યોગી આદિત્યનાથે ગુજરાતમાં વાંકાનેર, ઝઘડિયા અને સુરતમાં કૉન્ગ્રેસ પર વાક્પ્રહાર કરી સભાઓ ગજવી ઃ યોગી આદિત્યનાથની સભામાં શણગારેલાં બુલડોઝર બન્યાં આકર્ષણનું કેન્દ્ર

પ્રતીકાત્મક તસવીર
ભગવદ્ગોમંડલ અનુસાર ‘ગુજરાત તેની કાંકરેજ જાતની ગાય, આખલા અને ભેંસ માટે પ્રખ્યાત છે.’ કાંકરેજનાં પશુઓ આટલાં પ્રખ્યાત છે એનો મતલબ એ કે એમને ઉત્તમ પ્રકારનો ઘાસચારો પીરસવામાં આવતો હશે. કૉન્ગ્રેસે ટિકિટોની કરેલી વહેંચણી બાદ કાંકરેજનાં આ પશુઓ અને ઘાસચારાની સાથે-સાથે ત્યાંના ભાઈચારા વિશે પણ પ્રશંસાના બે શબ્દો આપણે વેરવા જોઈએ, કારણ કે ગુજરાત કૉન્ગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે કાંકરેજની બેઠક માટે પોતાના સગા ભાઈ અમૃતજી ઠાકોરને ટિકિટ આપી છે.
કાંકરેજની ટિકિટ જાહેર થતાં જ અન્ય પક્ષો અને મીડિયાવાળાઓએ ‘પરિવારવાદ’ ‘પરિવારવાદ’ની રાડારાડી શરૂ કરી મૂકી છે. પણ આવું કરવામાં તેમની અણસમજ છતી થાય છે. તમને કોઈ પૂછે કે ‘તમારા પરિવારમાં કોણ કોણ છે?’ તો તમે કહેશો, ‘હું, મારી વાઇફ ને અમારાં બે કિડ્સ.’ પણ તમે ક્યારેય એવું તો નહીં જ કહ્યું હોય કે ‘મારા પરિવારમાં હું, મારી વાઇફ, અમારાં બે કિડ્સ ને મારા બે ભાઈઓ એમ કુલ છ સભ્યો છીએ.’
પોતાના ભાઈને ટિકિટ આપીને જગદીશ ઠાકોરે પરિવારની ‘પતિ-પત્ની ઔર કિડ્સ’વાળી મૉડર્ન વ્યાખ્યા જડમૂળથી ઉખાડીને એ કૂંડામાં ‘હમ સાથ સાથ હૈં’ની જૂની વ્યાખ્યા રોપવાનું ઉમદા કાર્ય કર્યું છે. વાસ્તવમાં જગદીશ ઠાકોરે રામાયણમાંથી પ્રેરણા લઈને પોતાના ભાઈને ટિકિટ આપી હશે. દરેક વખતે વિધાનસભા, લોકસભા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હારી ગયા બાદ પ્રદેશ પ્રમુખનું રાજીનામું લઈ તેમને રાજકીય વનવાસ પર મોકલી આપવાની પરંપરા કૉન્ગ્રેસમાં ચાલી આવે છે. જગદીશ ઠાકોરને ખબર પડી જ ગઈ હશે કે આઠમી ડિસેમ્બરે પરિણામ જાહેર થતાં જ નવમી ડિસેમ્બરે તેમને વનવાસ પર મોકલી દેવામાં આવશે. આવા સંજોગોમાં અનાથ બની જનારી ગુજરાત કૉન્ગ્રેસને પોતાના ભાઈના હાથમાં સોંપીને તે ડોન્ટ-વરીપૂર્વક વનવાસ પસાર કરી શકશે.
રાજકીય પક્ષોમાં પોતાનાં દીકરા કે દીકરી-જમાઈઓને આગળ વધારવાનો સિલસિલો વ્યાપેલો છે ત્યારે પોતાના ભાઈને આગળ વધારવાની ચેષ્ટા કરનારા જગદીશ ઠાકોરની પીઠ થપથપાવવી જોઈએ. આપણા જમાનામાં દીકરા-જમાઈવાદ જ્યારે એની ચરમસીમા પર છે ત્યારે ભાઈ-ભત્રીજાવાદ નામના લુપ્ત થઈ રહેલા વાદને જીવંત રાખવા બદલ ઇતિહાસ હંમેશાં જગદીશ ઠાકોરનો આભારી રહેશે.
વ્યવસાયે શિક્ષક એવા લેખક હાસ્ય અને વ્યંગની કટારો લખે છે. તેમનો સંપર્ક feedback@mid-day.com પર કરી શકાય.

