મૃત્યુ પામનારાઓના પરિવારજનો માટેનું વળતર ચાર લાખથી વધારીને ઓછામાં ઓછા ૧૦ લાખ રૂપિયા કરવા જણાવ્યું

મોરબીના પીડિતોને વળતર મુદ્દે ગુજરાત હાઈ કોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી
અમદાવાદ ઃ ગુજરાત હાઈ કોર્ટે ગઈ કાલે જણાવ્યું હતું કે મોરબી બ્રિજ હોનારતના પીડિતો માટે જાહેર કરવામાં આવેલું વળતર પૂરતું નથી. અદાલતે રાજ્ય સરકારને વળતરની રકમ વધારવા જણાવ્યું છે.
૩૦ ઑક્ટોબરે અંગ્રેજોના જમાનાનો બ્રિજ તૂટી પડતાં ૧૪૧ વ્યક્તિઓનાં મોત થયાં હતાં.
રાજ્ય સરકારે આ દુર્ઘટનામાં મૃત્યુ પામનારાઓના પરિવારજનોને ચાર લાખ રૂપિયા તેમ જ ઈજાગ્રસ્તોને ૫૦,૦૦૦ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. એ સિવાય માતા-પિતા ગુમાવનારાં બાળકોને દર મહિને ૩૦૦૦ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
જોકે હાઈ કોર્ટે ગઈ કાલે જણાવ્યું હતું કે ‘મરનારના પરિવારને ઓછામાં ઓછા ૧૦ લાખ રૂપિયાનું વળતર આપવું જોઈએ. મરનારના પરિવારજનોને અને ગંભીર રીતે ઈજાગ્રસ્તો માટેનું પ્રસ્તાવિત વળતર ખૂબ જ ઓછું છે. વળતર વાસ્તવિક હોવું જોઈએ. અમને આશા છે કે એ વધારવામાં આવશે.’
બાળકો માટેના વળતર વિશે અદાલતે જણાવ્યું હતું કે આ રકમ અપૂરતી છે. આટલી રકમ તો પુસ્તકો અને સ્કૂલ યુનિફૉર્મ ખરીદવામાં જ ખર્ચાઈ જશે. આ દુર્ઘટનાના કારણે સાત બાળકો અનાથ બન્યાં છે, જ્યારે ૧૨ બાળકોએ માતા અથવા પિતા ગુમાવ્યાં છે.
હાઈ કોર્ટે એ પણ નોંધ્યું હતું કે મોરબીના મ્યુનિસિપલ કૉર્પોરેશનને ટિકિટની કિંમત તેમ જ કૉન્ટ્રૅક્ટ જાળવી રાખવામાં જ વધારે રસ હતો.

