આજથી ૨૯ સપ્ટેમ્બર દરમ્યાન મહામેળો ઃ ક્યુઆર કોડથી લઈને વર્ચ્યુઅલ રિયલિટીની અનુભૂતિ કરાવાશેઃ આસ્થાના મહાકુંભ સમા મહામેળામાં અંબામાને શરણે અંદાજે ૩૦થી ૪૦ લાખ ભક્તો આવવાની સંભાવના
અંબાજી મંદિર
અમદાવાદ ઃ ઉત્તર ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલા વિશ્વવિખ્યાત યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં આસ્થા અને શ્રદ્ધાના મહાકુંભ સમા ભાદરવી પૂનમના મેળામાં આ વર્ષે ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને સલામતીથી લઈને આધ્યાત્મિક મનોરંજન માટે ક્યુઆર કોડથી લઈને વર્ચ્યુઅલ રિયલિટીની અનુભૂતિ લાખો માઈભક્તોને કરાવાશે.
અંબાજી ખાતે આજથી ૨૯ સપ્ટેમ્બર દરમ્યાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે. અંબામાને શરણે આસ્થા અને શ્રદ્ધાથી શીશ નમાવવા અંદાજે ૩૦થી ૪૦ લાખ માઈભક્તો આવવાની સંભાવના છે અને માઈભક્તોને આવકારવા અને તેમની સલામતી સાથે સવલત સાચવવા સહિત સુપેરે આ મેળો ભક્તિભાવભર્યા માહોલમાં હર્સોલ્લાસ સાથે સંપન્ન થાય એ માટે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ થયું છે.
આ વર્ષે મેળામાં ટેક્નૉલૉજીનો ભરપૂર ઉપયોગ કરીને નવીન પહેલ કરાઈ છે, એ બાબતે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચૅરમૅન અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે મેળાની માહિતી આપતાં કહ્યું હતું કે ‘મેળાની વ્યવસ્થાઓને લગતાં તમામ મહત્ત્વપૂર્ણ સ્થળોને એકસાથે સંકલિત કરવામાં આવ્યાં છે અને એક ક્યુઆર કોડ જનરેટ કરવામાં આવ્યો છે. ગૂગલ મૅપ્સ દ્વારા કોઈ પણ વ્યક્તિ તેના ઇચ્છિત સ્થાન પર સીધા પહોંચવા માટે આ કોડને સ્કેન કરી શકશે. અંબાજી મંદિરની મોબાઇલ ઍપ લૉન્ચ કરવામાં આવશે, જેમાં મંદિરનાં દર્શનનો સમય, મંદિરની સુવિધાઓ સહિતની તમામ અપડેટ મેળવી શકાશે. અંબાજી ઈ-મંદિર વૉટ્સઍપ ચૅટબોટ મંદિર દ્વારા ભક્તો માટે તમામ માહિતી, મંદિરની પ્રવૃત્તિઓ અને અપડેટ યુઝરને સીધા મોકલવામાં આવે છે. મેળામાં આવનારા ભક્તોને વર્ચ્યુઅલ રિયલિટી ટેક્નૉલૉજી દ્વારા દર્શનનો અનુભવ કરાવવામાં આવશે. અંબાજી મંદિરની આરતી, ગબ્બરની આરતી અને ૫૧ શક્તિપીઠ પરિક્રમાના અલૌકિક દૃશ્યો વર્ચ્યુઅલ રિયલિટી તરીકે દર્શાવવામાં આવશે. ભાવિકો શક્તિદ્વારની સામેના પાર્કિંગમાં આ અનુભૂતિ માણી શકશે.’
ADVERTISEMENT
તેઓએ વધુમાં કહ્યું હતું કે ‘મેળામાં આવતા ભાવિકોના આરોગ્યની જાળવણી માટે ૨૫ જેટલાં આરોગ્ય કેન્દ્રો કાર્યરત કરાયાં છે. મેળા દરમ્યાન ૨૫૬ આરોગ્ય કર્મચારીઓ અને ૧૭ ઍમ્બ્યુલન્સ તહેનાત રખાશે. સલામતી માટે સમગ્ર મેળા પર સીસીટીવી કૅમેરાથી નજર રખાશે. પાર્કિંગ સ્થળથી માઈભક્તો ૫૧ શક્તિપીઠ સર્કલ સુધી આવી શકે એ માટે ૧૫૦ જેટલી રિક્ષાની વિનામૂલ્યે વ્યવસ્થા કરાઈ છે. આ વખતે ૧૮૭ સંઘો અને સેવા કૅમ્પોનું તથા ૧૯૮૦ પદયાત્રી સંઘોનું ઑનલાઇન રજિસ્ટ્રેશન થયું છે.’


