગાતાર લોકોને મળતા રહે છે અને રોજ ઍસ્પિરિન પણ લે છે અને એને કારણે તેમના હાથ પણ ભૂરું નિશાન બની જતું હશે.
યુક્રેને પુતિનના ઘર તરફ ૯૧ ડ્રોન મોકલ્યાં હોવાનો રશિયાનો દાવો
એક તરફ શાંતિવાર્તા ચાલી રહી છે અને બીજી તરફ છેલ્લા ૩ દિવસથી રશિયા યુક્રેન પર ભીષણ હુમલા કરી રહ્યું છે. ગઈ કાલે રશિયાના વિદેશપ્રધાન સર્ગેઈ લાવરોવે કહ્યું હતું કે ‘યુક્રેને પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનના ઑફિશ્યલ ઘર પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો છે એટલે મોસ્કોની પીસ-ડીલની વાટાઘાટો હવે બદલાશે. યુક્રેને લૉન્ગ-રેન્જ ૯૧ ડ્રોન પુતિનના ઘર તરફ મોકલ્યાં છે. આવાં બેજવાબદાર કૃત્યોને જરૂર એવો જ જવાબ મળશે.’ જ્યારે આ હુમલો કરવામાં આવ્યો ત્યારે પુતિન ઘરે હતા કે નહીં એ બાબતે કોઈ સ્પષ્ટતા નથી થઈ.


