જપાનની સરકારે લોકોના જીવનમાં વર્ક-લાઇફ બૅલૅન્સ આવે એ માટે ‘ફોર ડેઝ વર્ક વીક’નું અભિયાન શરૂ કર્યું
પ્રતીકાત્મક તસવીર
જૅપનીઝ લોકો ખૂબ હાર્ડવર્કિંગ હોય છે. એટલી હદે હાર્ડવર્કિંગ કે તેઓ જીવનના છેલ્લા દિવસો પહેલાં સુધી કામ કરતા જ રહે છે. જોકે હવે જૅપનીઝ સરકારે વર્કિંગ ડેઝ ઘટાડીને ચાર કરી દેવા જોઈએ એવું સૂચન કર્યું છે. આમ તો આવો વિચાર પહેલી વાર ૨૦૨૧માં રજૂ થયો હતો જેને લોકોએ ધીમે-ધીમે સ્વીકારવાનું શરૂ કર્યું હતું. જપાનની લગભગ ૮ ટકા કંપનીઓમાં વીકમાં લગભગ ૩ દિવસની છુટ્ટી હોય છે, પરંતુ હજી મોટા ભાગની કંપનીઓ પાંચ વર્કિંગ ડેઝનો શિરસ્તો પાળે છે છતાં જૅપનીઝ સરકારે વર્ક-લાઇફ બૅલૅન્સ કરવા માટે ઓછા વર્કિંગ ડેઝ કરવાનો તમામ કંપનીઓને નિર્દેશ કર્યો છે.
હવે જપાનની સરકારે લોકોના જીવનમાં વર્ક-લાઇફ બૅલૅન્સ આવે એ માટે ‘ફોર ડેઝ વર્ક વીક’નું અભિયાન શરૂ કર્યું છે. આ સંદર્ભે અહીંની કૉર્પોરેટ કંપનીઓમાં સર્વે પણ આદરવામાં આવેલો. જોકે અહીંના લોકોને કામ કરવાનું એટલું વ્યસન થઈ ગયું છે કે કર્મચારીઓ પોતે જ વધુ રજા મળે એવું નથી ઇચ્છતા. વર્લ્ડ વૉર-ટૂ પછી આવેલા આર્થિક સંકટમાંથી ઊગરવા માટે રાતદિવસ જોયા વિના કામ કરવાનું કલ્ચર અપનાવી લેનારા જૅપનીઝોના લોહીમાં જ હવે વર્કોહૉલિક નેચર વણાઈ ગયો છે.

