સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં પરષોત્તમ રૂપાલા સામે દેખાવો યથાવત્
પરષોત્તમ રૂપાલા સામે વિરોધ વ્યક્ત કરવા અમદાવાદમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજની મહિલાઓ એકઠી થઈ હતી.
કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠકના ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા સામે ગુજરાતમાં રાજપૂત સમાજનો રોષ ઠરવાનું નામ લેતો નથી અને આંદોલન ઉગ્ર બન્યું છે. પોસ્ટરમાં હૅશટૅગ રૂપાલા બૉયકૉટ સાથે રાજપૂત સમાજની મહિલાઓ મેદાનમાં આવી ગઈ છે. ગઈ કાલે અમદાવાદમાં રાજપૂત સમાજે રૅલી યોજી હતી તો રાજકોટમાં રાજપૂત સમાજની મહિલાઓએ પોસ્ટર-વૉર શરૂ કરીને ઘરે-ઘરે ફરીને પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવા આંદોલન સાથે બેઠકોનો દોર શરૂ કર્યો છે. બીજી તરફ સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં પરષોત્તમ રૂપાલા સામે દેખાવો યથાવત્ રહ્યા હતા.
માતૃશક્તિ વિશેની ટિપ્પણી હૃદય સોંસરવી ઊતરી ગઈ છે : રાજેન્દ્રસિંહ રાણા
ગુજરાત BJPના ભૂતપૂર્વ પ્રદેશપ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ ભાવનગરમાં યોજાયેલા રાજપૂત સમાજના સંમેલનમાં કહ્યું હતું કે ‘પરષોત્તમ રૂપાલા મારા મિત્ર છે, પણ ચૂંટણીપ્રવાસ અને પ્રચારના કાર્યક્રમ દરમ્યાન તેમણે ટિપ્પણી કરી છે. ઐતિહાસિક પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને બે સમાજને તુલનાત્મક અભ્યાસ કરવા માટે એક સમાજનાં વધારે વખાણ કરવાનાં અને એક સમાજને નીચો દેખાડીને વખાણ કરવાનાં એ જે ટિપ્પણી કરી છે એને કારણે આપણા સમાજની લાગણી દુભાઈ છે, રોષ પણ ઉત્પન થયો છે અને આંદોલનના માર્ગે આપણે છીએ. રોટી અને બેટી, આપણે વધારે આહત થયા છીએ. મને પણ દુખદ આશ્ચર્ય થયું કે આ તેમના મોઢેથી કેમ નીકળી ગયું ને કેવું નીકળ્યું. આપણા માન, આન, બાન અને શાન સમાન માતૃશક્તિ વિશે તેમણે જે ટિપ્પણી કરી એ આપણા હૃદય સોંસરવી ઊતરી ગઈ છે. સંકલન સમિતિ પરિસ્થિતિનું આકલન કરીને જે નિર્ણય લેશે, સમગ્ર ગુજરાતનો જે નિર્ણય હશે એ આપણે બધાને મંજૂર અને માન્ય રહેશે. આશા રાખું કે સુખદ પરિણામ આપણને સૌને મળે.’
ADVERTISEMENT
અમે મળીશું, પણ સમાજને પૂછ્યા વગર એક ડગલું આગળ વધવાના નથી : કરણસિંહ ચાવડા
ગુજરાત રાજપૂત સમાજની જુદી-જુદી સંસ્થાઓની સંકલન સમિતિની બેઠક ગઈ કાલે અમદાવાદમાં મળ્યા બાદ સમાજના અગ્રણી કરણસિંહ ચાવડાએ મીડિયાને કહ્યું કે ‘લોકશાહીમાં સંવાદની પ્રક્રિયા ચાલતી હોય છે ત્યારે સરકાર અને BJP તરફથી આગેવાનોને સી. આર. પાટીલના નિવાસસ્થાને બોલાવ્યા હતા એમાં શું ચર્ચા થઈ એની અમને ખબર નથી, પણ જ્યારે આગેવાનો અમને મળવા માગતા હોય ત્યારે મળવાની ફરજ થાય. અમે કાલે મળીશું. તેઓ શું કહેવા માગે છે એ જાણીશું. અમારા મુદ્દા, ક્ષત્રિય સમાજના મુદ્દા મૂકીશું. ચર્ચાવિચારણા થશે એ પછી સમગ્ર ગુજરાતની સંકલન સમિતિની ૯૦ સંસ્થાઓ, ક્ષત્રિય સમાજના જિલ્લાઓમાં ચાલતા સંગઠનના આગેવાનો, જેમણે પણ અસ્મિતાને પોતાનો પ્રશ્ન બનાવી આવેદનપત્ર આપ્યાં છે કે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ નોંધાવ્યા છે એ તમામ આગેવાનોને બોલાવીશું. રાજકીય આગેવાનો જે મુદ્દા મૂકશે એની સમગ્ર ક્ષત્રિય સમાજ પાસે ચર્ચા કરીશું. અમે સમાજને પૂછ્યા વગર એક ડગલું પણ આગળ વધવાના નથી. આંદોલનના કાર્યક્રમ જારી છે. જ્યાં સુધી સમાજ કહેશે નહીં ત્યાં સુધી આપણું આંદોલન બંધ થવાનું નથી.’
સંકલન સમિતિના ૧૫ સભ્યોની મીટિંગ થશે અને સ્ટ્રૅટેજી નક્કી થશે : રમજુભા જાડેજા
ગુજરાત રાજપૂત સમાજની જુદી-જુદી સંસ્થાઓની સંકલન સમિતિના અગ્રણી રમજુભા જાડેજાએ બેઠક બાદ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘સંકલન સમિતિમાં ૧૩થી ૧૫ સભ્યો છે અને કાલે અહીં બધા આવશે. તેમની મીટિંગ થશે અને સ્ટ્રૅટેજી નક્કી થશે. સમાધાનની કોઈ દરખાસ્ત આવશે તો એ માટે ફરીથી ગુજરાતની સંસ્થાઓની મીટિંગ બોલાવીશું. તેમની સમક્ષ વાત કરીશું. તેમને મંજૂર હશે એ વાત આગળ થશે.’