છેલ્લાં ત્રણ અઠવાડિયાંમાં હિન્દુ અલ્પસંખ્યકો વિરુદ્ધ હિંસાની આ પાંચમી ઘટના છે
રાણા પ્રતાપ બૈરાગી
બંગલાદેશમાં હિન્દુ સમુદાય પર હુમલાનો સિલસિલો અટકી જ નથી રહ્યો. સોમવારે બંગલાદેશના મોનિરામપુરના કપાલિયા બજારમાં સાંજે ૫.૪૫ વાગ્યે હુમલાખોરોએ રાણા પ્રતાપ બૈરાગી પર અચાનક જ ગોળીઓ ચલાવી દીધી હતી. ગોળીબારમાં રાણા પ્રતાપનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. ૪૫ વર્ષના રાણા પ્રતાપ હિન્દુ બિઝનેસમૅન હતા અને બંગલાદેશમાં આઇસ ફૅક્ટરી ચલાવતા હતા. તેઓ ‘બીડી ખોબોર’ નામના એક દૈનિક વર્તમાનપત્રના કાર્યકારી તંત્રી તરીકે કામ કરી ચૂક્યા હતા. રાણા પ્રતાપ બજારમાં કામસર ગયા હતા અને તેમના પર અચાનક ગોળીઓ ચલાવવામાં આવતાં લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસના કહેવા મુજબ હજી સુધી હુમલાખોર કોણ હતો એની ઓળખ નથી થઈ શકી.
છેલ્લાં ત્રણ અઠવાડિયાંમાં હિન્દુ અલ્પસંખ્યકો વિરુદ્ધ હિંસાની આ પાંચમી ઘટના છે. હિન્દુઓ પરના હુમલાને બંગલાદેશની સરકાર સામાન્ય ગુનાઓની ઘટના ગણાવી રહી છે. જોકે શેખ હસીનાની સરકારના પતન પછી બનેલી વચગાળાની સરકારમાં કટ્ટરપંથી તત્ત્વો વધુ સક્રિય થઈ ગયાં છે.
ADVERTISEMENT
બંગલાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારની ચરમસીમા- વિધવા મહિલા પર ગૅન્ગરેપ કર્યા પછી વૃક્ષ સાથે બાંધીને વાળ કાપ્યા
બંગલાદેશમાં હિન્દુઓ પર રાક્ષસી અત્યાચાર કરવાની ઘટના દિનપ્રતિદિન વધુ ડરામણી થઈ રહી છે. હિન્દુઓની નિર્મમ હત્યા પછી હવે એક મહિલા સાથે હેવાનિયતની ઘટના સામે આવી છે. બંગલાદેશના ઝેનૈદાહ જિલ્લાના કલિગંજમાં ૪૦ વર્ષની એક હિન્દુ મહિલા પર બે પુરુષોએ ગૅન્ગરેપ કર્યો હતો અને પછી તેને ઝાડ સાથે બાંધીને તેના વાળ કાપી નાખ્યા હતા. પીડિત મહિલાના પતિનું મૃત્યુ થઈ ચૂક્યું છે અને તે બાળક સાથે એકલી રહે છે. પીડિત મહિલાએ અઢી વર્ષ પહેલાં આ વિસ્તારમાં ૨૦ લાખ રૂપિયામાં જમીન અને બે માળનું મકાન ખરીદ્યાં હતાં. જેની પાસેથી આ મિલકત ખરીદી હતી તેણે જ ઘરમાં ઘૂસીને એક દોસ્તની સાથે મળીને રેપ કર્યો હતો. મહિલાએ બૂમો પાડી તો તેને ઘરની બહારના એક ઝાડ સાથે બાંધીને તેના વાળ કાપી નાખ્યા હતા અને મારપીટ કરી હતી. આરોપીઓએ આ ઘટનાનો વિડિયો બનાવીને સોશ્યલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો. મહિલા બેહોશ થઈ ગયા પછી સ્થાનિક લોકોએ તેને હૉસ્પિટલમાં ભરતી કરી હતી.


