Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ડેટાનો હિસાબ કરનાર મોટો વર્ગ આજે પણ અકબંધ છે

ડેટાનો હિસાબ કરનાર મોટો વર્ગ આજે પણ અકબંધ છે

14 June, 2020 09:56 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ડેટાનો હિસાબ કરનાર મોટો વર્ગ આજે પણ અકબંધ છે

ડેટાનો હિસાબ કરનાર મોટો વર્ગ આજે પણ અકબંધ છે


લૉકડાઉનની ટીવી-ઇન્ડસ્ટ્રી પર કેવી અસર પડશે?

બહુ મોટી. લૉકડાઉન પછી લોકોની આદત બદલાઈ ગઈ છે. પહેલાંના નૉર્મલ અને લૉકડાઉન પછીના નૉર્મલ વચ્ચે બહુ મોટો ફરક છે અને એ ફરકને લીધે લોકોમાં ચેન્જ આવ્યો છે. આ ચેન્જને કારણે હવે કન્ટેન્ટમાં પણ ફરક આવશે. સ્ટોરી ટેલિંગ પણ બદલાશે અને સાથે જે ફેવરિટ કૅરૅક્ટર હતાં તેમના વ્યવહારમાં, તેમના અપ્રોચમાં પણ ફરક પડશે. પાત્રો એ જ હશે, પણ એમાં ચેન્જ મોટો જોવા મળશે.



પણ આવું થવાનું કારણ શું?


સિમ્પલ છે, ડેઇલી સોપ એ ડ્રામાની દુનિયા હતી. લોકોને એમાં ડ્રામા, નાટ્યાત્મકતા જોવી હતી, પણ કોરોનાને કારણે ઑડિયન્સની લાઇફમાં બહુ મોટો ડ્રામા ભજવાઈ ગયો એટલે નૅચરલી બનશે એવું કે હવે નાટ્યાત્મકતાની વ્યાખ્યા બદલાશે. બની શકે કે પહેલાં ટીવી પર ચાલતો ડ્રામા હવેના સમયમાં લોકોને ઇન્ટરેસ્ટિંગ ન લાગે, કારણ કે ડ્રામાનું એક્સપેક્ટેશન હવે બદલાયું છે. આ બધું ડેઇલી સોપમાં દેખાશે અને જો નહીં દેખાય તો એ શો ઑડિયન્સ ગ્રેબ નહીં કરી શકે.

 


લૉકડાઉનમાં માઇથોલૉજી બહુ ચાલી

હા, માઇથોલૉજી અને ન્યુઝ. આ બન્ને પુષ્કળ જોવાયાં. એનું કારણ પણ છે. પહેલાં ટીવીનું રિમોટ ઘરની મહિલાઓના હાથમાં વધારે રહેતું. પુરુષ ઘરમાં આવે એટલે તે રિમોટ પર કબજો કરે, પણ લૉકડાઉનમાં તો રિમોટ પુરુષોના જ હાથમાં હતું અને હજી પણ તેના હાથમાં રહે એવી શક્યતા વધારે છે. પુરુષોની સાથોસાથ બાળકો પણ રિમોટનાં હકદાર બન્યાં છે એટલે આ પિરિયડમાં ફીમેલ મેમ્બરના હાથમાં રિમોટ નથી. લૉકડાઉનમાં અત્યારે રાહત છે, પણ વાતાવરણ તો લૉકડાઉન જેવું જ છે. ક્યારે શું થઈ જાય એનું કંઈ નક્કી નહીં. અનિશ્ચિતતા ભારોભાર છે. આ ‌અનિશ્ચિતતા વચ્ચે પુરુષ કામ પર જશે તો પણ તે પાછો આવવાની બાબતમાં પન્ક્ચ્યુઅલ રહેશે એટલે આવતા થોડા સમય સુધી તો રિમોટ પર કબજો પુરુષોનો જ રહેશે, જેની સીધી અસર પણ ડેઇલી સોપ પર દેખાશે. ડેઇલી સોપમાં પુરુષોના ઇન્ટરેસ્ટની સાથોસાથ બાળકોને પણ ધ્યાનમાં રાખવાનાં છે. હું કહીશ કે મેકર્સ માટે બહુ મોટી ચૅલેન્જ રહેશે અને ઓવરઑલ ટીવી-ઇન્ડસ્ટ્રીનું કન્ટેન્ટ ઘણી હદે બદલાશે.

 

આપણે ત્યાં કૅરૅક્ટર-ઓરિયેન્ટેડ સબ્જેક્ટ ચાલે છે, સ્ટોરી-ઓરિયેન્ટેડ નહીં. એમાં કોઈ ફરક આવશે?

હન્ડ્રેડ પર્સન્ટ. તમે જુઓ, અમુક સિરિયલ લૉકડાઉનમાં જ બંધ કરી દેવામાં આવી, તો અમુક સિરિયલને બંધ કરવાનો નિર્ણય ગમે ત્યારે લેવાય એમ છે. નામમાં નહીં પડીએ આપણે, પણ જે એક-બે સિરિયલના આધાર પર આખી ચૅનલ ચાલતી હતી એ સિરિયલની ટીઆરપી અત્યારે એક પૉઇન્ટ પણ રહી નથી, તો અમુક શો ટીઆરપીની રેસમાં જ રહ્યા નથી. હૅમરિંગ વચ્ચે એ શો ચાલતા હતા, કારણ કે આપણા ઑડિયન્સને સ્ટારની આદત હતી, પણ હવે એવું નહીં બને. અત્યારે આ જે સમય છે એ સમયને ‘ધી ન્યુ નૉર્મલ’ કહેવામાં આવે છે. આ ‘ધી ન્યુ નૉર્મલ’ના ટાઇમમાં ન્યુ ફેવરિટ પણ આવશે અને ફ્રેશ કન્ટેન્ટની સાથે ન્યુ વે ઑફ સ્ટોરી ટેલિંગ પણ જોવા મળશે.

 

કહી શકાય કે આ ચેન્જ ડિજિટલને આભારી છે?

હા અને ના. સમજાવું. ડિજિટલ કે પછી જેને ઓટીટી (ઓવર ધ ટૉપ) પ્લૅટફૉર્મ કહે છે એ પ્લૅટફૉર્મ પર અત્યારે ભરપૂર કન્ટેન્ટ જોવાયું પણ એ કન્ટેન્ટને લીધે ટીવી-સિરિયલનું કલેવર બદલાય એવું ધારી લેવું વધારે પડતું છે. ડિજિટલને આ ટાઇમમાં બહુ મોટો જમ્પ મળી ગયો. એને ઘરમાં આવવા માટે જે વિન્ડોની જરૂર હતી એ વિન્ડો પણ સરસ રીતે મળી ગઈ અને એ ઘરમાં દાખલ પણ થયું, એના પર રહેલું કન્ટેન્ટ કન્ઝ્યુમ પણ થયું, પરંતુ એમ છતાં એના ૮-૧૦ એપિસોડની સિરિયલ ડેઇલી શૉપને ચેન્જ કરી નાખે એવું બિલકુલ માની ન શકાય, પરંતુ એ પણ એટલું સાચું કે ડિજિટલને લીધે ટીવી-સિરિયલના કન્ટેન્ટના આ શરૂઆતના સમયમાં સ્પીડ આવશે, પણ સ્ટોરી ટેલિંગની સ્ટાઇલ એવી બનશે પણ એ પછી સિરિયલને ત્યાંથી ટીવી-ઇન્ડસ્ટ્રી પોતાની ગલીમાં એન્ટર કરી દે એવું બની શકે.

 

હવે ડિજિટલ વધારે જોવાશે, સિરિયલને એનું ડૅમેજ થશે

 

નો વે. ટીવીનું સ્થાન આ ઓટીટી પ્લૅટફૉર્મ લે એવું નહીં બને. તમે જુઓ, સાત મોટી ચૅનલ છે એ ચૅનલના ઓટીટી પ્લૅટફૉર્મ પર એની સિરિયલ દેખાડવામાં આવે છે અને એ જોનારો એક મોટો વર્ગ પણ છે જ. ડિજિટલ પ્લૅટફૉર્મ ટ્રાવેલિંગ દરમ્યાન જોવા માટે વપરાતું, એમાં વધારો થઈ શકે છે, પણ ઘરમાં ટીવીની જગ્યાએ ડિજિટલ પ્લૅટફૉર્મ આવી જાય એવું તો નહીં જ બને. ઘણાં ફૅક્ટર એની પાછળ કામ કરે છે. સ્માર્ટ ગૅજેટ્સ જોઈએ. સબસ્ક્રિપ્શન જોઈશે અને સબસ્ક્રિપ્શનથી વાત પૂરી નથી થતી. એને માટે ઇન્ટરનેટ ડેટા પણ જોઈશે અને એને માટે એક્સ્ટ્રા બજેટ પણ જોઈશે. તમે, હું અને આપણા જેવો એક નાનો વર્ગ એવો છે જે ઇન્ટરનેટ ડેટાના બજેટનો હિસાબ નથી કરતો કે પછી અનલિમિટેડ ડેટાવાળાં પૅક વાપરે છે, પણ ડેટાનો હિસાબ કરનારો એક મોટો વર્ગ છે, એ માત્ર આ ડિજિટલ પર આધારિત ક્યારેય ન રહી શકે.

 

લૉકડાઉન પછી હવે શૂટિંગ માટે અનેક નિયમોનું પાલન કરવાનું છે, ટેક્નિકલી પ્રોડ્યુસરને ખાસ્સું નુકસાન થાય એવું લાગે છે

એકદમ સાચું, પણ દરેક પ્રોડ્યુસરે યાદ રાખવું જોઈએ કે આ એક બિઝનેસ છે. બિઝનેસ શરૂ કરો એટલે ત્રણ ચાન્સ હોય. પહેલી શક્યતા લૉસની. બીજી શક્યતા, નહીં લૉસ અને નહીં પ્રૉફિટ એટલે કે કૉસ્ટ-ટુ-કૉસ્ટ પર પહોંચી શકાય અને ત્રીજી શક્યતા, પ્રૉફિટ થાય. આજની વાત કરીએ અને ટીવી-ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો અત્યારે તો બિઝનેસ ખાડામાં જ છે, એને એમાંથી બહાર કાઢવાનો છે. જો બહાર કાઢીશું તો જ થોડા સમય પછી કૉસ્ટ-ટુ-કૉસ્ટ પર અને એ પછી પ્રૉફિટ પર આવવાના ચાન્સ રહેશે. મારે તો અહીં બીજી વાત પણ કહેવી છે. પ્રોડ્યુસરની સંપત્ત‌િ એ તમારા લોકો છે. તમારી ટીમ, ટેક્નિશ્યન, ક્રૂ મેમ્બર્સ, ઍક્ટર્સ. આ બધા માટે પણ પ્રોડક્શન-હાઉસ શરૂ થાય એ સૌકોઈના હિતમાં છે. એક વખત ધંધાને ખાડામાંથી બહાર કાઢવાનું કામ થશે તો જ કૉસ્ટ-ટુ-કૉસ્ટ લેવલનો રસ્તો મળશે અને એ મળે તો જ પ્રૉફિટ પર કેવી રીતે પહોંચવું એનું કામ શરૂ થાય, પણ એ બધા માટે શરૂઆત તો કરવી જ પડે એવું મને લાગે છે.

એક વર્ગ એવો પણ છે જેનું માનવું છે કે ડિજિટલ પ્લૅટફૉર્મ

મર્યાદા ક્રૉસ કરી બીભત્સતાની ચરમસીમા પર પહોંચી ગયું છે. ઇન્ડિયન ફિલ્મ ઍન્ડ ટીવી પ્રોડ્યુસર્સ કાઉન્સિલના ટીવી અને વેબ વિન્ગના ચૅરમૅન તરીકે તમારું શું કહેવું છે?

જુઓ, પર્સનલી હું ટ્રેડિશનલ છું, પણ પ્રોફેશનલી મારાથી આવું કહી ન શકાય એટલે આ સવાલનો જવાબ હું ચૅરમૅન તરીકે આપું એ બરાબર નથી. બીજી વાત, ડિજિટલ પ્લૅટફૉર્મ પર એ લાવવામાં આવે છે જે વર્લ્ડમાં ચાલે છે અને વર્લ્ડમાં ઇન્ડિયા પણ આવી જ ગયું એટલે એ રીતે પણ મારાથી આર્ગ્યુમેન્ટ ન થઈ શકે. ઓવરઑલ તમે જુઓ કે જેને આપણે બીભત્સ કહીએ છીએ એવું પૉર્ન કન્ટેન્ટ બીજા પ્લૅટફૉર્મ પર છે જ અને એ જેને જોવું છે એ જુએ જ છે એટલે તમે કાંઈ ઘરે-ઘરે જઈને લોકોને એવું ન દેખાડવા કે ન જોવા માટે કહેવા જઈ નથી શકવાના. ડિજિટલ પ્લૅટફૉર્મ પર એવું જ કન્ટેન્ટ છે એવું ધારી લેવાની જરૂર નથી, બહુ સરસ અને ગ્રેટ કહેવાય એવી ડૉક્યુમેન્ટરી પણ છે અને સુંદર, ક્યારેય જોવા ન મળે એવી ફિલ્મો પણ છે જ. ડિજિટલ પ્લૅટફૉર્મને કારણે ઇન્ટરનૅશનલ ફિલ્મો તમને તમારી લૅન્ગ્વેજમાં જોવાની તક પણ મળે છે એ પણ ભૂલવું ન જોઈએ.

વાત રહી બીભત્સતા કે પછી લિમિટ ક્રૉસ કરવાની, તો હું કહીશ કે અહીં જરૂર છે સેલ્ફ સેન્સરશિપની. પ્રોડ્યુસર, રાઇટર્સમાં સેન્સિટિવિટી હોવી જોઈએ. તેમને ખબર પડવી જોઈએ કે તેમણે શું દેખાડવું છે, શું કહેવું છે અને કઈ ભાષામાં કહેવું છે. શાવર વખતે કપડાં ન પહેર્યાં હોય એ દેખાડીએ છીએ, પણ ટૉઇલેટ કરતાં આપણે કોઈને દેખાડતા નથી. આ સેન્સ‌િટિવિટી છે અને એનું જ ધ્યાન રાખવાનું છે. સેન્સ‌િટિવવિટી સાથે મેકર્સે કામ કરવું જોઈએ. મેકર્સે સેલ્ફ સેન્સરશિપના રસ્તે ચાલવું જોઈએ અને સેન્સિટિવિટીને જાગ્રત રાખવી જોઈએ એવું સજેશન આપણાથી થઈ શકે.

નિર્માતા જેડી મજીઠિયાએ લૉકડાઉનમાં શું કર્યું?

હંઅઅઅ... શરૂઆતમાં તો ‘ભાખરવડી’ પર જ વધારે ધ્યાન આપ્યું. આગળની વાર્તા અને સ્ટોરીના સબ ટ્રૅક પર કામ કર્યું, પણ લૉકડાઉન આગળ વધતું ગયું એમ-એમ સમજાવા માંડ્યું કે આપણે ઇમ્પૉસિબલ પિરિયડમાં એન્ટર થઈ ગયા છીએ એટલે બેથી ત્રણ ટ્રૅક ડેવલપ કરીને પણ એને પડતા મૂકી દીધા. હવે પરમિશન મળવા માંડી છે એટલે નવેસરથી ‘ભાખરવડી’ પર કામ શરૂ કર્યું છે. એક વાત નક્કી છે કે ‘ભાખરવડી’ હવે બદલાયેલું હશે. આ ઉપરાંત જે પ્રોજેક્ટ પર અમે કામ કરતા હતા એ બધામાં પણ ચેન્જ કર્યા. એક વેબ-સિરીઝનું પોસ્ટ પ્રોડક્શન બાકી હતું એટલે એમાં ખાસ ચેન્જ થઈ નથી શક્યાં. હવે એ રિલીઝ થશે. આ થઈ કામની વાત, કામ સિવાય જેકાંઈ કર્યું એ સોસાયટી માટે કે પછી અમારી ઇન્ડસ્ટ્રીના વર્કર્સ માટે મારાથી થઈ શક્યું એ કરવાની કોશિશ કરી. આને માટે હું મારી ફૅમિલી અને વાઇફ નીપાને હૅટ્સ ઑફ કહીશ. કારણ કે બધા ઘરમાં હતા, ફૅમિલી સાથે ટાઇમ પસાર કરતા હતા ત્યારે મેં મારો મોટા ભાગનો ટાઇમ આ બધાં કામમાં આપ્યો અને નીપા કે મારી દીકરી કેસર-મિશ્રીએ કોઈ જાતના વિરોધ વિના એ વાતને પ્રેમથી સ્વીકારી. હૅટ્સ ઑફ ટુ ધેમ.

Whatsapp-channel Whatsapp-channel

14 June, 2020 09:56 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK