પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રોવિન્સમાં ગઈ કાલે એક મસ્જિદ પાસે સુસાઇડ બ્લાસ્ટમાં પંચાવનથી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ૧૩૦થી વધારે લોકોને ઈજા થઈ હતી.
પાકિસ્તાનમાં મસ્જિદ પાસે બ્લાસ્ટમાં પંચાવનનાં મોત
કરાચીઃ પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રોવિન્સમાં ગઈ કાલે એક મસ્જિદ પાસે સુસાઇડ બ્લાસ્ટમાં પંચાવનથી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ૧૩૦થી વધારે લોકોને ઈજા થઈ હતી. પયગંબર મોહમ્મદના જન્મદિવસને સેલિબ્રેટ કરવા માટે એક રૅલીમાં લોકો એકત્ર થયા હતા ત્યારે આ બ્લાસ્ટ થયો હતો. મસ્તુંગ જિલ્લામાં મદીના મસ્જિદની પાસે આ બ્લાસ્ટ થયો હતો.
મસ્તુંગના ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નવાઝ ગશકોરી પણ મૃત્યુ પામનારાઓમાં સામેલ હતા. તેમને આ રૅલીમાં સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી.
પયગંબર મોહમ્મદની જન્મજયંતી, ઈદ મિલાદુન નબીની ઉજવણી માટે લોકો એકત્ર થયા હતા ત્યારે આ વિસ્ફોટ થયો હતો.
સિટી સ્ટેશન હાઉસ ઑફિસર મોહમ્મદ જાવેદ લેહરીએ કહ્યું હતું કે આ વિસ્ફોટ ‘સુસાઇડ બ્લાસ્ટ’ હતો. બૉમ્બરે ડેપ્યુટી પોલીસ સુપરિન્ટેડેન્ટની કારની બાજુમાં વિસ્ફોટ કર્યો હતો.
ખૈબર પખ્તુનખ્વામાં પણ બ્લાસ્ટ
બલૂચિસ્તાન પ્રોવિન્સમાં સુસાઇડ બ્લાસ્ટ થયો એના કલાકોમાં જ ગઈ કાલે પાકિસ્તાનમાં બીજો એક બ્લાસ્ટ થયો હતો. ખૈબર પખ્તુનખ્વા પ્રોવિન્સમાં એક મસ્જિદમાં આ બીજો બ્લાસ્ટ થયો હતો. હેન્ગુ જિલ્લામાં મસ્જિદમાં થયેલા બ્લાસ્ટમાં ઓછામાં ઓછા ચાર જણનાં મોત થયાં હતાં.


