આરોપીએ ૮.૮૦ કરોડ રૂપિયાની ફેક ઇનપુટ ટૅક્સ ક્રેડિટ પાસ કરી હતી
પ્રતીકાત્મક તસવીર
પાલઘરમાં સેન્ટ્રલ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (સીજીએસટી)ના અધિકારીઓએ ૧૮.૬૬ કરોડ રૂપિયાની ફેક ઇનપુટ ટૅક્સ ક્રેડિટ મેળવવા અને એને પાસ કરવા બદલ એક ખાનગી કંપનીના માલિકની ધરપકડ કરી હતી.
એક અધિકારીએ જણાવ્યું હતું કે સીજીએસટી પાલઘર કમિશનરેટની ઇન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓએ શુક્રવારે મેસર્સ અર્ચના ઇમ્પેક્સના માલિક ધીરેન ચંદ્રકાંત શાહની સીજીએસટી ઍક્ટ, ૨૦૧૭ હેઠળ ધરપકડ કરી હતી. શાહે તેમના નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે અર્ચના ઇમ્પેક્સ કંપની પ્રવીણ દેવીચંદ રાજાવતના કહેવા પર શરૂ કરી હતી. આરોપીએ ૮.૮૦ કરોડ રૂપિયાની ફેક ઇનપુટ ટૅક્સ ક્રેડિટ પાસ કરી હતી અને માલસામાન કે સર્વિસિસની સપ્લાય કર્યા વિના નકલી ઇનવૉઇસ આપીને ૯.૮૬ કરોડ રૂપિયાનો લાભ મેળવ્યો હતો.