આતંકવાદી સંગઠન સાથે સાઠગાંઠ ધરાવતાં હોવાની આશંકા : એટીએસે એલસીબી અને એસઓજીને સાથે રાખીને સર્ચ ઑપરેશન કર્યું
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદ : ગુજરાતના બહુચર્ચિત ગોધરામાં આતંકવાદી સંગઠન સાથે સાઠગાંઠ ધરાવતા હોવાની આશંકા સાથે એક મહિલા સહિત ૬ જણની ગુજરાત એટીએસે અટકાયત કરીને અમદાવાદ લાવીને તેમની પૂછપરછ હાથ ધરી છે. ગુજરાતમાં ફરી વાર સ્લિપર સેલ ઍક્ટિવ થયો હોવાની આશંકા ઊભી થઈ છે. સેન્ટ્રલ એજન્સીના ઇન્પુટના આધારે મળેલી બાતમીના આધારે ગુજરાત એટીએસે બુધવારે રાતે ગોધરામાં તપાસ હાથ ધરી હતી. ગોધરામાં કેટલાક શખ્સો આતંકવાદી સંગઠન સાથે સાઠગાંઠ ધરાવતા હોવાની આશંકાને પગલે એટીએસે ગોધરા એલસીબી અને એસઓજીને સાથે રાખીને બુધવારે રાતે સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું અને એક મહિલા સહિત ૬ જણની અટકાયત કરી હતી અને તેમને અમદાવાદ લાવીને પૂછપરછ હાથ ધરી છે. બિનસત્તાવાર રીતે એવી વિગતો બહાર આવી છે કે ગોધરામાંથી અટકાયત કરાયેલા આ લોકો અફઘાનિસ્તાન અને ઈરાનથી હૅન્ડલ થતા આતંકવાદી સંગઠન સાથે કાર્યરત હોવાની આશંકા છે અને એટલે જ તેમની અટકાયત કરીને પૂછપરછ માટે તેમને અમદાવાદ લવાયા છે.


