ઇઝરાયલના લશ્કરે અલ શિફા હૉસ્પિટલના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ બહાર પાડી કર્યો દાવો

યુદ્ધની ફાઇલ તસવીર
હમાસના આતંકવાદીઓ ગઈ ૭ ઑક્ટોબરે ઇઝરાયલ પર હુમલા બાદ ઘણા લોકોને બંદી બનાવીને લઈ ગયા હતા, જેમાંના કેટલાકને ગાઝા શહેરમાં આવેલી અલ શિફા હૉસ્પિટલમાં લાવવામાં આવ્યા હોવાનો દાવો ઇઝરાયલના લશ્કરે એક સીસીટીવી ફુટેજ બહાર પાડીને કર્યો હતો, જેમાં એક વિડિયો ક્લિપમાં સાતમી ઑક્ટોબરનો સવારનો ૧૦.૫૩નો સમય બતાવે છે, જેમાં બ્લુ શર્ટ અને શૉર્ટ પહેરેલી એક વ્યક્તિને પાંચ લોકો ઘસડીને અંદર લાવે છે. અન્ય ક્લિપમાં ૧૦.૫૫નો સમય દેખાડે છે, જેમાં એક ઈજાગ્રસ્ત વ્યક્તિ માત્ર અન્ડરવેઅરમાં વ્હીલચૅરમાં છે, જેને ૭ લોકો અંદર લઈને આવે છે. ઇઝરાયલ મીડિયાએ કરેલા દાવા મુજબ આ નેપાલ અને થાઇલૅન્ડના નાગરિકો છે, જેમને હમાસના આતંકવાદીઓ ઇઝરાયલમાંથી લઈ આવ્યા હતા.
હૉસ્પિટલમાં ટનલ
ADVERTISEMENT
ઇઝરાયલના લશ્કરે રવિવારે એક ટનલનો વિડિયો બહાર પાડ્યો હતો અને જણાવ્યું હતું કે શિફા હૉસ્પિટલમાં આ એક ટનલ છે જેનો ઉપયોગ હમાસના આતંકવાદીઓ કરતા હતા. હમાસે જોકે આ વાતને રદિયો આપતાં આને એક હૉસ્પિટલ માટે જરૂરી સુવિધા ગણાવી હતી. ઇઝરાયલના જણાવ્યા પ્રમાણે આ ટનલ ૧૦ મીટર ઊંડી છે અને એ છેક ૫૫ મીટર સુધી જાય છે તથા એ બ્લાસ્ટ-પ્રૂફ દરવાજો ધરાવે છે.

