એક અશ્વેત યુવકને લાત-મુક્કા મારીને મારી નાખવામાં આવ્યો, ક્રૂરતા આચરનારા સ્કૉર્પિયન યુનિટના પોલીસ-ઑફિસર્સ પણ અશ્વેત હતા

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક
વૉશિંગ્ટન : અમેરિકાના ટેનેસી રાજ્યની પોલીસે ૨૯ વર્ષના અશ્વેત યુવક ટાયર નિકોલસને ક્રૂરતાપૂર્વક માર માર્યો હોવાનાં ફુટેજ બહાર આવતાં અમેરિકા સહિત દુનિયાના અનેક દેશો ચોંકી ગયા છે. ચોંકાવનારી વાત એ છે કે તેને ક્રૂરતાપૂર્વક માર મારનારા પાંચ પોલીસ-ઑફિસર્સ પણ અશ્વેત જ હતા. આ ઘટના સાતમી જાન્યુઆરીની છે, પરંતુ એનાં ફુટેજને શુક્રવારે રાતે જાહેર કરાયાં હતાં, જેમાં જોવા મળ્યું હતું કે નિકોલસને ટ્રાફિકના નિયમના ભંગ બદલ રોકવામાં આવ્યો હતો. આ પાંચ ઑફિસર્સે નિકોલસને મુક્કા અને લાતો મારી હતી. નિકોલસને માર મારવામાં આવ્યો એના ત્રણ દિવસ બાદ હૉસ્પિટલમાં તેનું મૃત્યુ થયું હતું. નિકોલસ પર ક્રૂરતા આચરનારા કેટલાક ઑફિસર્સ મેમ્ફિસ પોલીસના સ્પેશ્યલાઇઝ્ડ યુનિટ સ્કૉર્પિયનનો ભાગ હતા. આ ટાસ્ક ફોર્સ ખૂબ આક્રમક છે.

