Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તમારું વજન કેમ વધ્યું કે તમને ટાલ કેમ પડી એવા પ્રશ્નો કોઇને પુછાય?

તમારું વજન કેમ વધ્યું કે તમને ટાલ કેમ પડી એવા પ્રશ્નો કોઇને પુછાય?

22 February, 2021 02:08 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

તમારું વજન કેમ વધ્યું કે તમને ટાલ કેમ પડી એવા પ્રશ્નો કોઇને પુછાય?

તમારું વજન કેમ વધ્યું કે તમને ટાલ કેમ પડી એવા પ્રશ્નો કોઇને પુછાય?

તમારું વજન કેમ વધ્યું કે તમને ટાલ કેમ પડી એવા પ્રશ્નો કોઇને પુછાય?


પ્રત્યેક વ્યક્તિ પોતાની અંદર અનેક દ્વંદ્વો લઈને ફરતી હોય છે. એ દ્વંદ્વોની અસર તેના મનની સાથે તેના શરીર પર પણ પડતી હોય છે. એ દ્વંદ્વોથી અપરિચિત આપણે ઘણી વાર બેહૂદા સવાલો કરી સામેવાળી વ્યક્તિને ભોંઠી પાડી દઈએ છીએ. તેથી કોની સાથે, ક્યારે અને કઈ વાત કરવી એનું ઔચિત્ય કેળવવું અત્યંત આવશ્યક છે

વર્ષો પહેલાંની વાત છે. મારી એક ફ્રેન્ડના બાળકનો હજી નવો-નવો જ જન્મ થયો હતો. એવામાં એક વાર તે પોતાના દીકરાને લઈ સાંજે નીચે આંટો મારવા લઈ ગઈ. ત્યાં રસ્તામાં તેને પોતાનો કૉલેજકાળનો એક મિત્ર પોતાની પત્ની સાથે મળી ગયો. મારી ફ્રેન્ડને જોતાંની સાથે તેની આંખો પહોળી થઈ ગઈ અને કહે, ‘અરે, તારું વજન કેટલું વધી ગયું છે!’ એક સ્ત્રી હોવાના નાતે સ્વાભાવિક રીતે મારી ફ્રેન્ડને તેની આ ટિપ્પણી ખટકી. તેથી તરત જ તેણે તેની પત્ની તરફ નજર નાખતાં કહ્યું, ‘મારું વધી ગયેલું વજન મારો પતિ મારું કેટલું ધ્યાન રાખે છે એનો પુરાવો છે, પરંતુ તારી પત્નીને જોતાં એવું લાગતું નથી.’ મારી ફ્રેન્ડનો આ જવાબ સાંભળી તેના મિત્રની માચીસની કાંડી જેવી પત્ની ખીખી કરતી હસવા માંડી, જ્યારે પેલા ભાઈનો ચહેરો સાવ ફીકો પડી ગયો. માતૃત્વને પગલે સ્ત્રીનું શરીર અઢળક પરિવર્તનોમાંથી પસાર થતું હોય છે એ તો બહુવિદિત સત્ય છે. આવામાં ગર્ભાવસ્થા દરમ્યાન અને બાળકના જન્મ બાદ પણ ક્યાંય સુધી તેનું શરીર ભરાયેલું રહે છે એ પણ બધા જ જાણે છે. તેમ છતાં જો તમે આવી કમેન્ટ કરી તમારી બુદ્ધિનું પ્રદર્શન કરવા તૈયાર હો તો પછી જવાબ સાંભળવાની પણ તમારી તૈયારી હોવી જોઈએ.
અલબત્ત, દેખાવની બાબતમાં ફક્ત સ્ત્રીઓ જ સંવેદનશીલ હોય છે એવું નથી, પુરુષો પણ આ બાબતમાં સ્ત્રીઓથી કંઈ ઓછા નથી હોતા. એમાંય જ્યારે વાત તેમના માથે પડેલી ટાલની આવે ત્યારે ભલભલા પુરુષો અત્યંત ટચી બની જતા હોય છે. મારા જ પરિવારની વાત કરું તો અમારે ત્યાં પુરુષોને વારસામાં ઊંચું કદ અને ગોરી ત્વચાની સાથે ટાલ પણ વારસામાં મળે છે. એક વાર મારા ઘરના પુરુષો ઉંમરમાં ત્રીસનો આંકડો વટાવે એટલે તેમના વાળ પ્રમાણમાં ઝડપથી ખરવા જ માંડે છે. બધાની જ સાથે આવું બનતું હોવાથી બાહ્ય રીતે તેઓ આ બાબતને હળવાશથી લેતા હોવાનો ડોળ કરી ઘણી વાર એકમેકની મજાક પણ ઉડાડે છે, પરંતુ અંદરખાને બધાને પોતાની ક્રાઉનિંગ ગ્લોરી ખોયાનો અફસોસ તો છે જ. તેથી એક હદથી વધારે આ બાબતે તેમને છંછેડવા એ તેમની દુખતી નસ પર હાથ મૂકવા સમાન છે એ હવે અમે બધા સમજી ગયા છીએ.
પરંતુ ઘણા લોકો આવી સમજદારી દાખવી શકતા નથી. અલબત્ત, મોટા ભાગના આપણે લાંબા સમયે કોઈને મળીએ એટલે આપણું પહેલું ધ્યાન સામેવાળી વ્યક્તિના શરીરમાં આવેલા બદલાવ પર જ જતું હોય છે જેમાં વધી કે ઘટી ગયેલું વજન, માથાના ઊતરી ગયેલા વાળ, આંખની આસપાસ ઊપસી આવેલાં કાળાં કૂંડાળાં વગેરે જેવી બાબતો પર આપણું ધ્યાન પહેલાં જાય એ પણ એટલું જ સ્વાભાવિક છે. પરંતુ શું આપણે દર વખતે આપણા આ કૌતુકનું પ્રદર્શન કરી સામેવાળાને શરમજનક સ્થિતિમાં મૂકવા પણ એટલું જરૂરી છે?
વાસ્તવમાં દર વ્યક્તિના બે ચહેરા હોય છે. એક, જે તે દુનિયાને દેખાડવા માગે છે અને બીજો, જે તે દુનિયાથી છુપાડવા માગે છે. દુનિયાથી છાના રખાતા આ ચહેરા પર તેના જીવનમાં આવેલા ઉતાર-ચઢાવો, તેના સંઘર્ષો, તેનાં દ્વંદ્વો, તેની પીડાઓ વગેરે બધું જ અંકાયેલું છે. સાથે જ એ બધાની શરીર પર થયેલી અસરોની વેદના પણ હોય છે. આ ચહેરો તેની અંગત માલિકી હોય છે, પ્રાઇવેટ સ્પેસ હોય છે જ્યાં આમંત્રણ વગર પ્રવેશવાની મનાઈ હોય છે. કોઈના શરીરમાં આવેલાં પરિવર્તનો તરફ અંગુલિનિર્દેશ કરીને આપણે જાણતાં-અજાણતાં એ પ્રાઇવેટ સ્પેસમાં આમંત્રણ વગર પહોંચી જવાની તથા સામેવાળી વ્યક્તિને ક્ષોભજનક સ્થિતિમાં મૂકવાની ભૂલ કરતા હોઈએ છીએ.
બલકે ફક્ત શારીરિક ફેરફારો જ નહીં, ઘણા લોકોને વ્યક્તિના અંગત જીવનનાં અત્યંત સંવેદનશીલ પાસાંઓમાં પણ અકારણ જ માથું મારવાની આદત હોય છે. તમારાં લગ્નને બે વર્ષ થઈ ગયાં, હવે સારા સમાચાર ક્યારે આપો છો? નોકરીમાં તમને કેટલો પગાર મળે છે? ગઈ કાલે તમારા ઘરેથી મોટે-મોટેથી ઝઘડવાના અવાજો આવતા હતા, શું થયું હતું? સાંભળ્યું છે કે તમારો ધંધો બંધ થઈ ગયો છે તો હવે ઘર કેવી રીતે ચલાવો છો? બોર્ડની પરીક્ષામાં ઓછા માર્ક્સ કેમ આવ્યા? હજી સુધી લગ્ન કેમ નથી કર્યાં? વગેરે જેવા અત્યંત વિચિત્ર પ્રશ્નો કરી લોકોને સામેવાળાને વિકટ પરિસ્થિતિમાં મૂકવાની આદત હોય છે. જે બાબત સાથે તમારે કોઈ લેવાદેવા નથી, જે બાબતો તમારા જીવનને સ્પર્શતી નથી એના સંબંધી પ્રશ્નો પૂછવાનો તમને કોઈ અધિકાર પણ હોતો નથી.
કેટલાક પ્રશ્નોના કોઈ જવાબ હોતા નથી તો કેટલીક વાર જવાબ હોય તો આપણને આપવા ગમતા નથી તો ક્યારેક એવું પણ બનતું હોય છે કે લોકો આપણી વાત સાથે સહમત નહીં થાય તેથી જવાબ હોવા છતાં આપણને આપવાનું મન થતું નથી. બોર્ડ્સની પરીક્ષા માટે ઘણી તૈયારી કરી હોવા છતાં ઓછા માર્ક્સ શા માટે આવ્યા એ પ્રશ્નનો જવાબ વિદ્યાર્થીને પોતાને જ ખબર ન હોવાથી તે તમને શું કહી શકવાનો? નોકરી-ધંધા છૂટી ગયા છે તેથી ઘરમાં પૈસાની ખેંચ રહે છે એવી કબૂલાત કરવી કોઈને પણ ગમતી નથી. સાથે જ મારે લગ્ન કરવાં નથી કે અમારે બાળકો કરવાં નથી એવા અંગત નિર્ણયો સાથે સમાજ સહમત નહીં થાય એની જાણ હોવાથી કોઈને એની ચર્ચા ન કરવી હોય એવું પણ બની શકે.
તેથી કોની સાથે, ક્યારે અને કઈ વાત કરવી એનું ઔચિત્ય કેળવવું અત્યંત આવશ્યક છે. કોઈના જખમ પર મરહમ લગાવી ન શકીએ તો વાંધો નહીં, પરંતુ નમક છીડકવાનું પાપ તો ભૂલથી પણ ન જ થવું જોઈએ. તેથી બહેતર તો એ જ છે કે કેટલાક પ્રશ્નોના વિસ્તારમાં પ્રવેશ કરવો જ નહીં. પ્રત્યેક વ્યક્તિને પોતાનું જીવન પોતાની રીતે જીવવાની સ્વતંત્રતા હોય છે. એ સ્વતંત્રતા પર તરાપ મારી આપણે સામેવાળાની નહીં, પરંતુ ખુદ પોતાની જ હાંસી ઉડાવતા હોઈએ છીએ.
(આ લેખમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

22 February, 2021 02:08 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK