Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમારું ડેસ્ટિનેશન તમે નહીં, તમારી ડેસ્ટિની નક્કી કરે છે

તમારું ડેસ્ટિનેશન તમે નહીં, તમારી ડેસ્ટિની નક્કી કરે છે

16 August, 2020 09:56 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

તમારું ડેસ્ટિનેશન તમે નહીં, તમારી ડેસ્ટિની નક્કી કરે છે

કવિ નીરજ

કવિ નીરજ


Life is what happens when you are busy making other plans
- John Lennon (song writer and one of the BEATLES)
જે રીતે જીવવું હોય એ રીતે ન જીવી શકાય એનું નામ જ જીવન છે. ડગલે ને પગલે સમાધાન કરવાં પડે એને જ જિંદગી કહેવાય. જીવનસફરમાં કર્તા નહીં, પરંતુ કર્મ બનીને જીવતા લોકો જ મોટા ભાગે સફળ થતા હોય છે. તમારું ડેસ્ટિનેશન તમે નહીં, પરંતુ તમારી ડેસ્ટિની નક્કી કરતી હોય છે એ વાતનો સ્વીકાર કરવો જ રહ્યો. ‘જે ગમે એ મળે’ એના કરતાં ‘જે મળશે એ ગમશે’ એ વાત વધારે આવકાર્ય છે. જોકે આ પ્રતીતિ સફળતા મળ્યા બાદ જ થાય છે એ હકીકત છે. નીરજ કદી ફિલ્મોમાં ગીત લખવા માટે ઉત્સુક નહોતા, પરંતુ નિયતિએ તેમને માટે કઈક જુદું જ ભવિષ્ય લખ્યું હતું. એ વાત નીરજના શબ્દોમાં પ્રસ્તુત છે...
‘૧૯૬૦માં મુંબઈમાં મારી બર્થ-ડે પાર્ટીનું આયોજન થયું હતું. એ સમયના ચીફ મિનિસ્ટર વાય. બી. ચવાણની હાજરીમાં બે કલાક મારા કવિપઠનનો કાર્યક્રમ ગોઠવાયો હતો. હાજર રહેલા દરેકે એ કાર્યક્રમને ખૂબ માણ્યો. વાય. બી. ચવાણે વર્ષગાંઠ નિમિત્તે મને ૫૦૦૦ રૂપિયા ભેટ આપ્યા. આ પ્રસંગે ભારતભૂષણના ભાઈ આર. ચંદ્રા હાજર હતા (જેમણે ‘બરસાત કી રાત’ બનાવી હતી). મારી એક કવિતા સાંભળીને તેઓ એટલા પ્રભાવિત થઈ ગયા કે મને કહે, ‘હું એક ફિલ્મ બનાવું છું ‘નઇ ઉમર કી નઇ ફસલ.’ તમે મને આ કવિતા ફિલ્મ માટે આપો.’ મેં કહ્યું, ‘જોઈએ તો આ કવિતા લઈ લો, પરંતુ મુંબઈ રહેવાનું કે આવવાનું કહેતા નહીં. મારે નોકરી છોડવી નથી.’ તેમણે આ કવિતાની આસપાસ ફિલ્મની વાર્તાની ગૂંથણી કરી‍. ફિલ્મ ફ્લૉપ ગઈ, પરંતુ ગીત એટલું લોકપ્રિય થયું કે હું દુનિયાભરમાં ફેમસ થઈ ગયો.
સ્વપ્ન ઝડે ફૂલ સે, મીત ચુભે શૂલ સે
લુટ ગયે શ્રૃંગાર સભી, બાગ કે બબૂલ સે
ઔર હમ ખડે ખડે, બહાર દેખતે રહે
કારવાં ગુઝર ગયા ગુબાર દેખતે રહે
આંખ ભી ખુલી ન થી, કિ હાય ધૂપ ઢલ ગઈ
પાંવ જબ તલક ઊઠે, કિ ઝિંદગી ફિસલ ગઈ
પાત-પાત ઝડ ગયે, કિ શાખ-શાખ જલ ગઈ
ચાહ તો નિકલ સકી ન, પર ઉમર નિકલ ગઈ
ગીત અશ્ક બન ગયે, સ્વપ્ન હો દહન ગયે
સાથ કે સભી દિયે, ધુઆં પહન-પહન ગયે
ઔર હમ ઝૂકે-ઝૂકે, મોડ પર રુકે-રુકે
ઉમ્ર કે ચઢાવ કા, ઉતાર દેખતે રહે...
નીરજના આ ગીતની એક-એક પંક્તિઓ કવિની વેદનાને, લાચારીને, ભાવકો સમક્ષ સચોટ રીતે રજૂ કરે છે. વિચાર કરો કે જ્યારે આપણે આ ગીત સાંભળીએ છીએ ત્યારે આપણે પોતે એ પીડાનો અહેસાસ કરીએ છીએ, પરંતુ શબ્દોમાં એને વ્યક્ત કરતી વખતે કવિ પર શું વીત્યું હશે? એક વાક્ય યાદ આવે છે ઃ ‘Everyone talks about poetry but no one offers poem.’ ---- T. S. Elliot. સાચી વાત છે. કવિએ જો પરકાયા પ્રવેશ કરીને એ પીડા અનુભવી હોય તો જ તે આવી અસરકારક કવિતા લખી શકે.
સંગીતકાર રોશન એક રેડિયો-ઇન્ટરવ્યુમાં આ ગીત વિશે વાત કરતાં કહે છે, ‘નીરજની આ કવિતાને હું કમ્પોઝ કરવા બેઠો ત્યારે મારી ખરી પરીક્ષા થઈ. લાંબી બહરનું આ ગીત સ્વરબદ્ધ કરવું એ મારે માટે એક મોટી ચૅલેન્જ હતી. એ માટેની એક પણ ધૂનથી હું સંતુષ્ટ નહોતો. ઘણા પ્રયત્નો કર્યા બાદ મેં નીરજને કહ્યું કે આ ગીતની ધૂન કેમ બનાવવી એ સમજાતું નથી. તમે કવિ સંમેલનમાં આ ગીત તરન્નુમમાં ગાઓ છો એની મને ખબર છે. પ્લીઝ, એક વાર તમે આનું પઠન કરો તો મને કંઈક આઇડિયા આવે.’
અને નીરજે પોતાના ઘેઘૂર અવાજમાં આ કવિતાનું પઠન શરૂ કર્યું. જેમ-જેમ તેઓ રજૂઆત કરતા ગયા તેમ-તેમ મને અહેસાસ થતો ગયો કે તેઓ જે લય અને સૂરમાં ગાય છે એ જ રીતે આ ગીત કમ્પોઝ થવું જોઈએ; તો જ ગીત શ્રોતા સુધી પહોંચશે અને મેં તેમની સ્ટાઇલને યથાવત્ રાખીને આ ગીત રેકૉર્ડ કર્યું. આ ગીતની લોકપ્રિયતામાં નીરજનો ફાળો સૌથી વધુ મહત્ત્વનો છે.
સંગીતકાર રોશનનો આ નિખાલસ એકરાર તેમના વ્યક્તિત્વનું એક એવું પાસું ઉજાગર કરે છે જેની ભાગ્યે જ કોઈને ખબર હશે. રોશન પોતે એક કુશળ સારંગીવાદક હતા અને કદાચ એટલા માટે જ તેમનાં ગીતોમાં એક પ્રકારની રેશમી મુલાયમ માદકતા આપણને સંભળાયા કરતી. સ્વભાવના પણ એટલા નરમ કે જો કોઈ તેમના ગીતની બિનજરૂરી ટીકા કરે તો તેમની આંખો ભીની થઈ જતી. મારા મિત્ર અને દિગ્ગજ રેડિયો-અનાઉન્સર અમીન સાયાનીએ તેમના મિત્ર રોશનના સેન્સિટિવ સ્વભાવની વાત કરતાં મને એક કિસ્સો કહ્યો હતો એ તેમના જ શબ્દોમાં પ્રસ્તુત કરું છું...
‘એક રાતે લગભગ ૧૧ વાગ્યે મને રોશનનો ફોન આવ્યો. આમ તો અમે ગમે એ સમયે એકમેકને ફોન કરી શકતા, પરંતુ એ દિવસે હું થોડો થાકેલો હતો એટલે મેં કહ્યું, કાંઈ અર્જન્ટ ન હોય તો સવારે વાત કરીએ. તો કહે, ‘એક અચ્છી ધૂન બની હૈ, ઝરા સુનો ઔર બતાઓ કૈસી બની હૈ.’ એ દિવસોમાં રોશન ફિલ્મ ‘ચિત્રલેખા’નું સંગીત આપવાનું કામ કરતા હતા. મને થયું સાંભળી લઉં. તેમણે ગીત સંભળાવ્યું. મને સખત ઊંઘ આવતી હતી. ગીત પૂરું કરીને તેમણે મારો અભિપ્રાય પૂછ્યો. મેં બગાસું ખાતાં-ખાતાં જવાબ આપ્યો, ‘ઠીક હૈ, ચલો ગુડ નાઇટ’ એમ કહીને મેં ફોન મૂકી દીધો.’
‘હું તો એ વાત ભૂલી ગયો. ફિલ્મ ‘ચિત્રલેખા’ માટે તેમણે ખૂબ મહેનત કરી હતી અને ઉત્તમ સંગીત આપ્યું હતું. ફિલ્મનાં દરેક ગીત હિટ હતાં. ખાસ કરીને ‘મન રે તુ કાહે ના ધીર ધરે’ મારું અત્યંત પ્રિય ગીત છે. તેમના અવસાન બાદ તેમનાં પત્નીએ એક વાત કરી. મને કહે, ‘ભાઈસા’બ, ઉસ રાત રોશનજીને આપકો યે ધૂન સુનાઈ થી તો આપને ‘ઠીક હૈ’ કહ કે ફોન રખ દિયા થા. ઉસ પૂરી રાત વો સો નહીં શકે; રોતે રહે.’ એ સાંભળીને મને બહુ ગિલ્ટી ફીલ થયું. મેં કહ્યું, ‘તમે બીજે દિવસે જો મને આ વાત કરી હોત તો હું માફી માગી લેત, મને આ વાતનો જીવનભર અફસોસ રહેશે.’ રોશન એક સંવેદનશીલ વ્યક્તિ હતા. ખુશ થઈ જાય તો પણ તેમની આંખોમાં આંસુ આવી જતાં.’
ફિલ્મ ‘નઇ ઉમર કી નઇ ફસલ’નાં બાકીનાં ગીતો પણ નીરજે લખ્યાં. આ ગીતો લોકપ્રિય થયાં, જેમાંનું આ ગીત તો પ્રણયની એક અલગ અભિવ્યક્તિ છે...
આજ કી રાત બડી શૌખ બડી નટખટ હૈ
આજ તો તેરે બિના નીંદ નહીં આયેગી
અબ તો તેરે હી યહાં આને કા યે મૌસમ હૈ
અબ તબિયત ન ખયાલોં સે બહલ પાયેગી (મોહમ્મદ રફી-આશા ભોસલે)
આ ફિલ્મ બાદ નીરજે મિત્ર ચંદ્રશેખરની ફિલ્મ ‘ચા ચા ચા’ માટે ગીતો લખ્યાં અને ફરી એક વાર પોતાના કાવ્યતત્વથી સંગીતપ્રેમીઓને માલામાલ કરી દીધા. સંગીતકાર ઇકબાલ કુરેશીએ સ્વરબદ્ધ કરેલાં આ ગીતો કેમ ભુલાય?
સુબહ ના આઇ, શામ ના આઇ
જિસ દિન તેરી યાદ ના આઇ... (મોહમ્મદ રફી)
વો હમ ન થે વો તુમ ન થી
વો રહગુઝર થી પ્યાર કી
લુટી જહાં સે બેવજહ પાલકી બહાર કી... (મોહમ્મદ રફી)
એક ચમેલી કે મંડવે તલે
મયકદે સે ઝરા દૂર ઉસ મોડ પર
દો બદન પ્યાર કી આગ મેં જલ ગયે (આશા ભોસલે-મોહમ્મદ રફી)
આ બે ફિલ્મોનાં ગીતોથી મળેલી લોકપ્રિયતાની નીરજ પર ભાગ્યે જ કોઈ અસર પડી. માયાનગરી મુંબઈ તેમને મોહી ન શકી. તેઓ તો પોતાની મસ્તીમાં અલીગઢમાં નોકરી કરતા સંતોષી જીવ હતા, કારણ કે તેમનું માનવું હતું કે
વાણી કે સૌંદર્ય કા શબ્દરૂપ હૈ કાવ્ય
કિસી વ્યક્તિ કે લિયે હૈ કવિ હોના સૌભાગ્ય
દિવસે પ્રધ્યાપકની નોકરી અને શનિ-રવિની રાતોએ કવિ સંમેલનોમાં તાળીઓની ગુંજ અને ‘વન્સ મોર’ના પોકારો નીરજ માટે એક સામાન્ય ઘટના બની ગઈ હતી. એ જોઈ ભલભલા શાયરોને ઈર્ષા થતી એ હકીકત હતી. એમ ન કહેવાય કે તેમને આનો અહેસાસ નહોતો. ખુદ્દારી અને ખુમારી સાથે જીવતા કવિએ એ પરિસ્થિતિને આ રીતે શબ્દદેહ આપ્યો...
જિસ્મ દો હો કે ભી એક હો અપને જૈસે
મેરા આંસુ તેરી પલકોં મેં ઉઠાયા જાયે
ગીત ઉન્મન હૈ, ગઝલ ચૂપ હૈ, રુબાઈ દુખી
ઐસે માહોલ મેં નીરજ કોં બુલાયા જાયે...
જોકે નીરજને ત્યારે ક્યાં ખબર હતી કે તકદીર થોડા સમયમાં જ એક એવી ચાલ ચાલવાની હતી, જેને કારણે તેઓ સામેથી મુંબઈ જવા માટે તૈયાર થવાના હતા. એક ફિલ્મની જાહેરાત વાંચીને તેમણે પોતાનું મન શા માટે બદલ્યું એ વાત આવતા રવિવારે.


Whatsapp-channel Whatsapp-channel

16 August, 2020 09:56 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK