ભારત સૈદ્ધાંતિક રીતે દુનિયાના હિતમાં વિચારતું હોવાની છબિને કારણે ડેન્માર્કને લાગે છે કે ભારતનો સપોર્ટ જ એક આશા છે
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ જબરદસ્તીથી ગ્રીનલૅન્ડ પર કબજો જમાવવા માગે છે. રશિયા અને ચીનથી ખતરાનો જૂઠો તર્ક આપે છે અને ગ્રીનલૅન્ડની જનતાને ડૉલરની લાલચ આપીને લોભાવવાની કોશિશ કરી રહ્યા હોવાથી ડેન્માર્કમાં ખળભળાટ મચી ગયો છે. ગ્રીનલૅન્ડ આર્કટિક મહાસાગરમાં સ્ટ્રૅટેજિક સ્થળે આવેલો ટાપુ છે અને ડેન્માર્કનું સેમી-ઑટોનોમસ ક્ષેત્ર છે જે દુર્લભ ખનિજ સંસાધનોથી ભરપૂર છે.
વેનેઝુએલામાં સૈન્યની કાર્યવાહી કર્યા પછી ટ્રમ્પે ગ્રીનલૅન્ડ પર દબાણ વધારતાં કહ્યું હતું કે જો ડેન્માર્ક પ્રેમથી માનશે તો ઠીક, બાકી અમેરિકા જબરદસ્તીથી ટાપુ પર કબજો કરશે. આ ધમકી સામે ડેન્માર્કના રક્ષા સમિતિના અધ્યક્ષ અને સંસદસભ્ય રાસ્મસ જાર્લોવે એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પના દાવાઓની ટીકા કરીને કહ્યું હતું કે ‘ડેન્માર્ક ક્યારેય ગ્રીનલૅન્ડ હૅન્ડઓવર કરશે નહીં. અમેરિકા પરમાણુ હથિયારોની ધમકી આપશે તો પણ નહીં. આ હું છાતી ફુલાવીને સખત થવા માટે નથી કહી રહ્યો. અમે નાના છીએ અને અમેરિકાનો સામનો નથી કરી શકવાના એ જાણવા છતાં અમે કોઈ પણ હાલતમાં એવું નહીં કરવા દઈએ.’
ADVERTISEMENT
ઇન્ટરવ્યુમાં ડેન્માર્કના નેતાએ ભારત પાસેથી ઊંચી આશાઓ હોવાનું જણાવીને કહ્યું હતું કે ‘ગ્રીનલૅન્ડ ભારતથી બહુ દૂર છે, પરંતુ અહીં બહુ જ મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતો દાવ પર લાગેલા છે. શું ભારત એ સ્વીકારશે કે કોઈ વિદેશી તાકાત તેમના કોઈ વિસ્તાર પર સૈન્યબળથી કે સ્થાનિક લોકોને લાંચ આપીને કબજો કરવાની કોશિશ કરે? મને લાગે છે કે ભારત આવી હરકત પર બહુ નારાજ થશે અને દરેક દેશે થવું જ જોઈએ. એટલે જ હું આશા કરું છું કે ભારત અમારો સાથ આપશે, કેમ કે એ આખી દુનિયાના હિતમાં છે. જો આપણે બીજા દેશો પરના કબજાને આમ નૉર્મલ કરી દઈશું તો કોઈ પણ દેશ કોઈ પણ વિસ્તાર પર કબજો કરવા જશે અને દુનિયામાં અરાજકતા ફેલાશે.’


