હારોલ્ડ ડી’સૂઝાને 2015માં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ‘યુનાઇટેડ સ્ટેટ્સ એડવાઇઝરી કાઉન્સિલ ઓન હ્યુમન ટ્રાફિકીંગ’ના સભ્ય તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યાર બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમને આ કાઉન્સિલમાં ફરી નિયુક્ત કર્યા હતા.
આ સન્માન અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ હેઠળની CTIP ઑફિસનાં ડિરેક્ટર લિન્ડા કે. ડિક્સને અર્પણ કર્યું હતું.
શ્રમિક શોષણ, દેવાની ગુલામી અને જાનથી મારી નાખવાની ધમકીઓનો સામનો કરી ચૂકેલા ભારતીય મૂળના હારોલ્ડ ડી’સૂઝાનું અમેરિકાના સંરક્ષણ મંત્રાલય દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. 30 જુલાઈએ પેન્ટાગોન ખાતે યોજાયેલા ‘Combating Trafficking in Persons’ (CTIP) કાર્યક્રમમાં માનવ તસ્કરી સામેની તેમની કામગીરી અને સર્વાઈવર-કેન્દ્રિત હિમાયતને બિરદાવવામાં આવી હતી. આ સન્માન અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ ડિફેન્સ હેઠળની CTIP ઑફિસનાં ડિરેક્ટર લિન્ડા કે. ડિક્સને અર્પણ કર્યું હતું. માનવ તસ્કરીમાંથી બચી નીકળેલા લોકોના સશક્તીકરણ, વૈશ્વિક સ્તરે જાગૃતિ ફેલાવવા અને નીતિ-ઘડતરમાં સર્વાઈવર્સના અનુભવોને સ્થાન અપાવવા બદલ ડી’સૂઝાની કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી.
પીડાને બનાવી પરિવર્તનની શક્તિ
ADVERTISEMENT
એક સમયે અમેરિકામાં શ્રમિક તસ્કરી અને આધુનિક ગુલામીનો ભોગ બનેલા હારોલ્ડ ડી’સૂઝાએ પોતાના કડવા અનુભવોને માનવ તસ્કરી સામેની લડતનું માધ્યમ બનાવ્યા. તેમણે પત્ની ડાન્સી ડી’સૂઝા સાથે મળીને નોન પ્રોફિટ સંસ્થા ‘Eyes Open International’ (EOI)ની સ્થાપના કરી. આ સંસ્થા માનવ તસ્કરી અટકાવવા, લોકોમાં જાગૃતિ ફેલાવવા અને પીડિતોને જીવન ફરી શરૂ કરવામાં મદદ કરવા માટે કાર્ય કરે છે. હારોલ્ડ ડી’સૂઝાને 2015માં તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ‘યુનાઇટેડ સ્ટેટ્સ એડવાઇઝરી કાઉન્સિલ ઓન હ્યુમન ટ્રાફિકીંગ’ના સભ્ય તરીકે નિયુક્ત કર્યા હતા. ત્યાર બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેમને આ કાઉન્સિલમાં ફરી નિયુક્ત કર્યા હતા. 2023માં ન્યૂ યૉર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે યોજાયેલી 17મી ઇન્ટરનૅશનલ હ્યુમન રાઇટ્સ સમિટ દરમિયાન તેમને ‘હ્યુમન રાઇટ્સ હીરો એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
હારોલ્ડની સફર પર બનશે ફિલ્મ
હારોલ્ડ ડી’સૂઝા વિશ્વભરના નીતિનિર્માતાઓ, સૈન્ય અધિકારીઓ, શિક્ષણવિદો અને વિદ્યાર્થીઓ સમક્ષ માનવ તસ્કરી, સર્વાઈવર્સના અધિકારો અને માનવ ગૌરવ વિશે પોતાના અનુભવો રજૂ કરતા રહ્યા છે. તેમની જીવનયાત્રાને મોટા પડદા સુધી પહોંચાડવા માટે બૉલીવુડ અને હૉલીવુડમાં ફિલ્મ પ્રોજેક્ટ્સ પર કામ ચાલી રહ્યું હોવાનું જણાવાયું છે. તેમની સફર એ વાતનું ઉદાહરણ છે કે માનવ તસ્કરીમાંથી બચી નીકળેલા લોકો માત્ર પોતાની જિંદગી ફરી બેઠી કરી શકે છે એટલું જ નહીં, પરંતુ પોતાના અનુભવો દ્વારા નીતિ અને સમાજમાં પરિવર્તન પણ લાવી શકે છે. હારોલ્ડ ડી’સૂઝા માને છે કે માનવ તસ્કરી સામે અસરકારક લડત ચલાવવા માટે કાયદા અને નીતિઓની સાથે સર્વાઈવર્સના અનુભવોને પણ મહત્ત્વ આપવું જરૂરી છે. પીડિત વ્યક્તિ કઈ પરિસ્થિતિમાં ફસાય છે, તેને બહાર નીકળવામાં કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને પુનર્વસન દરમિયાન કેવા સહયોગની જરૂર રહે છે, આ બાબતો સર્વાઈવર્સ વધુ સારી રીતે સમજાવી શકે છે. તેથી તેઓ વિવિધ દેશોમાં જાગૃતિ કાર્યક્રમો, તાલીમ સત્રો અને નીતિવિષયક ચર્ચાઓમાં ભાગ લે છે. તેમનું કાર્ય માનવ તસ્કરીને માત્ર ગુનો નહીં, પરંતુ માનવ અધિકાર અને ગૌરવ સાથે જોડાયેલા ગંભીર વૈશ્વિક પ્રશ્ન તરીકે સમજવા પર ભાર મૂકે છે.
